સિવિલ હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટર્સ કોઈ પણ પ્રકારની સર્જરી કરવા સક્ષમ: ડો.નીરવ મોદી

‘ન્યુરો નેવિગેશન સિસ્ટમ’ વડે ‘નોઝ ટુ સ્કલ’ સર્જરીનો હેન્ડસ ઓન વર્કશોપ યોજાયો

રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં સિવિલ તેમજ ઈ.એન.ટી. સોસાયટીના ઉપક્રમે ગુજરાતમાં પ્રથમ વાર નોઝ થ્રુ સ્કલ સર્જરીનો હેન્ડ ઓન વર્કશોપ મુંબઈના ખ્યાતનામ ડો. જયશંકર નારાયણની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

જેમાં સર્જરી માટે આશીર્વાદ સમાન નવી ટેક્નોલોજી “ન્યુરો નેવિગેશન સિસ્ટમ”નો ઉપયોગ કરી માત્ર ટાર્ગેટ ટ્યૂમરને અન્ય કોઈ સેન્સેટિવ નર્વ કે ગ્લેન્ડને ટચ કર્યા વગર સેઈફ સર્જરી અંગેનુ નિદર્શન કરવામાં આવ્યું હતું, જેનું ઓપરેશન થીએટરમાંથી લાઈવ પ્રસારણ રાજકોટના ઈ.એન.ટી. સર્જન્સ અને રેસિડન્ટ ડોક્ટર્સની ટીમે નિહાળ્યું હતું.રાજકોટ સિવિલ ખાતે આ વર્કશોપ રાખવા પાછળનો ઉદેશ્ય સ્પષ્ટ કરતાં ડો. મોદીએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં અત્યાધુનિક સાધનો અને ડોક્ટર્સની ટીમ કોઈ પણ પ્રકારના ઓપરેશન કરવા સક્ષમ છે, જે આપણે કોરોના બાદ થયેલા મ્યુકર માઇકોસિસ રોગની સર્જરીમાં જોયું છે. જરૂરિયાતમંદ દર્દીઓને અમે સિવિલમાં સર્જરી કરવા માટે ખાસ ભાર મુકતા હોઈએ છીએ.

સિવિલના ઈ.એન.ટી. સર્જન ડો. સેજલ મિસ્ત્રીએ આ વર્કશોપ અંગે માહિતી પુરી પાડી જણાવ્યું હતું કે, આ વર્કશોપ મુંબઈમાં નાણાવટી, લીલાવતી, હિન્દુજા સહિતની હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ ડો. જયનારાયણે  લાઈવ સર્જરી દ્વારા અમારી સિવિલની ટીમ, રેસિડન્ટ ડોક્ટર્સને આ હેન્ડ્સ ઓન વર્કશોપથી ઘણું ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

બેંગલોરની એચ.આર.એસ. કંપની દ્વારા સંપૂર્ણ સ્વદેશી ન્યુરો નેવિગેશન સિસ્ટમ ડીવાઈસ તૈયાર કરવામાં આવ્યું છે. જેનો ખર્ચ લગભગ એક કરોડ જેટલો થતો હોવાનું કંપનીના એક્ઝિક્યુટિવે જણાવ્યું છે.આ સિસ્ટમ સીટી સ્કેન કે એમ.આર.આઈ. ના ડેટાને કમ્પ્યુટરમાં ફિડ કરી જે પાર્ટની સર્જરી કરવાની હોય તેને સ્પોટ કરવામાં આવે છે. જે રીતે જી.પી.એસ. સિસ્ટમ વર્ક કરે તે જ રીતે ડોક્ટર્સને સર્જરી દરમ્યાન આ નેવિગેશન સિસ્ટમ સ્પોટ સુધી પહોંચવામાં મદદરૂપ બને છે.રાજકોટ ઈ.એન.ટી. વિભાગ ખાતે આયોજિત વર્કશોપમાં 150 થી વધુ ડોક્ટર્સે એડવાન્સ સર્જરી અંગે માર્ગદર્શન મેળવ્યુ હતું.આ વર્કશોપને સફળ બનાવવામાં ફોરેન્સિક મેડિસિનના હેડ ડો રાજેશ કિયાડા, આર.એમ.ઓ ડો. મહેન્દ્ર ચાવડા તેમજ સમગ્ર મેડિકલ સ્ટાફનો સહયોગ પ્રાપ્ત થયો હતો.