- દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાથી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું: પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલ
- ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. 4804 કરોડથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ
- દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 923 કરોડના ખર્ચે 53.70 કિમી લાંબી પાઇપલાઇન નખાશે
- થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 1150 કરોડના ખર્ચે 63.86 કિમી લાંબી પાઇપલાઇન નખાશે
- આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે
વિધાનસભા ગૃહ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે,દરિયામાં વહી જતું નર્મદા નદીનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાના પરિણામે આજે ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું છે. આજે સૌની યોજના અને સુજલામ સુફલામ જેવી મહત્વકાંક્ષી યોજનાઓના પરિણામે આપણું રાજ્ય પાણીદાર બન્યું છે.
વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રી મુકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના દરેક ગામો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ. 4804 કરોડથી વધુના ખર્ચે કુલ 13 ઉદ્ધવહન પાઈપલાઇનની કામગીરી પૂર્ણ થઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં દિયોદર – લાખાણી પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 923 કરોડના ખર્ચે આશરે 300 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 53.70 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. આ પાઇપલાઇનના માધ્યમથી દિયોદર તાલુકાના 46 ગામ, લાખણી તાલુકાના 43 ગામ, ડીસા તાલુકાના 23 ગામ અને થરાદ તાલુકાના 12 ગામોને મળીને કુલ 124 ગામોના 194 તળાવોને જોડવામાં આવશે.
તેવી જ રીતે, થરાદ – ધાનેરા પાઇપલાઇન યોજના અંતર્ગત રૂ. 1150 કરોડના ખર્ચે આશરે 200 ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી 63.86 કિમી લાંબી પાઇપલાઇન નાખવામાં આવશે. જેના માધ્યમથી થરાદ તાલુકાના 54 અને ધાનેરા તાલુકાના ૫૫ ગામોને મળીને કુલ 109 ગામના 117 તળાવોને પાઈપલાઈન સાથે જોડવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું. આ બન્ને પાઇપલાઇનની કામગીરી આગામી બે વર્ષમાં પૂર્ણ થશે, તેવી મંત્રીએ ખાતરી આપી હતી.