Abtak Media Google News

ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં

ભાવનગર જિલ્લામાં કિસાન સન્માન દિવસ  અંતર્ગત ભાવનગરના ઘોઘા તાલુકાના વાળુકડ અને મહુવા તાલુકાના ભગુડા તથા ગારિયાધાર તાલુકા ખાતે કિસાન સન્માન દિવસના કાર્યક્રમ યોજાયાં હતાં.

ઘોઘા તાલુકાના વાળુકડ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેનશ્રી ધનસુખભાઇ ભંડેરીએ જણાવ્યું કે, આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ ભારત દેશના ખેડૂતની હાલત ખરાબ રહી હતી. પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાણાંકીય, ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી, વ્યાજમાફી, ધિરાણ સહાય, તેમજ તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણના જેવાં પગલાઓ દ્વારા ખેડૂતની આવક બમણી થાય અને રાજ્યનો ખેડૂત આત્મનિર્ભર બને તે માટે અનેક કદમ ઉઠાવ્યાં છે.

તેમણે જણાવ્યું કે, વર્તમાન સરકારે ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વિજળી આપી છે. જેથી ખેડૂતને રાત્રીના ઉજાગરાં કરવામાંથી મુક્તિ મળશે. એક સમય એવો હતો કે, વાળું વેળાએ વીજળી મળશે કે કેમ તેના વિશે સંશય હતો. આજે રાજ્યના ગામડાઓમાં જ્યોતિગ્રામ યોજના દ્વારા 24 કલાક ગામડામાં પણ વીજળી મળે તેવું સુદ્રઢ વીજ માળખું રાજ્ય સરકારે ઉભું કર્યું છે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ 3 મહિના પહેલાં શરૂ કરેલ સાત પગલાં કૃષિ કલ્યાણના યોજનાથી રાજ્યના ખેડૂતને વાવણીથી માંડીને વેચાણ સુધીની સહાયતા અને મદદ કરી છે.

રાજ્ય સરકારે શિક્ષણ પછી સૌથી મોટું બજેટ કૃષિ માટે ફાળવ્યું છે. ઘોઘા તાલુકાના 28 ગામો પણ કિસાન સૂર્યોદય યોજનાથી જળહળાં થવાનાં છે. ખેડૂતોને 5,232 કરોડની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, 635 કરોડના ટ્રેક્ટર સહાયનો લાભ મળ્યો છે. ટેકાના ભાવમાં 200 થી 300 ટકાનો વધારો કર્યો છે અને તે દ્વારા ખેડૂતની હાલતમાં સુધારો કરીને તેને યાચકની ભૂમિકામાંથી બહાર લાવવાનું કાર્ય વર્તમાન સરકારે કર્યું છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે અનેક ખેડૂત કલ્યાણકારી યોજનાઓ થકી પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખીની ભાવના સાથે અનેક નવા આયામો શરૂ કરી જ્યાં માનવી ત્યાં સુધી સેવા અને સુવિધાનો વિસ્તાર કર્યો છે.

કલેક્ટર યોગેશ નીરગુડેએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, જગતનો તાત એવો ખેડૂત જગતનું પોષણ કરે છે ત્યારે તેને સગવડ અને સુવિધા મળે તો તેના બાવળામાં બળ આવે અને તે વધુ સારી રીતે કાર્ય કરી શકે. કિસાન સન્માન નિધિના કાર્યક્રમ દ્વારા ખેડૂતોને સાધન-સહાય મળવાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓમાંથી રાહત મળશે.

કિસાન સન્માન દિવસ  અંતર્ગત મહાનુભાવોના હસ્તે કૃષિકારોને કૃષિ કીટ, તારની વાડ, છાંયડા માટેની છત્રી, દેશી ગાય માટેની નિભાવ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લા વીજ અધિક્ષક ઇજનેર ડી.ડી.લાખાણીએ ભાવનગર જિલ્લામાં આજથી 4 સબ સ્ટેશનો ખાતે 18 ફીડરોમાં પાવર સપ્લાય ચાલુ કરવામાં આવશે. જેનાથી 35 ગામોમાં થ્રી ફેઝ વીજળી મળવાની શરૂઆત થશે. આ અગાઉ જાન્યુઆરી- 2021 થી 115 ગામોમાં થ્રી ફેઝ વીજળી આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પ્રાંત અધિકારી પુષ્પલતા,  જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન કામુબેન ચૌહાણ, ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ જાન્હવીબા ગોહીલ, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ ડાંગર, ભુપતભાઇ બારૈયા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરવિંદભાઈ ડાભી, પ્રવિણભાઈ બારૈયા સહિતના પધાધિકારીઓ-મહાનુભાવો તથા જિલ્લા વહિવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.