Abtak Media Google News

એનડીએ અને મોદી સરકારના બીજા કાર્યકાળના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ કરવામાં આવશે. આગામી વર્ષે યોજાનારી ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. 15 થી વધુ નવા ચહેરાઓનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. હાલ જે મંત્રીઓ પાસે એકથી વધારે મંત્રાલય છે અને તેમના પર કામનું ભારણ વધુ છે તેઓને હળવા કરી નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે. જો કે નવા વિસ્તરણમાં ગુજરાતમાંથી એકપણ ચહેરાને તક મળે તેવી સંભાવના હાલ ઓછી જણાય રહી છે.

એનડીએ અને મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વિસ્તરણ

સર્વાનંદ સોનોવાલ, સુશીલ મોદી, જયોતિરાદિત્ય સિંધીયા, નારાયણ રાણે, ભુપેન્દ્ર યાદવ, અનુપ્રિયા પટેલ, વરૂણ ગાંધી, રીટા બહુગુણા જોશી, પુનમ મહાજન, મીનાક્ષી લેખી સહિતનાને મંત્રી બનાવાશે

ગુજરાતમાંથી કોઈને મંત્રી નહીં બનાવાય: એકથી વધુ મંત્રાલયો ધરાવતા મંત્રીના કાર્યભાર ઘટાડાશે

દેશની રાજનીતિમાં એપી સેન્ટર ગણાતા મહારાષ્ટ્રમાં હાલ રાજકીય તનાવ ચાલી રહ્યો છે. સત્તારૂઢ શિવસેના એનસીપી અને કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે ફરી દોસ્તી કરવા ઈચ્છી રહી છે. પરંતુ ગરજ વર્તાવા દેતી નથી. આવામાં શિવસેનાને પોતાની તાકાત બતાવી દેવા માટે મોદી સરકાર દ્વારા ચોમાસુ સત્ર પહેલા જ મંત્રી મંડળના વિસ્તરણનો ઓચિંતો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. 19મી જુલાઈથી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે તે પૂર્વે એનડીએ અને મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ મંત્રી મંડળ વિસ્તરણ કરવામાં આવશે. લોકસભાની બેઠક મુજબ મંત્રી મંડળમાં 79 મંત્રીનો સમાવેશ કરી શકાય છે. હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત 21 કેબીનેટ મંત્રી, 9 રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રીઓ અને 29 રાજ્યકક્ષાના મંત્રીઓ જવાબદારી નિભાવી રહ્યાં છે. કેટલાંક મંત્રીઓ પાસે 1 થી વધુ મંત્રાલયનો કાર્યભાર હોવાના કારણે તેઓની કાર્યદક્ષતા પર અસર પડી રહી છે. વડાપ્રધાન દ્વારા છેલ્લા ઘણા સમયથી બે ડઝન જેટલા મંત્રીઓના કામકાજની સમીક્ષા કરવામાં આવી રહી છે.

આવતા વર્ષે ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોના વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ રાજ્યને ફતેહ કરવા અને તેની રૂપરેખા પર ફરી એકવાર 2024માં ભાજપનો વિજય વાવટો લહેરાવવાના બુલંદ ઈરાદા સાથે મોદી મંત્રી મંડળનો વિસ્તરણ કરવામાં આવશે જેમાં 1 થી વધુ મંત્રાલયોનો હવાલો સંભાળતા મંત્રીઓને હળવા કરવામાં આવશે અને તેના સ્થાને મંત્રી મંડળમાં નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ મંત્રી મંડળમાં આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ, બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશિલ મોદી, સાંસદ જ્યોતિરાદિત્ય સિંધીયા, બૈજયંત પાંડા, મહારાષ્ટ્રના કદાવર નેતા નારાયણ રાણે, ગુજરાતના પ્રભારી ભુપેન્દ્રસિંહ યાદવ, એલજીપીના પશુપતિ પારસનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાંથી અપના દળના અનુપ્રિયા પટેલ ઉપરાંત વરૂણ ગાંધી, રામશંકર કથેરીયા, અનિલ જૈન, રીટા બૌગુણા જોષી અને ઝફર ઈસ્માઈલના નામો ચર્ચામાં છે.

ઉત્તરાખંડથી અજય ભટ્ટ, અનિલ બલુની, કર્ણાટકથી પ્રતાપ સિન્હા, હરિયાણા બિજેન્દ્રસિંહ, મહારાષ્ટ્રમાંથી પુનમ મહાજન અથવા પ્રિતમ મુંડે જ્યારે નવીદિલ્હીથી મિનાક્ષી લેખી કે પરવેઝ વર્માના નામની ચર્ચા ચાલી રહી છે. અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે, લોકસભાનું ચોમાસુ સત્ર પૂર્ણ થયા બાદ મોદી મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે પરંતુ તાત્કાલીક નિર્ણય લઈ આવતીકાલે જ મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. જો કે, નવા વિસ્તરણમાં ગુજરાતમાંથી એકપણ ચહેરાનો સમાવેશ કરવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે સંબંધોમાં કડવાશ હોવા છતાં શિવસેના ભાજપ સાથે સામેથી દોસ્તીનો હાથ લંબાવવામાં સંકોચ અનુભવી રહી છે કે, અભિમાન દાખવી રહી છે. આવામાં શિવસેનાએ પોતાનું રાજકીય વજન બતાવવા ભાજપે રાતો રાત મંત્રી મંડળના વિસ્તરણનો નિર્ણય કર્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું `છે. એક રીતે મંત્રી મંડળનું વિસ્તરણ કરી ભાજપ શિવસેના માટે એનડીએમાં પરત ફરવાના તમામ રસ્તાઓ બંધ કરી દેશે અને નાછુટકે શિવસેનાએ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ભાજપ સાથે ગઠબંધન કરી લડવી પડે તેવો માહોલ ઉભો કરી દેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.