Abtak Media Google News

કોરોના વાઈરસની ઝપેટમાં આવવાથી બચવા માટે હાલ નિયમોનું કડકપણે પાલન અને રસી જ એકમાત્ર ઉપાય મનાઈ રહી છે. ત્યારે વધુ ઝડપથી તમામ નાગરિકોને “કોરોના કવચ” મળે તે માટે સ્થાનિક તંત્ર સહિત સરકાર સતત પ્રયત્નશીલ છે. જે તરફ રૂપાણી સરકારે રસીકરણને લઈ વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા હવે રાજ્યના નાના સેન્ટરો પર પણ રસીકરણ શરૂ થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતીમાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે આવતીકાલ શુક્રવાર તા. 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં 18 થી 44ની વયના લોકોને કોરોના વેક્સિનેશન વિનામૂલ્યે આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ આ નિર્ણયના સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને કોરોના રસીકરણથી આવરી લઇ કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લેવાનો નિર્ધાર કરેલો છે. આ હેતુસર, રાજ્યના 18 થી 44ની વય જૂથના લોકોને ત્વરાએ રસીકરણમાં આવરી લેવાના આયોજન રૂપે શુક્રવાર તા. 4 જૂનથી સમગ્ર રાજ્યના જિલ્લાઓ-તાલુકાઓમાં 1200 જેટલા વેક્સિનેશન સેન્ટર પરથી આ વયજૂથના યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

Vijay Rupani Fb Copy 121917071036

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુમાં કહ્યું કે, આ રસીકરણ અંતર્ગત દરરોજ આશરે સવા બે લાખ જેટલા યુવાઓને આ રસીકરણ કેન્દ્રો પરથી વિનામૂલ્યે રસીકરણમાં આવરી લેવાશે. 18 થી 44ની વયજૂથના લોકો કે જેમણે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તેમને એસ.એમ.એસ. દ્વારા તેમના વેક્સિનેશન માટેનું સ્થળ, સમય અને સ્લોટની જાણ કરવામાં આવશે. તે અનુસાર તેમણે નિયત કરેલા કેન્દ્રો પરથી આવી વેક્સિન વિનામૂલ્યે અપાશે.

સીએમ રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં 45થી વધુની વયના લોકોને પણ કોરોના વેક્સિન આપવાની કામગીરીમાં રોજના ૭પ હજાર લોકોને વેક્સિન અપાશે. આમ, રાજ્યમાં આવતીકાલથી દરરોજ 3 લાખ જેટલા લોકોને વિનામૂલ્યે કોરોના વેક્સિન આપવાનું મહાઅભિયાન હાથ ધરાશે. રાજ્યમાં અત્યાર સુધી 10 શહેરોમાં 18 થી 44ની વયજૂથનાં રોજના સવા લાખ યુવાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવતી હતી.

યુવાનોમાં વેક્સિનેશન અંગે જોવા મળેલા ઉત્સાહને વેગ આપતાં હવે રાજ્ય સરકાર દ્વારા આવતીકાલથી સવા બે લાખ યુવાઓને દરરોજ 1200 કેન્દ્રો પરથી વિનામૂલ્યે વેક્સિન અપાશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં બે ભાગમાં કોરોનાની રસી આપવામાં આવે છે, જેમાં 45 કે તેથી વધુ વયના નાગરિકો અને બીજા ભાગમાં 18 થી 44 વર્ષના યુવાનોને રસી આપવામાં આવે છે. એટલું જ નહિ, 18 થી 44 વર્ષના યુવાનો માટે રાજ્ય સરકારે 3 કરોડ વેક્સિનના ડોઝ માટે ઓર્ડર આપ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.