Abtak Media Google News

કેવું લાગે જો તમે આ શિયાળાની ઠંડીમાં ઘરે બેઠા જ કશ્મીરની મુસાફરી કરી શકો? ફોટો કે વિડિયોમાં નહીં પરંતુ વાસ્તવિક હાજર હોવાના અનુભવ સાથે! કેવું લાગે જો તમારું બાળક તમારી સામે બેસીને પણ શાળામાં હાજર હોય? એ પણ ઓનલાઇન ક્લાસથી નહીં પરંતુ તેની શાળાની બેન્ચ પર બેસી ને! તમે ઘરે બેસીને જ જો સુપેરમાર્કેટના પ્રોડક્ટસને નિહાળી અને સ્પર્શી શકો તો (એ પણ અમેઝોન અને ફ્લિપકાર્ટ પર આવતા ફોટો થી નહીં) શોપિંગ કરવું કેવું આરામદાયક થઈ જાય! ઘરેબેઠા મનપસંદ રોજીંદી ટીવી ધારાવાહિક તમને તેના સેટ પર હાજર રહી ને જોવા મળે તો?

તમારો મનપસંદ અભિનેતા, અભિનેત્રી કે સુપરહીરો કોણ છે? જો એમને તમે તમારા મોબાઇલ ફોન ના કેમેરા ની મદદ થી તમારા ઘરે બેઠેલા જોઈ શકો તો એ ઓગ્મેંટેડ રિઆલિટી કહેવાય છે. ઇન્સ્ટાગ્રામ માં ફોટો સાથે પેલા કૂદંકૂદ કરતાં ડાગલાઓ એ આનું ઉદાહરણ છે. મજા તો ત્યારે પડી જાય તમે તમારી મનપસંદ અભિનેત્રી ની બાજુમાં ઊભા રહેવાનો અનુભવ કરી શકો! આ ટેક્નોલોજી વર્ચુયલ રિઆલિટી કહેવાય છે. એનાથી પણ વધારે, તમારા મનપસંદ અભિનેતા કે અભિનેત્રીને તમારા ઘરેથી જ સ્પર્શી શકો તો રાજીના રેડ થઈ જવાય! આ ઉત્કૃસ્ટ ટેક્નોલોજીને મિક્સ્ડ રિઆલિટી કહેવાય છે.

Vr2

આપણાં માથી ઘણા વર્ચુયલ રિઆલિટી ગેમિંગ વિશે માહિતગાર હશે. એક અલગ પ્રકાર ના વીઆર હેડ્સેટ નામના ચશ્મા પહેરી ને વિડિયોગેમ ની અંદર હોવાનો અનુભવ કરી શકાય છે. પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજી ની આ કરામત એ મનોરંજન કરતાં ક્યાંય વધારે ઉપયોગ માં આવી શકે એમ છે. વાસ્તવિક દુનિયાની આબેહૂબ પ્રતિકૃતિ આપણને એવી જગ્યાઓ વિશે તાલીમ આપી શકે છે જ્યાં જવું જોખમી હોય. આ જોખમી જગ્યાએ વાસ્તવ માં ગયા વગર ત્યાંની પરિસ્થિતીનો અનુભવ કરી શકાય.

આપણી કલ્પના ની દુનિયામાં સફર કરી શકવાની આ કરામત ઘણા વર્ષો ના પરિશ્રમ નું પરિણામ છે. વર્ચુયલ દુનિયા ઊભી કરવાના પ્રયત્નોની શરૂઆત થ્રીડી ઇમેજ બનાવવા થી શરૂ થઈ હતી. આજે આપણે જે થ્રીડી ફિલ્મો જોઈએ છીએ તે ખરેખર વર્ચુયલ રિઆલિટીનું બાળ સ્વરૂપ છે. મનોરંજન ક્ષેત્રમાં પ્રેક્ષકોને વધુ ને વધુ સારી રીતે પ્રસ્તુતિકરણ કરવું એ હંમેશા થી એક લક્ષ્ય રહ્યું છે. આ માટે જંગી રોકાણ કરીને પણ ટેક્નોલોજીનો વિકાસ કરવાની દોડ લાગી રહે છે. આ દોડ આજે કલ્પિત વાસ્તવિક્તા રચવામાં સફળ થઈ રહી છે.

