- ખેડુતો પોતાના ખેતરમાંથી જ બિયારણ મેળવે છે અને ગાયના ગોબર-મૂત્ર, જીવામૃત અને બીજામૃત જેવા કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરી પ્રાકૃત્તિક ખેતી ઓછા ખર્ચે કરી શકે !
પ્રાકૃતિક અને ઓર્ગેનિક ખેતીની વાત કરો તો, પ્રાકૃતિક ખેતી તદ્દન અલગ પ્રકારની ખેતી છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગને ટાળવો, છાણિયા ખાતરોનો ઉપયોગ કરવો જેવી અમુક પ્રકારની સમાનતા હોવા છતા પ્રાકૃતિક ખેતી અને આ બન્ને પ્રકારની ખેતી વચ્ચે અમુક પાયાનો ભેદ છે. જૂનાગઢના ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી તરફ વળ્યા છે.
પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી (સેન્દ્રીય ખેતી) બન્ને રસાયણ મુક્ત ખેતી પદ્ધતિઓ છે, જે કુદરતી સંસાધનોના જતન પર ભાર મૂકે છે. આ બંને પદ્ધતિઓ પર્યાવરણની જાળવણી અને ટકાઉ ખેતીના સિદ્ધાંતો પર આધારિત છે, પરંતુ તેમની કાર્યપદ્ધતિ અને અભિગમમાં નોંધપાત્ર તફાવતો છે. પ્રાકૃતિક ખેતી “ઓછા ખર્ચની કુદરતી ખેતી” તરીકે ઓળખાય છે. આ પદ્ધતિમાં બહારના કોઈ સંસાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી. ખેડૂતો પોતાના ખેતરમાંથી જ બિયારણ મેળવે છે અને ગાયના ગોબર-મૂત્ર, જીવામૃત, અને બીજામૃત જેવા કુદરતી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આ પદ્ધતિ ખેડૂતોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવે છે અને ખેતીની પરંપરાગત પદ્ધતિઓને જીવંત રાખે છે.
સૌ પ્રથમ તો પ્રાકૃતિક ખેતીની એક મહત્વપૂર્ણ વિશેષતા એ છે કે જમીનને ખેડવામાં આવતી નથી. આનાથી જમીનમાં રહેલા સૂક્ષ્મજીવાણુઓની સંખ્યા કુદરતી રીતે વધે છે અને જમીનનું જૈવિક માળખું જળવાઈ રહે છે. અંહિ સંપુર્ણપણે અળસીયાઓની જમીન છેદનની કુદરતી પ્રક્રિયા પર નિર્ભરતા રાખવામાં આવે છે. અળસીયાઓની જમીન છેદનની પ્રવૃત્તિને કારણે જમીન પોચી અને ભરભરી બને છે, જે ભેજ સંગ્રહ શક્તિ વધારે છે. આ ઉપરાંત, જમીનમાં કાર્બનનું પ્રમાણ વધે છે અને પાણીનો બગાડ ઘટે છે.
વધુમાં પ્રાકૃતિક ખેતીમાં સીધુ જ માનવબળની મદદથી બાહ્ય નિંદામણ કરવામાં આવતુ નથી. અંહિ જે-તે પાક અથવા વૃક્ષોના પાંદડાઓથી જમીનને ઢાંકવામાં આવે છે. આ પ્રક્રિયાને મલ્ચીંગ પણ કહે છે. પાકના અવશેષોને જમીન પર પાથરવાની પ્રક્રિયા ઘણા ફાયદા ધરાવે છે. તે નિંદણ નિયંત્રણમાં મદદ કરે છે, ભેજ જળવાઈ રહે છે, અને જમીનનું ધોવાણ અટકે છે. આ આવરણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ પણ બનાવે છે અને જમીનનું તાપમાન નિયંત્રિત રાખે છે.
બીજી તરફ, ઓર્ગેનિક ખેતીમાં બાહ્ય સ્રોતમાંથી છાણિયું ખાતર, વર્મીકમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં જમીનની તૈયારી, ખેડ અને નિંદણ વ્યવસ્થાપન જેવી પાયાની કૃષિ પદ્ધતિઓની જરૂર પડે છે. જોકે, આ પદ્ધતિ પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગને ટાળે છે.
પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક પદ્ધતિને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આ પદ્ધતિથી રોગ-જીવાતનું કુદરતી નિયંત્રણ થાય છે અને વિવિધ પાકો એકબીજાને પોષણ પૂરું પાડે છે. મિશ્ર પાક પદ્ધતિ દુષ્કાળ સામે રક્ષણ આપે છે અને ખેડૂત કુટુંબને વિવિધ પ્રકારનો પોષણયુક્ત આહાર પૂરો પાડે છે. આ પદ્ધતિ જમીનની ફળદ્રુપતા પણ વધારે છે.
રાસાયણિક ખેતીમાંથી ઓર્ગેનિક ખેતીમાં રૂપાંતર માટે 3-6 વર્ષનો સમય લાગે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં આવો લાંબો સમયગાળો જરૂરી નથી.ઓર્ગેનિક ખેતીની સૌથી મોટી મર્યાદા છે તેમાં જરૂરી મોટા જથ્થામાં ઓર્ગેનિક ખાતર. ઉદાહરણ તરીકે, 100 કિલો નાઈટ્રોજન મેળવવા માટે 20 ટન છાણિયું ખાતર જોઈએ. આટલું ખાતર ઉત્પન્ન કરવા 8-10 ગાયોની જરૂર પડે છે, જે નાના અને મધ્યમ ખેડૂતો માટે આર્થિક અને વ્યવહારિક રીતે મુશ્કેલ છે.પ્રાકૃતિક ખેતીનો મોટો ફાયદો એ છે કે તેમાં માત્ર એક દેશી ગાયથી જીવામૃત બનાવી શકાય છે, જે મોટા વિસ્તારની ખેતી માટે પૂરતું છે. વળી, નિયમિત પ્રાકૃતિક ખેતી કરવાથી ત્રણ વર્ષ બાદ જીવામૃતની પણ જરૂર પડતી નથી, જે અનેક અનુભવી ખેડૂતોએ સાબિત કર્યું છે. આ પદ્ધતિ ખેડૂતોને આર્થિક સ્વાવલંબન તરફ દોરી જાય છે અને પર્યાવરણની જાળવણીમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જુનાગઢ જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વધારે સંખ્યામાં વળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.