નવા IT નિયમોથી ફેસબુક-ઈન્સ્ટા ઘૂંટણીયે; એક માસમાં 3.2 કરોડ પોસ્ટ હટાવી!!

સોશિયલ મીડિયાના “વાયરલ” વાયરસને નિયંત્રિત કરવા માટે સરકાર દ્વારા નવા આઈટી નિયમો લાગુ અમલમાં મુકાયા છે. પણ સોશિયલ મીડિયાને લગતા આ નવા આઈટી નિયમોને લઈ કેન્દ્ર સરકાર અને ટ્વિટર વચ્ચેનો વિવાદ સમ્યો નથી. તો બીજી તરફ સરકારે સોટી વગાડતા ટ્વિટર સિવાયના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે ચમ….ચમ…અવાજના ડરથી નિયમો હેઠળ કામ કરવાનું શરૂ કરી દિધુ છે. જેમાં હવે ગુગલ, કુ બાદ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઘુંટણીયેભેર થયા છે અને સરકારને પોતાનો પ્રથમ પાલન અહેવાલ સુપરત કર્યો છે.

સોટી વાગે ચમ… ચમ…

15 મે થી 15 જુન સુધીના ગાળામાં ફેસબુકે સૌથી વધુ આત્મહત્યા સંબંધિત 5.9 લાખ પોસ્ટ કરી ડીલીટ

આ અહેવાલમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે જણાવ્યું છે કે તેઓએ 15 મેથી 15 જૂન દરમિયાન લગભગ 3.2 કરોડ જેટલી પોસ્ટ ડીલીટ કરી છે. ફેસબુક દ્વારા 95 ટકાથી વધુ સામગ્રી પર એક્શન લેવામાં આવ્યા છે. તો આ સાથે ઈન્સ્ટાગ્રામએ 80 ટકા કેસમાં કાર્યવાહી કરી છે. એમાં પણ આશ્ચર્ય પમાંડતી વાત એ છે કે 15 મે થી 15 જૂન સુધીના એક માસના ગાળામાં ફેસબુક પર સૌથી વધુ 5.9 લાખ પોસ્ટ તો માત્ર આત્મહત્યા અને જાતનુક્સાન વાળી હતી જેને કંપનીએ દૂર કરી છે.

તો આ સાથે ફેસબુકે  જણાવ્યું છે કે તેણે પ્રોર્ન લગતી સામગ્રી ઉપરાંત નફરતભરી વાણી, હિંસક ગ્રાફિક્સ, ડ્રગ્સ, આતંકવાદી વિચારો, આત્મહત્યા અને સ્વયં નુકસાન પહોંચાડતી સામગ્રી પર પણ કાર્યવાહી કરી છે.  તો એવું પણ ખુલ્યુ છે કે સતામણી અને છેડતીને લગતા કેસમાં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને ઓછી સક્રિય રીતે દેખરેખ રાખી રહી છે. એક તરફ ફેસબુકે આ મામલે 37 ટકા કાર્યવાહી કરી છે, જ્યારે ઇન્સ્ટાગ્રામએ 43 ટકાના દરે કાર્યવાહી કરી છે.

જણાવી દઈએ કે ગત 26 મેથી અમલમાં આવેલા નવા આઇટી નિયમો હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે દર મહિને એક રિપોર્ટ જારી કરવો પડે છે, જેમાં તેમણે દર્શાવવું પડે છે કે તેમને કેટલી ફરિયાદો મળી છે અને તેઓએ તેના પર શું કાર્યવાહી કરી છે. આ ફરિયાદ સામગ્રી, વાંધાજનક પોસ્ટ, કોપીરાઇટ અથવા અન્ય કંઈપણ વિશે હોઇ શકે છે.