સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ઘડાતો તખ્તો: ભાજપના ૯ નિરીક્ષકો આવતી કાલે જામનગરમાં !!

આગામી સામાન્ય ચૂંટણીઓ માટે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે, જ્યારે ભાજપના નિરીક્ષકો કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, રાજકોટ શહેર જિલ્લા પ્રભારી ધનસુખ ભંડેરી તથા પ્રદેશ ઉપપ્રમુખ વર્ષાબેન દોશી તા. ર૪ ના જામનગર આવી રહ્યા હોય, તેઓ અલગ અલગ ત્રણ સ્થળોએ દાવેદારોને સાંભળશે. આ માટેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર થયો છે.

તા. ર૪ જાન્યુઆરીના નવ નિરીક્ષકો દાવેદારો માટેની સેન્સ પ્રક્રિયા માટે જામનગર આવી રહ્યા છે. તેઓ વોર્ડ નંબર ૧ થી ૬ સુધીના દાવેદારોને શહેર ભાજપ કાર્યાલયમાં સાંભળશે. જેમાં વોર્ડ નંબર ૧ માટે સવારે ૧૦ થી ૧૧, વોર્ડ નંબર ર માટે ૧૧ થી ૧ર, વોર્ડ નંબર ૩ માટે બપોરે ૩ થી ૪, વોર્ડ નંબર ૪ માટે ૪-૩૦ થી પ-૩૦, વોર્ડ નંબર પ માટે ૬ થી ૭ અને વોર્ડ નંબર ૬ માટે ૭-૩૦ થી ૮-૩૦ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નંબર ૭ થી ૧૧ માટે દાવેદારોને અટલ ભવન (જિલ્લા ભાજપ કાર્યાલય) માં દાવેદારોને સાંભળવામાં આવશે. જેમાં વોર્ડ નંબર ૭ માટે સવારે ૧૦થી ૧૧, વોર્ડ નંબર ૮ માટે ૧૧-૩૦ થી ૧ર-૩૦, વોર્ડ નંબર ૯ માટે બપોરે ૩ થી ૪, વોર્ડ નંબર ૧૦ માટે ૪-૩૦ થી પ-૩૦ અને વોર્ડ નંબર ૧૧ માટે ૬ થી ૭ નો સમય રાખવામાં આવ્યો છે. જ્યારે વોર્ડ નંબર ૧ર થી ૧૬ માટે કુંવરબાઈની ધર્મશાળામાં સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે. જ્યાં વોર્ડ નંબર ૧ર માટે સવારે ૧૦ થી ૧૧, વોર્ડ નંબર ૧૩ માટે ૧૧ થી ૧ર, વોર્ડ  નંબર ૧૪ માટે બપોરે ૩ થી ૪, વોર્ડ નંબર ૧પ માટે ૪-૩૦ થી પ-૩૦ અને વોર્ડ નંબર ૧૬ માટે ૬ થી ૭ નો સમય નક્કી કરવામાં આવ્યો છે.

પક્ષ માટે કામ કરનારા સંનિષ્ઠ કાર્યકરોને તક મળશે: ભંડેરી

જામનગર જિલ્લાનાં ભાજપ ચૂંટણી નિરીક્ષક અને રાજકોટના અગ્રણી ધનસુખભાઈ ભંડેરીએ ‘અબતક’ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતુ કે અમે જિલ્લા તાલુકાના સ્થાનિક આગેવાનો કાર્યકરોને સાંભળીશું જે લોકો પક્ષ માટે સતત કામ કરે છે. અને સંનિષ્ઠ કાર્યકર છે તેમને પ્રાધાન્ય અપાશે. અમે જિલ્લા, તાલુકાના આગેવાનો કાર્યકરોને મળી તેમને સાંભળીશું જે તે વિસ્તારમાં રહેલા મતદારોને લક્ષમાં લઈ ઉમેદવારોને તક અપાશષ. જે તે વિસ્તારમાં જેતે આગેવાનની લોકપ્રિયતા અને જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા આગેવાનો કાર્યકરોને ધ્યાને લેવાશે અમે આગેવાનો દાવેદારોને સાંભળી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને રિપોર્ટ કરીશું અને ટિકિટ અંગેનો નિર્ણય પક્ષનું પાર્લામેન્ટરી બોર્ડ કરશે.

