Abtak Media Google News

ફક્ત ત્રણ વર્ષમાં કેસોના ભરાવામાં ૪૦%નો ઉછાળો : પેન્ડન્સી ૧૫ લાખને આંબી ગઈ 

મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને વિકલાંગોના લાંબા સમયથી પડતર કેસોના ઝડપી નિકાલના હેતુસર સ્થપાયેલી ફાસ્ટ-ટ્રેક અદાલતો સામાન્ય અદાલતોમાં પણ કેસોનો ભરાવો થયો છે. છેલ્લા ત્રણમાં પેન્ડન્સીમાં ૪૦%નો વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં ફાસ્ટટ્રેક કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૧૦.૭ લાખ હતી જે હાલ વધીને ૧૫ લાખને આંબી ગઈ છે.

શરીર સંબંધી ગુન્હાઓ, દુષ્કર્મ, પોક્સો કેસના ઝડપી સુનાવણીના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. દુષ્કર્મ સહિતની ક્રૂર ઘટનાના પીડિતોને ઝડપથી ન્યાય મળે તેવા ઉદ્દેશ્ય સાથે શરૂ કરાયેલી સ્પેશ્યલ અદાલતમાં કેસોનો ભરાવો થતા ફાસ્ટટ્રેક કોર્ટ કે ‘સ્લોટ્રેક’ તેવો પણ સવાલ ઉઠે છે.

જો કે આ સમયગાળા દરમિયાન ફાસ્ટટ્રેક કોર્ટ દ્વારા ૧.૪૪ લાખ કેસોમાં ન્યાય આપવામાં આવ્યો છે જ્યારે નવા ૧,૯૮,૫૬૩ નવા કેસોનો ઉમેરો પણ થયો છે.

રાજ્યો મુખ્યત્વે ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના માટે જવાબદાર છે, જે બળાત્કારના કેસો અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા બાળકો સામેના કેસ માટે ફાસ્ટ-ટ્રેક સ્પેશિયલ કોર્ટની કેન્દ્રીય પ્રાયોજિત યોજના ઉપરાંત છે. આ ફાસ્ટટ્રેક કોર્ટમાં બળાત્કાર અને પોક્સોના કેસોની પેન્ડન્સી ચિંતાજનક રીતે ઊંચી જઈ રહી છે.

કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગયા અઠવાડિયે સંસદમાં રજૂ કરેલી માહિતી અનુસાર ૨૮ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૪૧૧ વિશિષ્ટ પોક્સો કોર્ટ સહિત ૭૬૪ ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત છે.

વર્ષ ૨૦૧૫-૨૦ દરમિયાન ૧૪મા નાણાપંચની ભલામણ મુજબ રાજ્યો દ્વારા લગભગ ૧૮૦૦ ફાસ્ટટ્રેક કોર્ટની સ્થાપના કરવાની યોજના હતી, જેમાં પાંચ વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ મિલકત સંબંધિત કેસોનો સમાવેશ થાય છે.  હાલમાં ૩૧ જાન્યુઆરી સુધીમાં સમગ્ર દેશમાં ૮૪૩ ફાસ્ટટ્રેક કોર્ટ કાર્યરત છે.

વર્ષ ૨૦૧૮માં નિર્ભયા પ્રકરણ અને ફોજદારી કાયદો સુધારો અધિનિયમ પછી, કેન્દ્ર સરકારે બળાત્કાર અને પોક્સો એક્ટ સંબંધિત કેસોના ઝડપી નિકાલ માટે ૩૮૯ વિશિષ્ટ પોક્સો કોર્ટ સહિત ૧૦૨૩ ફાસ્ટટ્રેક કોર્ટ સ્થાપવા માટે કેન્દ્રિય પ્રાયોજિત યોજના અમલમાં મૂકવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. શરૂઆતમાં ૨૦૨૧ સુધીના એક વર્ષના સમયગાળા માટે યોજનાને હવે આ વર્ષે માર્ચ સુધી લંબાવવામાં આવી છે, જેમાં પ્રોજેક્ટની કુલ કિંમત રૂ. ૭૬૭ કરોડ અંદાજવામાં આવી છે, જેમાંથી રૂ. ૪૭૪ કરોડ નિર્ભયા ફંડમાંથી ભંડોળ પૂરું પાડવા માટે કેન્દ્રીય હિસ્સો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.