Abtak Media Google News

ફેશન-બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાની ‘નાયિકા’ રાતોરાત માલામાલ, શેરમાં 89% નો વધારો, 9 વર્ષમાં બની રૂ.પ0 હજાર કરોડની ‘માલકીન’

49 વર્ષની ઉંમરે બેંકમાંથી બ્યુટી સ્ટાર્ટઅપનો વિચાર આવ્યો, વર્ષ 2012 માં શરૂ થયેલ નાયકાએ માર્કેટ કેપમાં આજે કોલ ઇન્ડિયા, ગોદરેજને પણ પાછળ રાખી દીધા!

કોણ કહે છે કે સ્ત્રી માત્ર ઘર ચાલિકા જ હોય છે…. મન હોય તો માળવે જવાયની જેમ જો લગન અને ધગશ હોય તો કોઈ પણ ઊંચાઇના શિખર સર કરી શકાય…!! તાજેતરમાં  ભારતીય મહિલાએ ટોચના ઉધોગપતિઓને પણ પાછળ રાખી શેરબજારમાં ધમાલ મચાવી દીધી છે. રાતોરાત ભારતની સ્વબળે સૌથી ધનવાન નારી ફાલ્ગુની નાયર બની ગયા છે.

વિશ્વની ટોચની અરબોપતિ મહિલાઓમાં તેમનો પણ સમાવેશ થઈ ગયો છે. ફાલ્ગુની નાયરને રાતોરાત માલામાલ બનાવનાર છે તમેની ફેશન-બ્યુટી કંપની નાયકા. ગઈકાલે નાયકાના શેરમાં અધધ…. 89%નો ઉછાળો નોંધાયો છે. નાયકાની ‘નાયિકા’ ફાલ્ગુની નાયરની સાથે નાયકાના રોકાણકારો પણ માલામાલ થઈ ગયા છે.

બુધવારના રોજ શેરબજારમાં બ્યુટી સ્ટાર્ટ-અપ નાયકાની યાદી સાથે, તેના સ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફાલ્ગુની નાયર નાયકામાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે.

શેરબજારમાં નાયકાના લિસ્ટિંગ સાથે, નાયરની સંપત્તિ $6.5 બિલિયન એટલે કે રૂપિયા 50 હજાર કરોડ સુધી પહોંચી ગઈ છે. શેરબજારમાં નાયકાના લિસ્ટિંગ સાથે, નાયર દેશની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા બની ગઈ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સના ડેટા પરથી આ માહિતી મળી છે.Nykaa 1

એફએસએન ઈ-કોમર્સ વેન્ચરએ નાયકાની મૂળ કંપની છે. ઝોમેટો અને સોના કોમ્સ્ટાર પછી નાયકા આ વર્ષનો ત્રીજો સૌથી મોટો આઇપીઓ છે. લિસ્ટિંગ પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 1 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. તેણે છેલ્લા 24 કલાકમાં કોલ ઇન્ડિયા, એસબીઆઈ કાર્ડ તેમજ ગોદરેજને પણ પાછળ રાખી દીધી છે.

જણાવી દઈએ કે રાતોરાત માલામાલ બનનાર નાયકાના નાયિકા ફાલ્ગુની નાયર ભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર છે. તેઓના પિતા ગુજરાતના અમદાવાદના રહેવાસી હતા. ફાલ્ગુનીએ વર્ષ  1985માં અમદાવાદ ખાતે એમબીએ કરી વર્ષ 2001 થી 2007 સુધી કોટક સિક્યુરિટીઝના ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ વર્ષ 2007 થી 2012 સુધી કોટક ઇન્વેસ્ટમેન્ટ બેન્કિં ના મેનેજીંગ ડાયરેકટર પદે રહ્યા હતા. બેન્કિંગ માંથી તેમને બ્યુટીનો વિચાર આવ્યો અને વર્ષ 2012માં નાયકાની શરૂઆત કરી હતી.

માત્ર 9 વર્ષના ગાળામાં તેણી રૂપિયા 50 હજાર કરોડની માલકીન બની ગઈ છે. 31 ઓગસ્ટ 2021 સુધીમાં નાયકા એપને 5.58 કરોડ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. નાયકાનો નાણાકીય વર્ષ 2021માં રૂ. 61.9 કરોડનો ચોખ્ખો નફો હતો. જ્યારે તેની સરખામણીમાં નાયકાને નાણાકીય વર્ષ 2020માં 16.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. નાયકાએ વર્ષ 2014 માં તેનો પ્રથમ ઓફલાઈન સ્ટોર શરૂ કર્યો. 31 ઓગસ્ટ 2021 સુધીમાં, FSN ઈ-કોમર્સ દેશભરના 40 શહેરોમાં 80 ઓફલાઈન સ્ટોર ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.