Abtak Media Google News

રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નવી નીતિ કરી જાહેર

જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકાની બદલે હવે 15 ટકા લેખે ચૂકવણું કરાશે

ઓનલાઇન જંત્રી દરોમાં વાર્ષિક વધુમાં વધુ 10 ટકાનો ચક્રવૃદ્ધિ વધારો ગણીને વળતરની ગણતરી કરાશે

અબતક, રાજકોટ : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો એટલે કે જમીનધારકોને નૂકશાની પેટે અપાતા વળતર અંગે નવી નીતિ જાહેર કરવામાં આવી છે.

ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને, નવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો અને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે.

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, રો કોરિડોરના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5% બદલે બમણુ એટલે કે 15% લેખે ચૂકવણું કરાશે. ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12.01.2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.

ઊર્જામંત્રીએ ઉમેર્યુ કે, જમીનના મૂલ્યના મૂલ્યાંકન માટે, જે-તે સમયના અને સ્થળના, સરકારના પ્રવર્તમાન, ઓનલાઇન જંત્રી દરોને વાર્ષિક વધુમાં વધુ 10% વધારો (ચક્રવૃદ્ધિ) ગણીને, વળતરની ગણતરી આખરી કરવાની રહેશે. આ જોગવાઇઓ નવી ટ્રાન્સમિશન લાઇન તેમજ પ્રગતિમાં હોય તેવી ટ્રાન્સમિશન લાઇનના કામ માટે લાગુ પડશે.આ સુધારાને કારણે ટ્રાન્સમિશન લાઇન નાખવાના કામમાં ઝડપ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.