ફાસ્ટેગ સરકારના ખિસ્સામાં ફટાફટ રૂપિયા ઠાલવી દેશે!!

ફાસ્ટેગના અમલીકરણથી સરકાર રૂ.૩૦,૦૦૦ કરોડ રળી લેશે

સરકાર દિન-પ્રતિદિન દેશભરના હાઈવેને કતાર મુક્ત તેમજ ટોલ બુથ મુક્ત બનાવવા પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે સરકારે ફાસ્ટટેગ અમલી બનાવ્યું છે. ઉલ્લેખનીય બાબત છે કે, આગામી ૧લી જાન્યુઆરીના રોજથી સમગ્ર દેશમાં ફાસ્ટેગનો ફરજિયાતપણે અમલ કરવો પડશે ત્યારે સરકારના ખિસ્સા ફટાફટ ભરાઈ જાય તે બાબત હાલના તબક્કે સ્પષ્ટ થઈ છે. પ્રાપ્ત આંકડા અનુસાર ફક્ત એક જ દિવસમાં ફાસ્ટેગ મારફત સરકારની તિજોરીમાં રૂા.૮૦ કરોડ ઠલવાયા છે. ઉલ્લેખનીય બાબત છે કે, કુલ ૫૦ લાખ ટ્રાન્જેકશન ફક્ત એક જ દિવસમાં નોંધાયા છે.

દેશભરમાં હાઈવે પર ટોલબુથના કારણે વાહનોની કતારો દૂર કરવા સરકારે ફાસ્ટેગ અમલી બનાવ્યું હતું. જેનો ફરજિયાતપણે અમલ આગામી ૧લી જાન્યુઆરી ૨૦૨૧ના રોજથી થનાર છે. ત્યારે ફાસ્ટેગ એવી સીસ્ટમ છે જેમાં વાહન ચાલકોએ એડવાન્સ પેમેન્ટ કરવું પડશે તો અને તો જ તેમને ટોલબુથ ખાતેથી પસાર થવા દેવામાં આવશે. જેથી સરકારની તિજોરીમાં ફટાફટ નાણા ઠલવાઈ રહ્યાં છે. ફાસ્ટેગની અમલવારીને ફક્ત પાંચ દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે દેશભરના લોકો ફાસ્ટેગ લેવા પડાપડી કરી રહ્યાં છે. તેવા સમયે ફકત એક જ દિવસમાં ૫૦ લાખ ટ્રાન્જેકશન મારફત ૮૦ કરોડ રૂપિયા ૨૪ ડિસેમ્બરના રોજ સરકારની તિજોરીમાં ઠલવાયા છે. ફાસ્ટેગના અમલીકરણ પાછળના ઉદ્દેશ્યની જો વાત કરવામાં આવે તો ટોલબુથ ખાતે અલગ અલગ પ્રકારના હોદ્દાનો ‘મોભો’ પાડી અનેક લોકો ટોલ ટેકસ ભર્યા વગર છટકી જતા હોય છે. ઉપરાંત અનેક લોકો વહીવટદારોના નામે પણ છટકી જતા હોય છે. ત્યારે સરકારની તિજોરીમાં ટોલ ટેક્ષ મારફત થતી આવકમાં મોટી ખોટ પડતી હોય છે. જેને અટકાવવા સરકારે ફાસ્ટેગ અમલી બનાવવાનો નિર્ણય કર્યો હતો. એક અંદાજ અનુસાર ફાસ્ટેગ મારફત સરકાર રૂા.૩૦,૦૦૦ કરોડ રળી લેવા તત્પર છે.

ફકત એક જ દિવસમાં રૂા.૮૦ કરોડની આવક થતાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ નિવેદનમાં જણાવ્યું છે કે, ગત તા.૨૪ ડિસેમ્બરના ૨૦૨૦ ના રોજ એક જ દિવસમાં ફાસ્ટેગ મારફત થતાં કલેકશનનો આંકડો રૂા.૮૦ કરોડને આંબ્યો હતો. જેમાં ૫૦ લાખ ફાસ્ટેગ ટ્રાન્જેકશનનો સમાવેશ થાય છે. જે ઐતિહાસિક બાબત છે. હાઈવે ઓથોરીટીએ વધુમાં કહ્યું હતું કે, ૧લી જાન્યુઆરી ૨૦૨૧થી હાઈવે પર વાહન ચલાવવા ફાસ્ટેગ ફરજિયાત બની રહ્યું છે. ત્યારે હાઈવે ઓથોરીટીએ તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. દેશભરના ટોલ પ્લાઝાને ફાસ્ટેગની સવલતથી સજ્જ પણ કરી દેવામાં આવી છે. ફાસ્ટેગના અમલીકરણથી દેશભરના વાહન ચાલકો કે જેઓ હાઈવે પર સફર કરતા હોય છે તેમને ખુબ મોટી રાહત થશે. ટોલ પ્લાઝા ખાતે કતારમાં ઉભા રહેવાની ઝંઝટ દૂર થતાં વાહન ચાલકોનો સમય તેમજ ઈંધણ બન્નેની બચત થશે. તેમણે ઉમેર્યું હતું કે, સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલમાં નવી જોગવાઈ ડિજીટલ ટ્રાન્જેકશનને વેગવંતુ બનાવશે.

દેશભરમાં ૩૦,૦૦૦ કેન્દ્ર ખાતે ફાસ્ટેગ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમજ દેશભરના તમામ નેશનલ હાઈવે ઓથોરીટી સંચાલીત ટોલ પ્લાઝા ખાતે પણ ફાસ્ટેગની સવલત ઉભી કરી દેવામાં આવી છે. ઉપરાંત ઈ-કોમર્સ પ્લેટફોર્મ જેવા કે એમેઝોન, ફલીપકાર્ટ અને સ્નેપડીલ ખાતેથી પણ લોકો ફાસ્ટેગ સરળતાથી મેળવી શકશે.