જો તમારે ટોલફ્રીનો ‘લાભ’ લેવો હોય તો ફાસ્ટેગ જરૂરી

ફાસ્ટેગ હોય તો ૨૪ કલાકમાં રિટર્ન આવનાર વાહનને ડિસ્કાઉન્ટ સહિતના અપાતા લાભ

નેશનલ હાઈવેમાં ટોલગેટથી પસાર થવા માટે ફાસ્ટટેગ ફરજિયાત જેવું છે. જે લોકો ફાસ્ટટેગનો ઉપયોગ કરતા હોય તેમને કતારમાં ઉભુ રહેવું પડતું નથી. આ ઉપરાંત ફીમાં પણ કેટલાક લાભ મળતા હોય છે પરંતુ આ લાભ લેવા માટે ફાસ્ટટેગ ફરજિયાત છે. વર્તમાન સમયે જે લોકો ટોલગેટમાંથી પસાર થયા બાદ ૨૪ કલાકમાં પરત ફરે તેમને કેટલુક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. એકંદરે ટોલ ફ્રીનો લાભ લેવો હોય તો હવેથી ફાસ્ટટેગ ફરજિયાત બની ગયું છે.

સરકાર વધુને વધુ ડિજિટલાઈઝેશન તરફ જઈ રહી છે. ટોલ પ્લાઝા પણ ડિજિટલ કરવા માટે અભિયાન છેડાઈ ગયું છે. નેશનલ હાઈવેમાંથી પસાર થતા વાહનોને પ્લાઝા પર ઓનલાઈન ટેકસ ભરવાની સુવિધા અપાઈ ચૂકી છે. લાખો વાહનોએ ફાસ્ટટેગ કરાવી લીધા છે. ફાસ્ટટેગના કારણે ટોલપ્લાઝામાં કતારો લાગતી નથી અને સમય તેમજ ઈંધણની બચત થાય છે. આ ઉપરાંત ફાસ્ટટેગનો ઉપયોગ કરનારને આર્થિક લાભ થાય તે માટે પણ માર્ગ અને પરિવહન મંત્રાલયે ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. જ્યારે રિટર્ન મુસાફરી હોય ત્યારે ૨૪ કલાકમાં વાહન પરત ફરે તો તેમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અલબત ફાસ્ટટેગ હોવું જરૂરી છે.

નોંધનીય છે કે, માર્ગ અને પરિવહન મંત્રાલય ઘણા વર્ષોથી ટોલ પ્લાઝાને ડિજિટલ કરવા પ્રયાસ કરતું હતું પરંતુ ગત વર્ષે જુલાઈ માસ બાદ પરિવહન મંત્રાલયે નેશનલ હાઈવેમાં ઈલેકટ્રોનિક ટોલ કનેકશન ફરજિયાત જેવું કરી નાખતા હવે વાહન ધારકો ફાસ્ટટેગનો વધુ ઉપયોગ કરી રહ્યાં છે. હવે ડિસ્કાઉન્ટ મેળવવા માટે પણ ફાસ્ટટેગ ફરજિયાત થઈ ચૂકયું છે.