‘તને સામાન નથી ભરવા દેવો પહેલા ઉપાડના પૈસા પાછા લાવ’ કહી ત્રણ શખ્સોનો પિતા-પુત્ર પર હુમલો

 

લોધીકાના પાળપીપડીયા ગામે સેન્ટીંગનું કામ કરતાં પિતા-પુત્રને લોખંડના સળીયાથી માર માર્યો

 

અબતક, રાજકોટ

લોધીકાના પારપીપડીયા ગામે આદર્શ સોસાયટીમાં સેન્ટીનું કામ કરતા અમરેલીના પિતા-પુત્ર પર ‘તને સામાન નથી ભરવા દેવો ઉપાડના પૈસા પાછા લાવ’ કહી ત્રણ શખ્સોએ ગાળો ભાંડી લોખંડના સળીયાથી માર મારતા બન્નેને ઇજા પહોચતા તેને સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને ફરીયાદ પરથી ત્રણ શખ્સો વિરુઘ્ધ મારામારીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

અમરેલીના લાઠી ગામે રહેતાં રમેશભાઇ અરજણભાઇ મેવાડાએ લોધીકા પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ તેના બન્ને પુત્ર વિક્રમ તથા દીલીપ સાથે લોધીકાના પાળપીપળીયા ગામે આદર્શ સોસાયટીમાં  ગોપાલ વાછાણીનાં ઘરે સેન્ટીંગનું કામ કરી રહ્યા હતા. અને કામ પુર્ણ થતાં સેન્ટીંગનો સામાન બોલેરોમાં ભરાવી રહ્યા હતા. ત્યારે ગોપાલ વાછાણીનો પુત્ર રવિ વાછાણી દીલીપ પાસે આવી અને ‘તને સામાન ભરવા નથી દેવો ઉપાડનાં પૈસા પાછા લાવ’ કહી ઉશ્કેરાઇને ઝઘડો કરી ફરીયાદી રમેશભાઇ અને તેના પુત્ર દીલીપને ગોપાલ વાછાણી તેના પુત્ર રવિ વાછાણી અને તેનાં વેવાઇ ચેતનભાઇએ લોખંડના સળીયા વડે પિતા-પુત્રને માર મારતા બન્નેને ઇજા થતાં તેમને તાત્કાલીક સારવાર અર્થે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે રમેશભાઇની ફરીયાદ પરથી ગોપાલ વાછાણી, રવિ વાછાણી અને ચેતન સામે મારામારીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.