- કનસુમરા વિસ્તારમાંથી LCB દ્વારા ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેકટરી ઝડપી લેવાતાં ભારે ચકચાર
- બનાવટી ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પિરિટ- કલર- અન્ય પ્રવાહી- ખાલી બોટલ- ઢાંકણા- લેબલ સહિત રૂપિયા સવા આઠ લાખનું થોકબંધ સાહિત્ય કબજે
- ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂ બનાવનારા ત્રણ આરોપી પકડાયા: મુખ્ય ભેજાબાદ રાજસ્થાની શખ્સ તથા જામનગરના વિક્રેતાને ફરારી જાહેર કરાયા
જામનગર નજીક કનસુમરા વિસ્તારમાં એક ફેક્ટરી ભાડે રાખીને તેમાં ચલાવતી ડુપ્લીકેટ ઇંગલિશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી એલસીબી ની ટુકડીએ પકડી પાડી છે, અને તેમાંથી ત્રણ શખ્સોની અટકાયત કરી લીધી છે. જે સ્થળેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવા માટેનું સ્પીરિટ, કલર તથા અન્ય સામગ્રી ખાલી બોટલો, લેબલ, ઢાંકણા વગેરે સહિત રૂપિયા સવા આઠ લાખની માલમતા કબ્જે કરી છે, આ ઉપરાંત દારૂની ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીના મુખ્ય ભેજાબાજ રાજસ્થાનના એક શખ્સ તેમજ દારૂના વેચાણકાર જામનગરના અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયા છે. આ ફેક્ટરી 3 મહિનાથી ચાલુ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ રેન્જના આઈ.જી.પી.અશોકકુમાર યાદવ દ્વારા પ્રોહીબીશન ધારા હેઠળના કેસો શોધી કાઢવા સૂચના અપાઈ હતી, જેથી જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા જામનગર જીલ્લામાથી પ્રોહીબીશન બદીને નેસ્ત નાબુદ કરવા પ્રોહીબીશન કેસો શોધી કાઢવા LCBના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા અને તેઓની ટીમના પો.સ.ઇ.પી.એન.મોરી અને પો.સ.ઇ. સી.એમ.કાંટેલીયા તથા સમગ્ર LCBની ટિમ ને દોડતી કરાવાઇ હતી.

જેઓ જામનગર શહેર તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે આ દરમ્યાન LCB સ્ટાફને ખાનગી બાતમીદારોથી હકિકત મળેલી કે, જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમાં (1) અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી (2) જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા (3) મહિપાલસિંહ આશીષસિંહ રાણા જે ત્રણેય જામનગરના શખ્સો કિશનસીંગ શેખાવત રહે.જયપુર રાજસ્થાન વાળા સાથે મળી આલ્કોહોલ સ્પીરીટ/ કલર/પ્રવાહી પાણીમાં ભેળસેળ કરી,ભારતીય બનાવટનો વિદેશી પીવાનો દારૂ બનાવી,દારૂનુ વેચાણ કરવા જામનગરના દારૂના વિક્રેતા ગજેન્દ્રસિંહ જાડેજા સાથે મળી ઇંગ્લીશ દારૂની ફેકટરી ચલાવતા હોવાની બાતમી મળી હતી.
