સ્માર્ટફોન મેળવવા ખેડૂતોએ ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

ખેડૂતોને સ્માર્ટફોન ઉપર સહાય આપવાના નિર્ણયને આવકારી સરકારને અભિનંદન પાઠવતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદર

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઇ બોદરે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન ઉપર સહાય આપવાના નિર્ણયને આવકારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્યની ભાજપ સરકારને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ દિવસેને દિવસે વધી રહયો છે, કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો આઈ.ટી. ટેકનોલોજીના ઉપયોગ થકી ખેત ઉપયોગી અદ્યતન ટેકનીકો અપનાવી પોતાની આવકમાં વધારો મેળવતા થયેલ છે.

જેમાં ખેડૂતો હવામાનની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ-જીવાત ઉપદ્રવની માહિતી, ખેડૂતો ઉપયોગી પ્રકાશનો, નવીનતમ ખેત પધ્ધતી, રોગ-જીવાત નિયંત્રણની તકનીક, ખેતીવાડીની સહાય યોજનાઓની માહિતી તથા ખેતીવાડી યોજનાઓ સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા વિશે જેવી બાબતો માટે સ્માર્ટ ફોન ઉપયોગ કરવામાં આવી રહેલ છે.

સ્માર્ટફોનના વપરાશથી ડિજિટલ કેમેરા, ફોટોગ્રાફ, ઈમેલ, ટેક્ષ મેસેજ, મલ્ટીમીડીયા મેસેજ, વિવિધ ખેતી વિષયક વેબસાઈટ થકી માહિતી સહજ રીતે પ્રાપ્ય બને છે ત્યારે રાજયના ખેડૂતો સ્માર્ટ ફોન થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે રાજ્યની ભાજપ સરકાર દ્વારા ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન પર સહાય આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. તે અંતર્ગત ખેડૂતને એક સ્માર્ટ ફોનની ખરીદી થી રૂ.15 હજાર સુધીની કિંમત પર સહાય મળવાપાત્ર રહેશે.

જેમાં ખેડૂતને ફોનની કિંમતના 10% અથવા રૂ.1500 બે માંથી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર રહેશે. આ યોજનાનો લાભ જમીન ધારણ કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે. આ યોજના અંતર્ગત ખેડૂતો ’ i- khedut ’ પોર્ટલ પર સ્માર્ટફોન ખરીદી હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. અને પસંદ થયેલ લાભાર્થીઓએ પૂર્વમંજુરીના આદેશથી 15 દિવસમાં સ્માર્ટ ફોન ખરીદવાનો રહેશે.

નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ અરજદાર ખેડૂત સહી કરેલ અરજીની પ્રીન્ટઆઉટ સાથે સ્માર્ટફોન ખરીદીનું પાકુ જીએસટી વાળુ બીલ, મોબાઈલનો આઈ.એમ.ઈ.આઈ. નંબર, 8-એની નકલ, રદ કરેલ ચેક, આધાર કાર્ડની નકલ ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી તાલુકા અમલીકરણ અધિકારીને રજૂ કરવાની રહેશે.

ત્યારે રાજ્યના ખેડૂતો સ્માર્ટ ફોન થકી આંગળીના ટેરવે રાજ્યની ભાજપ સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાઓની માહિતગાર થાય તે માટે રાજ્ય સરકારે જગતાત માટે સંવેદનાસભર નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદરએ રાજ્યની ભાજપ સરકારના આ નિર્ણયને આવકારી અભિનંદન પાઠવેલ હતા.