Vr3

અત્યારના સમયમાં એઆર(Augmented reality) અને વીઆર (Virtual Reality)ને અનેક ક્ષેત્રો માં ઉપયોગ માં લાવવા પ્રયાસો થઈ રહ્યા છે. મનોરંજન માટે શરૂ કરાયેલ પ્રયત્નને આજે આપણે શિક્ષણ, માર્કેટિંગ, તબીબ અને બીજા ઘણા ક્ષેત્રે લાગુ પાડવા આગળ ધપી રહ્યા છીએ. આ અજબ ટેક્નોલોજી અનેક ઉપકરણો શોધ્યા બાદ મળી શકી છે. વર્ચુયલ દુનિયા ની શરૂઆત ૧૮૩૮ માં થઈ હતી. ચાર્લ્સ વીટસ્ટોન દ્વારા શોધાયેલ સ્ટીરીઓસ્કોપ નામના ઉપકરણ થી લોકો બંને આંખો માં એક જ ચિત્ર અલગ અલગ જોઈ શકે એવી ગોઠવણ કરવામાં આવી હતી. આવી ગોઠવણ પ્રેક્ષક ને થ્રીડી ઇમેજ નો અનુભવ કરાવતી હતી. ૧૮૯૧ માં થોમસ એડિસન અને વિલિયમ ડીકસન દ્વારા શોધાયેલ ક્ધિતોસ્કોપ મુવેબલ ઇમેજ ની મદદ થી વિડિયો જેવી અનુભૂતિ કરાવતું. બાળપણમાં પેલા ડબ્બા માં નાના એવા કાણાં માથી અલગ અલગ ચિત્રો જોઈ ને આપણને કેવો આનંદ થતો! તે ડબ્બો એ ક્ધિતોસ્કોપ જેવુ જ એક ઉપકરણ હતું. વખત જતાં લિન્ક પિયાનો એન્ડ ઓર્ગન નામની એક કંપની દ્વારા ૧૯૨૯ માં વિમાન ઉડાડવા ની તાલીમ આપતું એક ફ્લાઇટ સિમ્યુલેટર બનાવવા માં આવ્યું. ૧૯૩૫ માં લખાયેલી એક કલ્પવૈજ્ઞાનિક (Science fiction) વાર્તા પિગ્મેલોન્સ સ્પેકટકલ્સ આજે લગભગ હકીકત માં પરિણમી રહી છે. એ વાર્તામાં પ્રમાણે જ આજે એક ચશ્મા પહેરી ને આપણી આસપાસ વિર્ચુયલ દુનિયા અનુભવી શકાય છે.

Ar1

કલ્પનાનો મહેલ ઊભો કરી આપતી આ ટેક્નોલોજી સામાજિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી નિવડી શકે છે. વાત અહીં એવા ઉપકરણ ની છે કે જે સરહદ પર એકદમ કઠણ વાતાવરણ સામે લડી રહેલા સૈનિકો ની વહારે આવી શકે. જો સરહદ ઉપર ની લાઈવ પરિસ્થિતી ને વર્ચુયલ રિઆલિટી માં ફેરવી શકાય તો સૈનિકો સરહદો પર ભૌતિક રીતે હાજર રહ્યા વગર વર્ચુયલ પેટ્રોલીંગ કરી શકે. આ સાથે તેઓ ત્યાંની પરિસ્થિતી આબેહૂબ જાણી શકે અને જરૂર પડ્યે પગલાં પણ ભરી શકે. અત્યારે જે ડ્રોન સરહદો પર ચોકી કરે છે તે સૈનિકોને સરહદની વર્ચુયલ પેટ્રોલીંગમાં મદદ કરી શકે.

