- આગામી એક મહિનામાં તમામ માંગો પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ખેડુતો અને હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને લઈ ધરણા, આવેદન પત્રો, રેલી સહિતના કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે પરંતુ તેમ છતાંય કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે પાટડીના બામણવાથી ખેડુતો દ્વારા ટ્રેકટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તંત્ર દ્વારા ટ્રેકટર રેલીને મંજુરી આપવામાં ન આવતા દુધરેજ થી સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સુધી પદયાત્રા રેલી યોજી સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પાટડી તાલુકાના 6 થી વધુ ગામોમાં 192 અને 193ની ગણોતધારાની નોંધ રદ્દ કરવા, ડબલ જંત્રી રદ કરવા તેમજ ખેડુતોને માલીકીના હક્ક આપવાની માંગ સાથે ઉગ્ર રજુઆત કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી અને આસપાસના 6 થી વધુ ગામો પાટડી, હિંમતપુરા, જરવલા, સુરજપુરા, બામણવા, નારણપુરા સહિતના ગામોમાં છેલ્લા ઘણા વર્ષોથી 192 અને 193ની ગણોતધારાની નોંધના કારણે અંદાજે 3000 થી વધુ ખેડુતો પોતાની જમીનના દસ્તાવેજ કરી શકતા નથી તેમજ માલીકીના હક્કો ન હોવાથી વેચાણ પણ કરી શકતા નથી જેના કારણે ખેડુતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે જે મામલે અનેક વખત રજુઆતો, રેલી, ધરણા સહિતના કાર્યક્રમો આપી સ્થાનીક તંત્ર અને સરકારના બહેરા કાનને જગાડવાનો પ્રયત્ન કરી ચુક્યા છે. પંરતુ તેનો કોઈ જ હકારાત્મક ઉકેલ ન આવતા આ તમામ ગામના ખેડુતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હાલત કફોડી બની છે. આથી છેલ્લા 15 દિવસથી પાટડી તાલુકાના 06 થી વધુ ગામોના ખેડુતો અને હિતરક્ષક સમિતિ દ્વારા પાટડીના બામણવાથી સુરેન્દ્રનગર સુધી તા.2પ ફેબ્રુઆરીના રોજ ટ્રેકટર રેલી યોજી રજુઆત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે પાટડી તાલુકાના અનેક ગામોમાં ખેડુતોની બેઠકો પણ યોજાઈ હતી. પરંતુ સ્થાનીક વહિવટી તંત્ર દ્વારા ટ્રેકટર રેલીની મંજુરી આપવામાં ન આવતા ખેડુતો પાટડી તાલુકામાંથી અલગ-અલગ વાહનો મારફતે સુરેન્દ્રનગર સુધી આવ્યા હતા અને દુધરેજ થી સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી સુધી ધોમધખતા તાપમાં પદયાત્રા યોજી 192 અને 193ની ગણોતધારાની નોંધ રદ્દ કરી તેનો કાયમી ઉકેલ લાવવા, ડબલ જંત્રી રદ્દ કરવા તેમજ પાટડી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરવા તેમજ પાક નુકશાનીનું પુરતું વળતર ચુકવવાની ઉગ્ર માંગ સાથે રજુઆત કરી હતી તેમજ પાટડીના હિંમતપુરા, નારાયણપુરા અને ખાન સરોવર વિસ્તારમાં રહેતા લોકોને મકાનના માલીકીના હક્ક આપવા સહિતની પણ માંગ કરી હતી તેમજ આગામી એક મહિનામાં તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય કરવામાં નહિં આવે તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જ્યારે બીજી બાજુ તંત્ર દ્વારા ખેડુતોને ટ્રેકટર રેલીની મંજુરી આપવામાં ન આવતાં ખેડુતોમાં ભારોભાર રોષ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ખેડુતો પદયાત્રા યોજી જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડ્યા હતા અને રામધુન બોલાવી સરકાર સામે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ તકે દસાડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ખેડુત આગેવાનો તેમજ 7 થી 8 ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે પાટડી તાલુકાના ખેડુતોને ગણોતધારાની 192 અને 193ની નોંધ રદ કરવા સહિતની માંગને ધ્યાને લઈ જીલ્લા ક્લેકટર રાજેન્દ્રકુમાર પટેલ ખુદ ખેડુતોની રજુઆત સાંભળવા ચેમ્બરથી નીચે કલેક્ટર કચેરીના ગેઈટ પાસે આવ્યા હતા અને શાંતિપૂર્વક ખેડુતોની રજુઆત સાંભળી તેને ઉચ્ચ કક્ષાએ પહોંચાડી તેને હકારાત્મક ઉકેલ લાવવા પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી.