Abtak Media Google News

જૂનાગઢના ધંધુસર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિનું સંમેલન

જેતપુ૨ના વગદાર કારખાનેદારો સામે પગલાં નહીં ભરતા ૪૦ કિ.મી.ની પદયાત્રા સાથે આંદોલન

પ્રદૂષિત થયેલ સોરઠ પંથકની ઉબેણ નદીને બચાવવા માટે હવે ઉબેણ નદીના કાંઠે વસતા ગામના લોકો અને ખેડૂતો દ્વારા શનિવારે નગારે ઘા અપાયા છે અને અનેક રજૂઆતો છતાં પ્રદૂષણ વિભાગ તથા લાગતા વળગતા તંત્ર અને સરકાર દ્વારા ઉબેણ નદીને પ્રદુષિત કરતા જેતપુરના અમુક કારખાનેદારો સામે કોઇ કડક કાર્યવાહી કે નક્કર પગલાં ન ભરાતા આગામી દિવસોમાં ૪૦ કિલોમીટરની પદયાત્રા સાથે આંદોલનના મંડાણ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.

ઉબેણ નદીને પ્રદુષિત થતી રોકવા માટે જુનાગઢ ધંધુસર ગામે ખેડૂત હિત રક્ષક સમિતિના અતુલ શેખડાની આગેવાની નીચે શનિવારે વિવિધ ગામના લોકો અને આગેવાનોનું એક સંમેલન મળ્યું હતું, જેમાં આગામી દિવસોમાં ભેસાણના ભાટગામથી ૪૦ કિલોમીટર સુધીની પદયાત્રા યોજાય તેવું નક્કી કરવામાં આવ્યુ હતું  અને આ માટે એક ઉબેણ બચાવો સમિતિની રચના કરી નવી રણનીતિ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના અતુલ શેખડા એ જણાવ્યું હતું કે, ભેસાણ માંથી શરૂ થતી ઉબેણ નદી ઉપર ૨૩ જેટલા ગામડાઓ આવેલા છે, અને સોરઠની મુખ્ય નદીમાં જેનો સમાવેશ થાય છે તે ઉબેણ નદી પ્રદૂષિત થઈ જતા, આસપાસની લાખો વીઘા જમીન બંજર બની રહી છે. પાલતુ પશુઓને આ પ્રદુષિત નદીનું પાણી પીવડાવી શકાતું નથી, અને આ વિસ્તારમાં ચામડી સહિતના રોગોનો પણ વધારો થવા પામ્યો છે. આ અંગે નદી કાંઠાના અનેક ગામો દ્વારા અવાર-નવાર આંદોલનનો કરવામાં આવ્યા છે, અને સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ સરકાર કે તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવેલ નથી, ત્યારે આજે ધંધુસર ગામે એક સંમેલન યોજવામાં આવ્યુ  હતું અને ઉબેણ ને વધુ પ્રદૂષિત થતા રોકવા માટે ઉબેણ બચાવો સમિતિની રચના કરવામાં આવે અને આગામી દિવસોમાં ભેસાણથી ૪૦  કિલોમીટર લાંબી પદયાત્રા યોજી સરકારની આંખ ઉઘાડવા અને તંત્રના કાન આમળવા માટે નવી રણનીતિ ઘડવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે.

જ્યારે ધંધુસર ગામના સરપંચ અરજણ દીવરાનિયા એ આજે સંમેલનમાં જણાવ્યું હતું કે, ઉબેણ નદી પ્રદૂષિત થઇ જતા હવે આ વિસ્તારના ખેડૂતોની જમીન બંજર બની રહી છે, પશુઓને પાણી પીવડાવી શકાતું નથી, અને લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે, ત્યારે લોકોને હવે હિજરત કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે, પરંતુ પ્રદૂષણ બોર્ડ અને સરકાર ભેસાણ પંથકના ભાટ ગામ નજીક આવેલ સાડીઓના ઘાટ અને જવાબદારો સામે કાર્યવાહી કરતા ન હોવાથી ના છૂટકે ના ઇલાજે હવે ખેડૂતોએ નવી રણનીતિ અપનાવી, સરકાર અને તંત્રની સામે લોકોની વ્યથા રજુ કરવા આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.

શનિવારના મળેલ આ સમેલનમાં ઉપસ્થિત ખેડૂતો દ્વારા પણ જેતપુરના સાડીના કારખાનાદારો સામે ગંભીર આક્ષેપો ઉઠ્યા હતા, અને જેતપુરના વગદાર કારખાના વાળાઓ રાજકીય નેતાઓ તથા અધિકારીઓ સાથે નજીકનો  ધરોબો ધરાવતા હોવાથી નદીમાં પ્રદૂષણ  ઠાલવતા લોકોના કારણે લાખો વીઘા જમીન બંજર થઈ જવા પામી છે, છતાં લોકોની ચિંતા વગર રાજકીય નેતાઓ, જવાબદાર અધિકારીઓ બધું ચલાવી રહ્યા છે, ત્યારે સરકાર અને તંત્ર એ આ બાબતે યોગ્ય કરવું જોઈએ અને મુઠ્ઠીભર કારખાનાદારોના કારણે લાખો લોકોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે અને હજારો પાલતુ પશુઓ તથા લાખો વીઘા જમીન બંજર થઈ રહી છે તેને બચાવવી જોઈએ.

ધારાસભ્ય જોષીની કલેકટર ફરિયાદ સમિતિમાં રજૂઆત

Screenshot 2020 10 26 18 03 09 264 Com.whatsapp

ભીખાભાઈ જોશી દ્વારા જૂનાગઢની આજુબાજુના કારખાનાઓ નું કેમિકલ યુક્ત પાણી ઉબેણ નદીમાં ઠાલવવામાં આવતું હોય, જેની અસર ઉબેણ નદીના કાંઠાના ગામોમાં થયો છે, અને ભૂતળમાં કેમિકલ યુક્ત પાણીનો ફેલાવો થતાં, લોકોના સ્વાસ્થ્યને નુકશાન કર્તા હોય તાત્કાલિક અસરથી કાર્યવાહી થવા કલેક્ટર ફરિયાદ સમિતિમાં  ભલામણ કરવામાં આવી હોવાનું અને આ પ્રશ્નના નિરાકરણ માટે અગાઉ પણ ફરિયાદ સમિતિમાં પ્રશ્ન રજૂ કરવામાં આવેલ પરંતુ પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ દ્વારા માત્ર કારખાનેદાર ને નોટિસ આપીને જ સંતોષ માની લીધો છે, ત્યારે પ્રદૂષણ રોકવા માટે કોઈ નક્કર કામગીરી થાય તે માટે ભલામણ કરી છે. આ સંદર્ભે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉબેણ નદીના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાણીના પૂથકરણ માં ૮ % થી વધારે કેમિકલની માત્રા જોવા મળી. ત્યારે પ્રદુષણ રોકવા આ કારખાનેદાર પર પગલાં લેવા જૂનાગઢ પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા ગાંધીનગર વડી કચેરી ખાતે પૂર્વ મંજૂરી માંગી હોવાનું ગત કલેક્ટર ફરિયાદ સમિતિમાં જૂનાગઢ પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા જવાબ ભરવામાં આવેલા હતા. પ્રદુષણ નિયંત્રણ કચેરી દ્વારા કલેક્ટર ફરિયાદ સમિતિમાં આપવામાં આ જવાબ સામે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ જ્યા સુધી કારખાનેદાર પર પગલાં ન લેવાય અને પ્રદુષણ નિયંત્રણ બાબત કોઈ ઠોસ પગલાં ન લેવાય ત્યાં સુધી આ પ્રશ્ન પેન્ડિંગ રાખવા  જણાવતા, હવે તા. ૨૦ ડિસેમ્બરના રોજ મળનાર ફરિયાદ સમિતિમાં બોર્ડ દ્વારા આગળની શુ કાર્યવાહી થઈ એનો રીવ્યુ લેવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.