Abtak Media Google News

ઝારખંડ હાઇકોર્ટે સ્વીકાર્યું છે કે, લેવડ-દેવડ સમયે છેતરપીંડી, ખોટું વચન અથવા તો લાલચના ફક્ત આક્ષેપોમાં આઈપીસીની કલમ ૪૨૦ લાગુ થઈ શકે નહીં. કલમ ૪૨૦ હેઠળ આ પ્રકારના મામલામાં ગુન્હો સાબિત કરવાનો આધાર સાબિત થઈ શકતો નથી.

લેતી-દેતીમાં આરોપી અગાઉથી જ છેતરપીંડી કરવાનો ઈરાદો ધરાવતો હોય તો જ કલમ ૪૨૦નો ઉપયોગ થઈ શકે!!

ઝારખંડ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અનુભા રાવત ચૌધરીની ખંડપીઠે નોંધ્યું હતું કે, આરોપી અને ફરિયાદી વચ્ચેનો લવાદ દિવાની દાવા હેઠળની વ્યાખ્યામાં આવે છે. કોર્ટે નોંધ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં એવું પૂરવાર થતું નથી કે, આરોપી ઋણ ચૂકવવાના સમયે દગો કરશે. જેના કારણે આ પ્રકારના મામલામાં કલમ ૪૨૦ લાગુ થઈ શકે નહિ.

હાઇકોર્ટે નોંધ્યું છે કે, જ્યારે ફરિયાદી અને આરોપી વચ્ચે લેતી-દેતી થઈ તે સમયથી જ આરોપીનો ઈરાદો છેતરપીંડીનો હોય તો જ કલમ ૪૨૦ લાગુ થઇ શકે છે. આવા કિસ્સામાં ફરિયાદીએ આરોપીના છેતરપીંડીના ઈરાદાને પુરવાર કરતા તથ્ય અને પુરાવા હોવા જરૂરી છે તો જ કલમ ૪૨૦ હેઠળનો ગુન્હો નોંધી શકાય છે. જો ફરિયાદી આ પ્રકારના પુરાવા રજૂ કરી શકતો નથી આ લવાદ દિવાની દાવા હેઠળ લેવામાં આવશે, છેતરપીંડી હેઠળ ગુન્હો નોંધી કલમ ૪૨૦નો ઉપયોગ કરી શકાય નહીં.

કોર્ટે માન્યું છે કે, કાયદાનો સિદ્ધાંત છે કે, તમામ સમજૂતીમાં લવાદનો છેતરપીંડીની વ્યાખ્યામાં સમાવેશ કરી શકાય નહીં. કલમ ૪૨૦ હેઠળ ગુન્હો ત્યારે જ નોંધી શકાય જ્યારે આરોપી લેતી-દેતિમાં અગાઉથી જ છેતરપીંડી કરતો હોય અથવા ઈરાદો ધરાવતો હોય.

નાના ગામથી માંડીને મોટા શહેરોમાં રોજ બરોજ અનેક છેતરપીંડીના મામલામાં નોંધાતા હશે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક છેતરપીંડીની ફરિયાદો નોંધતી હોય છે. આ તમામ ફરિયાદોમાં કલમ ૪૨૦ હેઠળ ગુન્હો નોંધવામાં આવે તેવું જરૂરી નથી તેવું હાઇકોર્ટના ચુકાદાથી પુરવાર થયું છે. આરોપી લેતી-દેતીમાં છેતરપીંડી કરશે જ તેવી ધારણાના મામલામાં કલમ ૪૨૦ લાગુ થઈ શકે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.