પરિવારનો આનંદ જ સુખી જીવનની ચાવી: એકબીજાનું માન સન્માન જાળવતા તેથી જ ‘આનંદોત્સવ’ હતો

છોકરાઓના બચપણનો આનંદ અને તહેવારો: પ્રસંગોમાં સૌ એકબીજાની મદદ કરતાં: શેરીમાં રહેતા પાડોશી પણ સુખ દુ:ખમાં ખડે પગે ઉભા રહેતા

પપ્પાના મોટાભાઇ, કાકા-કાકી, ફઇ-ફૂઆ, માસા-માસી જેવા અનેક પારિવારિક સંબંધોને કારણે પરિવાર ઉજળા હતા

એ જમાનામાં સંબંધો જ આભૂષણ ગણાતા અને એકબીજાની મુશ્કેલીમાં સધિયારો મળતો: સૌ નાના હતા પણ મોટા મનના માલિક હતા

આજે 21મી સદીમાં, મોંઘવારી યુગમાં બે છેડા ભેગા કરતાં આપણને પડતી તકલીફમાં એક પ્રશ્ન સૌને થાય કે માનવી સુખી ક્યારે હતો ? તેના જવાબ માટે ‘સંબંધોનું આકાશ’ નિહાળવું પડે. એક જમાનામાં સૌ ચાલીને જતાં હતા પછી ઘોડા, બળદગાડી, ગાડુ આવ્યું. સાયકલ આવીને બે પૈંડાવાળા વાહનો આવ્યાની સાથે ફોર વ્હીલ પણ આવી ગઇ હતી. આ બધા પરિવર્તનના દૌરમાં માનવી ક્યારે સુખી હતો એ તો બધા યુગને જોનાર જ કહી શકે. આવનારા થોડા વર્ષમાં આ જોનારાની પેઢી પૂર્ણ થઇ જશે ત્યારે આપણે આજથી પાંચ દાયકા કે તેથી પહેલાની આપણી જીવનશૈલી અંગે જાણવું જરૂરી છે. સુખની વ્યાખ્યા એટલે જ પરિવારનો આનંદ જે આજે ક્યાંય જોવા મળતો નથી, આજે તો સગા બે ભાઇઓને પણ ભળતું નથી ત્યાં પારિવારિક સંબંધોની વાત ક્યાં કરવી એ સમજાતું નથી.

સુખી જીવનની ચાવી એટલે ખુશખુશાલ પરિવાર જેમાં સૌ એકબીજાનું માન-સન્માન જાળવતા હોય ને નાના કે મોટા સૌને એકબીજાની શરમ નડતી હોય કે શરમ કે અમાન્ય જાળવતા હોય. જૂના પારિવારિક જીવનમાં ક્યારેય ટ્રેસ ન હતો સૌ હસતા, રમતાને ખુશખુશાલ જીવન જીવતાં હતા જે આજે ક્યાંય જોવા મળતું જ નથી. પહેલા પૈસા કરતા સંબંધોનું વિશેષ મહત્વ હતું જે આજે સાવ ઉલ્ટું થઇ ગયું છે. પરિવારના મોભી કે વડીલો સામે કોઇ બોલી ન શકતું તેમનો નિર્ણય આખરી ગણાતો હતો. મોટાભાગે પુરૂષો બેસીને સૌના હિતમાં નિર્ણયો લેતા હતાં.

ત્યારનો આજ પરિવાર જોઇએ તો મા-બાપ સાથે તેના ભાઇઓ-બહેનો અને કાકા-કાકી, દાદા-દાદી, મોટાબાપુ કે અદા, માસા-માસી, ફઇ-ફૂઆ, નાના-નાની, મામા-મામી, ભાઇ-ભાભી, નણંદ જેવા વિવિધ સંબંધો હતા જેને કારણે જ પરિવાર હર્યો-ભર્યો લાગતા હતો. પરિવારની શાખ પણ આજુબાજુના તમામ ગામોમાં પ્રસરેલી હોવાથી માત્ર નામ આપવાથી તમામ કામ પૂર્ણ થઇ જતાં હતાં. પહેલા તો લગભગ બધે જ ગ્રામ્ય સંસ્કૃતિ જેવા જ માહોલ જોવા મળતો જેમાં ધીમેધીમે પ્રગતિ થતા નગરો-શહેરો બન્યાને લોકો ગામડાંમાંથી શહેર તરફની દોટમાં જોડાયા હતાં.

