મારી જિંદગીનું કંઈ નક્કી નહીં તેમ કહી પુત્રીને પરણાવી દીધાના એક માસ બાદ પિતાનો આપઘાત

ગોંડલના મોવિયાનો બનાવ એકલવાયા જીવનથી કંટાળી યુવાને આત્મઘાતી પગલું ભર્યાનું ખુલ્યું

અબતક, જીતેન્દ્ર આચાર્ય,ગોંડલ

ગોંડલના મોવિયા ગામે રહેતા યુવકે ’મારી જિંદગીનું કાંઈ નક્કી નહીં’ તેમ કહી પુત્રીને પરણાવી દીધાના એક માસ બાદ ઝેરી દવા પી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી સાથે કરૂૂણ કલ્પાંત સર્જાયો છે યુવાને પત્નીના મોત બાદ પુત્રીને પણ સાસરીયે વળાવી દેતા એકલવાયા જીવનથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા મુકેશભાઈ શાંતિલાલ ગોંડલીયા નામના 35 વર્ષનો યુવાને ગત તા.25 ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરે હતો ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો યુવાનને ઝેરી અસર થતાં તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. યુવકની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ યુવાને ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મુકેશભાઈ ગોંડલીયાને સંતાનમાં એક પુત્રી છે દસ વર્ષ પહેલા પત્નીનું મૃત્યુ થયું હતું પુત્રી રિદ્ધિને મારી જિંદગીનું કાંઈ નક્કી નથી તેમ કહી એક માસ પૂર્વે જ પુત્રીના રાજકોટ ખાતે લગ્ન કર્યા હતા પત્નીના મોત બાદ પુત્રીને પણ સાસરિયે વળાવી દેતા એકલવાયા જીવનથી કંટાળી મુકેશભાઈ ગોંડલીયાએ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.