મતદારયાદી સુધારણા કાર્યક્રમ

ભારતીય ચૂંટણીપંચ દ્વારા હાલ ઇ-ઇપીકની કામગીરી ચાલી રહી છે. જામનગર જિલ્લામાં આ ઝુંબેશમાં લોકો જાગૃત થઇ અને વધુમાં વધુ મતદાતા જોડાઇ, ઇ-ઇપીક સુવિધાનો લાભ લે તે માટે કલેક્ટર રવિશંકર દ્વારા વર્ચ્યુઅલ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ઇ-ઇપીક ઝુંબેશ અંતર્ગત કોઈપણ વ્યક્તિ પોતાના યુનિક મોબાઈલ નંબર પરથી પોતાનું ચૂંટણીકાર્ડ ફોન અથવા તો લેપટોપમાં ડાઉનલોડ કરી શકે છે અને તેને પ્રિન્ટ પણ કરી શકાશે. સાથે જ જો આ ઇ-ઇપીક કાર્ડમાં મતદાતાને કોઈ વિગતમાં સુધારો કરવાની આવશ્યકતા હોય તો તે અંગે પણ આવશ્યક ડોક્યુમેન્ટ ઉમેરી સુધારા માટેની અરજી પણ કરી શકશે. પત્રકાર પરિષદમાં કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, ઇ-ઇપીક મતદારો માટે ખૂબ સુવિધાજનક છે. મતદાતા ડિજિટલ ફોર્મેટમાં પોતાના ફોનમાં પોતાનું ચુંટણીકાર્ડ સાચવી શકે છે. હાલ તા.૨૫ જાન્યુઆરીઅથી ૩૧ જાન્યુઆરી સુધી યુનિક નંબર ન ધરાવતા મતદારોની ઇ-ઇપીકમાં નોંધણી ચાલુ છે ત્યારબાદ ફેબ્રુઆરી માસથી દરેક મતદારો માટે આ પ્રક્રિયા ખુલ્લી મુકવામાં આવશે. હાલ જામનગર જિલ્લામાં મતદાર યાદીમાં કુલ નવા ૨૭૭૧૮ મતદારો ઉમેરાયા છે. જેમાંના ૧૭,૫૫૭ મતદારો યુનિક નંબર ધરાવતા નથી તો આ મતદારોને આ ઝુંબેશમાં ભાગ લઇ તત્કાલ ઇ-ઇપીકમાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે.

મહાપાલિકાની ચૂંટણી માટે તૈયારી શરૂ: ઈવીએમની ચકાસણી

મહાનગરપાલિકાની ચૂંટણી માટેની જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે, અને જામનગર શહેરમાં ઈવીએમ મશીનની ફર્સ્ટ લેવલ ની ચકાસણીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. શહેરના કુલ ૪૨૭ બુધ માટે ૭૯૨ કંટ્રોલ યૂનિટ ઉપરાંત ૧,૫૮૪ બેલેટ યુનિટ ની ચકાસણીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે કાર્યવાહી ચાર દિવસ સુધી ચાલશે. રાજકીય પક્ષો તૈયારી માં જોડાયા છે. જેની સાથે સાથે જિલ્લાનું વહીવટીતંત્ર પણ ચૂંટણીની પ્રક્રિયા પાર પાડવા માટે જોરશોરથી તૈયારીઓ કરી રહ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ચુંટણી માટે શહેરમાં કુલ ૪૨૭ ઉભા કરાશે જેના માટે ના ૭૯૨ કંટ્રોલ યુનિટ તેમજ ૧,૫૮૪ બેલેટ યુનિટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બેંગ્લોર થી છ ઇજનેરો ની ટીમ જામનગર આવી પહોંચી છે, અને તેઓનું પાંચ દિવસનું જામનગરમાં રોકાણ છે. જે દરમિયાન ઈવીએમ મશીનો સેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જામનગરમાં ગોલ્ડન સીટી વિસ્તારમાં આવેલી આવાસ કોલોનીના કોમ્યુનિટી હોલમાં ઇવીએમ મશીન ગોઠવીને ફર્સ્ટ લેવલ ની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે. જેના નોડલ ઓફિસર તરીકે જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી. કમિશનર એ.ક. વસ્તાણી ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે આસિસ્ટન્ટ નોડલ ઓફિસર તરીકે જીગ્નેશ નિર્મળ ફરજ બજાવી રહ્યા છે. કુલ ૫૦ થી વધુ કર્મચારીઓ ઇવીએમ મશીનના ફર્સ્ટ લેવલ ની ચેકિંગની કાર્યવાહીમાં જોડાયા છે. કાર્યવાહી ચાર દિવસ સુધી ચાલશે.

Loading...