ત્યારનું બચપણ જ સાચુ બચપણ હતું. આજના યુગના છોકરાઓ એવું જીવન જીવી જ નથી શકતાં. તહેવારો, પ્રસંગો, ઉજવણી વિગેરે આવે તે પહેલા 15 દિવસ અગાઉ તૈયારી થતી જેમાં પરિવારનો દરેક સદસ્ય ઉમંગ અને ઉત્સાહથી જોડાતો. લગ્ન ઉજવણી પણ ત્રણ-ચાર દિવસ ચાલતી જે સાંભળીને કદાચ તમને નવાઇ લાગશે પણ આજના એક દિવસના નહી અડધા દિવસનાં જ લગ્નો તમે જોયા છે એ વખતે જાનને પણ ત્રણ દિવસ રોકાણ કરાવતા હતા. આજે એ જીવનશૈલીમાં આખો પરિવાર, શેરી, વિસ્તાર કે આખું ગામ જોડાતું હોવાથી સૌને માનવ મેળા આનંદ મળતો હતો. માનવ જીવન સાથે આંગણાના પશુ-પંખીઓ સાથે સમાજના દરેક વર્ગને જોડીને સુખમય જીવન જીવતા તેથી જ કદાચ વગર યોગ કે પૂરી નિષ્ઠા, મહેનતથી જીવતો માનવી લાંબુ આયુષ્ય ભોગવતો.

એ જમાનામાં સંબંધો જ માનવીનું સાચુ ઘરેણું હતું. દરેક માણસ એકબીજાને માટે તમામ પ્રયત્નો કરી છૂટતાં હતાં. વેકેશનમાં તો મામા-મામીના ઘેર જ જલ્વો પડી જતો હતો તો માસી પણ એટલા જ લાડથી કે પોતાના સંતાનો કરતાં વિશેષ દરકાર કરતાં હતા. એ જમાનામાં “કાકા” સંબંધ એટલે દિલ ખોલીને કહેવાનો સંબંધ હતો. નાનકડી ભૂલે વડિલોનો મેથી પાક હજી યાદ આવે છે. એ દિવસોમાં ઠંડી, ગરમી, ચોમાસું બધી ઋતુઓનો આનંદ નિરાળો હતો. સૌને ચોખ્ખો ખોરાક, હવા, પાણી મળતું હતું અને આજની જેમ પ્રદૂષણની સમસ્યા જ ન હતી. વૃક્ષો તો આખા ગામમાં જોવા મળતાને પાદરમાં વડલા નીચે તો આરામથી રમવાની મોજ પડી જતી હતી.

પારિવારિક સંબંધો સાથે શેરીના કે આડોશ-પાડોશમાં રહેતા લોકો પણ સૌને એકબીજાને પ્રેમભાવથી રાખતા હતાં. સારા-નરસા પ્રસંગે સૌ ઘરકામ કરવા મંડી પડતા તેથી જ ગમે તેવા મોટા પ્રસંગો સહેલાઇથી ઉકલી જતા હતાં. આજે 21મી સદીમાં આ બધી વાતો સપનાઓ જેવી લાગે પણ હકિકત છે, 16 કલાએ માનવ જીવન ત્યારે જ ધબકતું હતું ને માનવીએ યુગમાં જ સંપૂર્ણ સુખી હતો. પ્રારંભે નવા ટીવી આવ્યા ત્યારે કેવા સૌ સાથે મળીને આનંદથી મનોરંજન માણતા હતાં. ‘પહેલો સગો પાડોશી’ આ કહેવત એ યુગમાં જ પડી હતી. આજના જેવી તમામ મુશ્કેલીઓ એ જમાનામાં હતી જ નહી. જો કે ટીવી-મોબાઇલના છેલ્લા ત્રણ દશકાના આક્રમણ  બાદ સૌની લાઇફ સ્ટાઇલ પણ બદલાય હોવાથી આજના સિમેન્ટના જંગલોમાં બધેના દુ:ખી પરિવારો જોવા મળે છે.

