Abtak Media Google News

વોટ્સએપ મારફત લલનાનો ફોટો મોકલી ગ્રાહકોને આકર્ષી
ચાલતું હતું હાઈ-પ્રોફાઈલ કુટણખાનું

રાજકોટમાં શહેરમાં દિન પ્રતિદિન દુષણો વધી રહ્યા છે. રંગીલા રાજકોટની છાપને તહસ-નહસ કરવા લુખ્ખાઓ-આવારા તત્વો, ભૂ-માફિયાઓ, ડ્રગ્સ માફિયાઓ તો મેદાને છે જ સાથોસાથ હવે રાજકોટ શહેરમાં દેહ વ્યાપાર પણ ધમધોકાર ચાલી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં કૂટણખાનાઓ ક્યાંક મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે.

રાજકોટ શહેરની ભાગોળે  હાર્દસમા વિસ્તારમાં હાઈપ્રોફાઈલ કુટણખાનું ધમધોકાર ચાલી રહ્યાનું ‘અબતક’ને માહિતી મળી હતી. માહિતીની ખરાઈ કરાતાં સંપૂર્ણ બાબત સાચી ઠરી હતી. મુંબઇ-દિલ્લીથી લલનાઓને બોલાવીને અહીં દેહ વ્યાપાર કરાતો હતો. ચાર માળિયા એપાર્ટમેન્ટના ત્રીજા માળે આ કુટણખાનું ભાડાના મકાનમાં ચલાવાતું હતું. અહીં ગ્રાહકનો પ્રથમ મોબાઈલથી સંપર્ક કરીને વિશ્વાસમાં લેવામાં આવતા હતા અને ગ્રાહકની ઓળખની ખરાઈ કર્યા બાદ લલનાઓના ફોટો વોટ્સએપ કરીને બોલાવવામાં આવતા હતા. કોઈ પણ ગ્રાહક ફોન કરે એટલે પ્રથમ તેને કુટણખાનાથી આશરે એકાદ કિલોમીટર દૂર બોલાવવામાં આવતા હતા અને જે બાદ ફોન પર ’આ ચોકમાં આવો, આ શેરીમાં વળી જાઓ’ જેવી સમજણ આપીને સ્થળ પર બોલાવવામાં આવતા હતા. અહીં લોકો પાસે આશરે 2 હજાર જેવી રકમ વસુલતી હતી. નોંધનીય બાબત છે કે, અહીં છેલ્લા ત્રણેક મહિનાથી આ કૂટનખાનુ ધમધમી રહ્યું હતું. અધૂરામાં પૂરું સમગ્ર કારસ્તાનમાં એક મહિલાની પણ ખૂબ મહત્વની ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલાની ખરાઈ કર્યા બાદ ‘અબતક’ની ટીમ સ્થળ ખાતે પહોંચી હતી. જ્યાં એપાર્ટમેન્ટના અન્ય લોકો સાથે વાત કર્યા બાદ આ માહિતી સાચી હોવાનું યથાર્થ થયું હતું. ત્રીજા માળે પહોંચતાની સાથે જ ખળભળાટ મચી જવા પામ્યો હતો. મીડિયાના ત્રાટકયા બાદ નાસ-ભાગ મચી ગઇ હતી. એક લલના અને એક સંચાલક ફ્લેટમાં હાજર હોવાનું સામે આવ્યું હતું. ‘અબતક’ની ટીમના ત્રાટકતાની સાથે જ ભીનું સંકેલી લેવા પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા હતા.

આ મામલે એક સ્થાનિકે ફ્લેટના માલિકને ફોન કરીને પણ જાણ કરી હતી. ત્યારે ફ્લેટના માલિકે સંચાલકને ફોન કરીને વિગતો પૂછી હતી અને ત્યારબાદ ’હવે તમે તમારી રીતે ફોડી લેજો, મારુ નામ ક્યાંય આવવું ન જોઈએ’ તેવું કહી ફોન મૂકી દીધો હતો. નોંધનીય છે કે, અગાઉ પણ સ્થાનિકો દ્વારા ફ્લેટના માલિકને સમગ્ર મામલે વાકેફ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે એક પાયદુને જ આગળ કરીને મામલો સંકેલી લેવા પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. મામલામાં ’વાયા વિરમગામ’ સંચાલકે લાલચ પણ આપી હતી. ’કંઈક લઈ-દઈને પૂરું કરોને’ તેવું કહેવામાં આવ્યું હતું. સમગ્ર મામલો મીડિયા સુધી પહોંચતાની સાથે જ કુટણખાનું સંકેલી લેવામાં આવ્યું હતું.

‘અબતક’ પહોંચ્યું ત્યાં લલના-સંચાલક ભાગ્યાં!!

‘અબતક’ની ટીમ જ્યારે સ્થળ પહોંચી હતી ત્યાં જ સંચાલકને આ બાબતની જાણ થઈ ગઈ હતી. ત્યારે એક સ્થાનિકે ફ્લેટના માલિકને ફોન કરી દેતાં તેણે સંચાલકને બધું સંકેલી રફ્ફુ ચક્કર થઈ જવા કહ્યું હતું. જેના પગલે સંચાલક અને લલના બંને ગાયબ થઈ ગયા હતા. આ બાબતે સ્થાનિકો પણ ઘણાં સમયથી હેરાન-પરેશાન થઈ રહ્યા હતા. ’અબતક’ના પ્રયાસથી કુટણખાના પર તાળું લાગતા સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.

‘હવે તમે તમારી રીતે ફોડી લ્યો’ કહીં મકાન માલિકે છેડો ફાડયો

જ્યારે ‘અબતક’ની ટીમ ત્રાટકી ત્યારે આ મામલાની જાણ થતા ફ્લેટના માલિકે ’સંચાલક’ને ફોન કરીને સમગ્ર વિગતો માંગી હતી. ત્યારબાદ માલિકે ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, ’હવે જે હોય તે તમે તમારી રીતે જ ફોડી લ્યો, મારુ નામ ક્યાંય આવવું જોઈએ નહીં’ તેવું કહી માલિકે ફોન મૂકી દીધા હતા. જે બાદ સંચાલક મૂંઝવણમાં મુકાઈ ગયો હતો અને નાસી છૂટવા હવાતિયાં મારવા લાગ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.