કસરત કરવી કે નહીં?

health
health

જો તમે તંદુરસ્ત હશો તો તમારે એક્સરસાઈઝ કરવાની જરૃર જ નથી અને જો માંદા હો તો એક્સરસાઈઝ કરીને તબિયત વધારે  બગાડવા માગો છો કે શું?

નવાં નવાં સંશોધનો તો ખેર, થયા જ કરે છે, તાજેતરમાં સવારના પહોરમાં કે પછી ઢળતી સાંજે ટ્રેકસૂટ પહેરીને જોગિંગ કરવા નીકળી પડતાં  જોગર્સ વિશે કેલિફોર્નિયામાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરથી જાણવા મળ્યું છે કે એવા કેટલાય પુરુષો હોય છે જેમની ફાંદ સવાર-સાંજ દોડાદોડ કર્યા પછી પણ વધે જ છે.  તારણ: જો તમારા નસીબમાં મધ્યવયે જાડ્ડાપાડ્ડા થવાનું લખાયું  હશે તો તમે ફુલ્યા વગર રહેવાના નથી.

એવરેજ અમેરિકન છ-ફૂટિયો હોય છે.  સર્વે પરથી માલૂમ પડયું છે કે જોગિંગ ઓર નો જોગિંગ ૧૮ થી ૫૦ વર્ષ વચ્ચેના દસકામાં અમેરિકન પુરુષ ૩.૩ પાઉન્ડ જેટલુ વજન વધારે છે અને એમાંનું પોણા ભાગનું વજન કમર ફરતે જમા થાય છે.

વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે વજન કાબૂમાં  રાખવાનો એક માત્ર ઉપાય એ જ છે કે ઉંમર વધતી જાય તેમ તેમ એક્સરસાઈઝ પણ વધારતા જવાની!

હવે આ સૂચનાના અમલીકરણ વિશે જરા વિચારી તો જુઓ. ત્રીસ   વર્ષની ઉંમરે તમે અઠવાડિયાના એવરેજ ૧૦ માઈલ દોડતા હોતો ૪૦ વર્ષની ઉંમરે તમારે સપ્તાહના ૨૫ માઈલ દોડવું પડે! અને ૭૦મા વર્ષે ૬૬ માઈલ!

મહાભયાનક વાત તો એ છે કે આટલું બધું દોડાદોડ કર્યા પછી પણ સ્લિમ એન્ડ ટ્રીમ રહેવાની કોઈ ગેરંટી નથી!

એક્સરસાઈઝ કરવામાં જોખમ પણ કેટલું છે. તમે ખોટી રીતે કસરત કરતા હો તો ઊલમાંથી ચૂલમાં પડવા જેવું થાય. તમે જ કહો, તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે આખો દિવસ લાંબા થઈને  ટીવી જોયા  કરતાં માણસનું પેટ ફાટી જવાથી મૃત્યુ થયું?