શેરી શ્ર્વાનોનું પણ પૂરતું જતન થવાથી તે રાત્રે કોઇને અજાણ્યાને પ્રવેશ કરવા દેતા નહીં તેથી ચોરીના બનાવો બનતા જ નહીં. ગાયો, ભેંસો, બકરી જેવા ચો પગા જાનવરોને માનવી પોતાના સંતાનો જ ગણતા હતાં. બધા લોકો હતા નાના પણ તેના દિલ બહુ જ મોટા હોવાથી સૌ પરિવારમાં આનંદથી જીવન જીવતાં હતાં. એ જમાનામાં દિવાળી, સંક્રાત, નવરાત્રિ, હોળી, ધૂળેટી, સાતમ-આઠમનો મેળો, મંદિરો થતી ઉજવણીનો મહિમા કંઇક ઔર જ હતો. બાળથી મોટેરા સૌ ઉલ્લાસમય વાતાવરણના રંગેરંગાઇ જતાં હતાં. ત્યારે કુટુંબો બહુ જ મોટા હતા સૌને 4 કે 5 સંતાનો હોય જ તો પણ સૌ સુખી હતા ને આજે માત્ર એક સંતાને મા-બાપ દુ:ખી જોવા મળે છે.

પારિવારિક પ્રસંગો પરિવારની શાખથી ઉજવાતા અને સગાઇ, લગ્ન જેવા સંબંધો તો એકવાતથી નક્કી થઇ જતાં. આજે મા-બાપોને પૂછો તો ખબર પડે કે છોકરા-છોકરીને પરણાવવામાં કેટલી મુશ્કેલી પડે છે. એકવાત નક્કી છે કે ત્યારે સૌ સાથે રહેતા એટલે સૌ સુખી હતા ને આજે બધા જ અલગ-અલગ રહે છે તેથી બધા જ અલગ-અલગ પ્રકારે દુ:ખી છે. ત્યારના માનવીના સંસ્કારો, સાદગી, પ્રમાણિકતા, સમજદારી, સહયોગ જેવા વિવિધ ગુણો હોવાથી તે કે તેની સાથે રહેનાર આખો પરિવાર સુખમયને આનંદિત રહેતો.

આજની મુશ્કેલીમાં આપણને કોઇ સાથ આપવા આવતું નથી પણ એ જીવનશૈલીના સમયમાં શેરી સાથે ગામ સમાજનો તમામ વર્ગ ખડે-પગે પરિવારની સાથે ઉભો રહેતો હતો. એકબીજાના સહયોગથી સૌ લોકો શ્રેષ્ઠ જીવન અને ગુણવત્તાસભર જીવન જીવતાં હતાં. શહેરમાં ફરવા જવા કે ફિલ્મ જોવા જવાનો આનંદ તો આખી જીંદગી યાદ રહી જતો હતો. કપડાં, સ્ટાઇલ કે ફેશન જેવી કોઇ ચોઇસ જ ન હતી. મા-બાપ આપે તે જ આપણી પસંદ ગણવાની હોય. તડકામાં ખરે બપોરે ઝાડ ઉપર ચડીને કે નદી કિનારે ન્હાવાની નિરાળી મઝાનો આનંદ કંઇક ઔર જ હતો.

દાદા-દાદીના ખોળે જીવન ઉજળું થઇ જતું

આજના યુગમાં સૌ કોઇને કોઇ કારણે દુ:ખી છે ત્યારે આજથી પાંચ દાયકા પહેલાની પારિવારિક જીવનશૈલીમાં બધા જ લોકો ખુશીભર્યું સુખી જીવન માણતા હતાં. બાળકો તો દાદા-દાદી કે નાના-નાની ખોળે સોળે કલાએ ખીલી ઉઠતા હતાં. સૌ એકમેકના સથવારે શ્રેષ્ઠ જીવન માણતા હતાં. હવા, પાણી અને ખોરાક આ ત્રણ જીવનની અગત્યની બાબત ચોખ્ખી ચણાક મળતી હોવાથી ક્વોલીટીવાળી જીવનશૈલી વાળી જીંદગી માનવી જીવતો હતો.

આજની જેમ કુટુંબ, પરિવારની કોઇને ઓળખ કરાવી ન પડતી કારણે સૌ સાથે જ રહેતા હતાં. પરિવારમાં સૌથી વધુ ગુણગાન “મામા” ગવાતા હતાં. લગભગ બધાએ વડિલોના હાથનો મેથીપાક તો ચાખ્યો હોય, ભૂલ, તોફાન કે કોઇક સાથે ઝગડો થયો હોય ત્યારે તો આવી જ બનતું હતું. જીવનની મિઠાસ સાથે એકબીજા પ્રત્યેનો પ્રેમભાવ જ જીવનની શોભા હતી. તે જીવનશૈલીમાં પાડોશી પણ પરિવારનું અભિન્ન અંગ હતું.