Tech Show Logo Niket Bhatt

સાઉથ કોરિયા પહેલો એવો દેશ બન્યો જ્યાં ગ્રાહકો ને વર્ચુયલ માર્કેટની સુવિધા આપવામાં આવી. અહી લોકો પ્રોડક્ટની વર્ચુયલ પ્રતિકૃતિ જોઈ તથા સ્પર્શી ને ખરીદી કરી શકે છે. તેમની એક ક્લિક થી એ પ્રોડક્ટ સીધા બિલ કાઉન્ટર પર ગણાય જાય છે. મિક્સ્ડ રિઆલિટીનું આ રોજીંદા જીવનમાં એક અનોખુ ઉદાહરણ છે. આ જ ટેક્નોલોજી આપણાં દેશ ના મૂળિયાઓ સુધી પણ ઉપયોગ માં આવી શકે છે. આપણાં દેશ ના એક મહત્વના સ્તંભ એવા કૃષિક્ષેત્રે પણ વર્ચુયલ રિઆલિટીનો ઉપયોગ થઈ શકે છે. જેમ સરહદો પર સૈનિકો વર્ચુયલ પેટ્રોલીંગ કરી શકે તેવી જ રીતે ખેતરોમાં પાકનું ધ્યાન રાખવા માટે ખેડૂતો દિવસમાં ગમે ત્યારે પોતાના ખેતરની વર્ચુયલ ટુર કરી શકે. પાકની સ્થિતિ, ખેતરની સુરક્ષા, પાકને લગતા રોગ વિશેનું અવલોકન ઘરે બેસી ને જ થઈ શકે.

Mr1

શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓ ને એક અનેરી પદ્ધત્તિથી શિક્ષણ આપી શકાય છે. જે ઇતિહાસ વિદ્યાર્થીઓ સાંભળીને કે ડોક્યુમેંટ્રી જોઈ ને શીખે છે, તે ઇતિહાસ તેઓ પોતાની આસપાસ ની વર્ચુયલ દુનિયા અનુભવી ને પણ શીખી શકે. ઇતિહાસ ની લાંબી વાર્તાઓ સાંભળીને સૂઈ જતાં વિદ્યાર્થીઓ જો ઇતિહાસ ને પોતાની આજુ બાજુ અનુભવી શકે તો તેઓ તેને કોઈ દિવસ ભૂલશે નહીં. કોઈ અશક્ત કે અપંગ વિદ્યાર્થી પોતાના ઘરે બેસીને પણ શાળા માં હોવાનો અનુભવ કરી શકે છે. આ સાથે વર્ચુયલ દુનિયા ની સફર તો ખરી જ.

લગભગ બધા જ ક્ષેત્રો માં ઉપયોગી આ ટેક્નોલોજી ને ઘરે ઘરે પહોચવા હજી ઘણો સંઘર્ષ કરવો પડશે. સૌપ્રથમ તો સપનાનો મહેલ રચી દેતી આ ટેક્નોલોજી ઘણી જ ખર્ચાળ છે. વીઆર ગેમિંગ થી શરૂ કરી ને ફિલ્મ સુધી પ્રેક્ષક ને ખાસ્સું એવું મૂલ્ય ચૂકવવું પડે છે. આ સાથે અત્યારે બજાર માં ઉપલબ્ધ વીઆર હેડસેટ ની ઘણી આડ અસરો પણ છે. લાંબા સમય સુધી વીઆર ગેમ રમતા લોકો ને માથા નો દુખાવો, તમ્મર ચડવી તથા આંખ ખેંચાવા ની ફરિયાદો જોવા મળી છે. ઔગ્મેંટેડ રિઆલિટી તો આડ અસર થી લગભગ મુક્ત છે પરંતુ વર્ચુયલ રિઆલિટી અને મિક્સ્ડ રિઆલિટી હજુ પણ ઘણા અવરોધો થી પીડાય છે. આ ક્ષેત્રે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.

ટેક્નોલોજી ને વાસ્તવિક જીવન માં ઉતારવા માટે તેનું સુરક્ષિત હોવું ફરજિયાત છે. કાલ્પનિક વાસ્તવિક્તા રચતી આ આધુનિક સુવિધા ઘણી મુશ્કેલીઓ નો ઉપાય કરી શકવા સક્ષમ છે. પરંતુ ઘરે બેઠા દુનિયા દેખાડતી આ ટેક્નોલોજી જો કુદરત ના ખોળે બેસવાનું ભુલાવી દે તો તે અભિશાપ પણ બની શકે છે. અંત માં એ જાણવું જરૂરી છે કે ટેક્નોલોજી અને કુદરત આ બંને ના સુસંગત પ્રમાણ જ માનવજાતિ ને વિકાસ તરફ પહોચાડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.