જે બાતમીના આધારે ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા રેઇડ કરી ત્યાંથી અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા અને મહિપાલસિંહ આશીષસિંહ રાણા ને પકડી પાડયા હતા. જેના કબ્જામા સ્પીરીટ, ફલેવરકલર મીશ્રણ કરી, ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવેલ જથ્થો, આલ્કોહોલ સ્પીરીટ, બોટલ મા લગાડવાના સ્ટીકર,કાળા કલરનુ પ્રવાહી,મોબાઇલ ફોન, ફોરવ્હીલકાર વિગેરે કબ્જે કરી લઈ ત્રણેય ઇસમો વિરૂધ્ધ દારૂબંધી ભંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી ચલાવતા 43 વર્ષીય અરૂણ ઉર્ફે કાલી સીતારામ સોની નેપાળી, 34 વર્ષીય મહિપાલસિંહ આશીષસિંહ રાણા, અને 25 વર્ષીય જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા કરી લેવામાં આવી છે. જ્યારે આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર એવા કિશનસીંગ શેખાવત અને ગજેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર (ઇંગ્લીશ દારૂનું વેચાણ કરનાર)ને ફરારી જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
એલસીબી દ્વારા ડુપ્લીકેટ દારૂની ફેક્ટરીમાંથી થોકબંધ સાહિત્ય કબ્જે કરાયું
1. આલ્કોહોલ સ્પીરીટ થી બનાવેલ ઇગ્લીશ દારૂ બોટલ-59 કિ.રૂ. 29,500
2. આલ્કોહોલ સ્પીરીટ ભરેલ મોટા બેરલ-4 લીટર-800 કિ.રૂ. 3,20,000
3. ભેળસેળ યુકત દારૂ બનાવવાનો કેમીકલ પદાર્થ લીટર-40 કિ.રૂ 8000
4. ઇંગ્લીશ દારૂનો રંગ લાવવા માટે નો વપરાતો કેમીકલ યુકત પદાર્થ-લીટર-10 કિ.રૂ. 2000
5. ફિનાઇલ બોટલ -1200 કિ.રૂ 84000
6. કાર-1 કિ.રૂ. 3,00 ,000
7. મોબાઇલ ફોન-4 કિ.રૂ. 60500
8. દારૂની બોટલ શીલ કરવા માટેનુ લોખંડ શીલ મશીન-2 કિ.રૂ 10000
9. દારૂ માં આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર-1 કિ.રૂ 2000
10. ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નંબર-1 વ્હીસ્કી,કોન્ટેસા વોડકા, રોયલ સ્ટગ વ્હીસ્કી, ઓફિસર ચોઇસ વ્હીસ્કી, ના સ્ટીકર નંગ- 10920
11. પ્લાસ્ટીકની પાણી ની ટાંકીઓ -2 કિ.રૂ. 5000
12. ઇંગ્લીશ દારૂ રાખવાના માટે ના બોકસ- 220,
13. ઇંગ્લીશ દારૂ બોટલ ના શીલ માટેના ઢાકણા-6600
14. ઇંગ્લીશ દારૂ ભરવા માટેની પ્લાસ્ટીક ની ખાલી બોટલો- 200
15. ઇંગ્લીશ દારૂ ભરવા માટે પ્લાસ્ટીકના પાઉચ- 2575
16. ઇંગ્લીશ દારૂના પુઠાની પેટીઓ ઉપર પ્લાસ્ટીકના સ્ટીકરો ની પટ્ટીઓ -100 વગેરે મળી કુલ .રૂ 8,23,000નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
સ્પીરીટમાથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની પ્રોસીઝર
ડુપ્લીકેટ ઇંગ્લિશ દારૂની મીની ફેક્ટરી સાથે પકડાયેલા આરોપીઓએ આલ્કોહોલ સ્પીરીટ,કેમીકલ તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના બ્રાન્ડનો ફલેવર લાવવા માટેનુ કલર પ્રવાહી,પાણીની ટાંકીઓમા મિશ્રણ/ભેળસેળ કરી,ઇંગ્લીશ દારૂના માર્ક -ઓલ્ડ મંક રમ, મેકડોવેલ્સ બ્લુ જીન, મેકડોવેલ્સ નં- 1 ,કોન્ટેસા, વોડકા,રોયલ સ્ટગ,ઓફિસર ચોઇસના ડુપ્લીકેટ વ્હીસ્કીના સ્ટીકર તથા બુચો બનાવી,દારૂ પ્લાસ્ટીક ની બોટલોમા ભરી,ડુપ્લીકેટ દારૂમા આલ્કોહોલનુ પ્રમાણ માપવા માટે આલ્કોહોલ મીટર તથા માપ દર્શાવતુ બીકર ઉપયોગ કરી,મશીનથી બોટલો ના બુચ શીલ કરી,ડુપ્લીકેટ દારૂનુ વેચાણ કરતા હોવાનુ ખુલવા પામેલ છે.

જે ત્રણેય ઇસમોની પુછપરછ દરમ્યાન છેલ્લા ત્રણ મહિનાથી સદરહુ આલ્કોહોલ સ્પીરીટથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેકટરી ચાલુ કરલી હોવાનુ ખુલવા પામ્યુ છે. જે ઇસમો 200 લીટર આલ્કોહોલ સ્પીરીટમા ફલેવર કલર તથા કેમીકલનુ વેચાણ કરી,અલગ અલગ બ્રાન્ડનો 600 બોટલ આસપાસ દારૂ બનાવતા હોવાનુ ખુલવા પામ્યુ છે.
અહેવાલ : સાગર સંઘાણી