ઉપલેટામાં પિતા-પુત્રનો ભોગ લેનાર વિસ્ફોટનો ભેદ ઉકેલાયો: ચાર સકંજામાં

ઢોર ચરાવવા ગયેલા માલધારીએ રોકેટ ભંગારમાં વેચી દીધાતા

ભંગારના બે ફેરીયાઓએ વિસ્ફોટનો સામાન ભાટીયાના વેપારીને વેચ્યો તો: ત્યાંથી ઉપલેટા પહોચ્યો તો

શહેરના કટલેરી બજારમાં પાંચ દિવસ પહેલા ભંગારના ડેલામાં વિસ્ફોટ થતા પિતા-પુત્રના ભોગ લેવાયા હતા. આ ઘટનામાં પોલીસે ઉપલેટા અને ભાટીયાના વેપારીની રિમાન્ડ પર લઇ આગવી ઢબે પુછપરછ કરતા વધુ ચાર લોકોને દબોચી લઇ પોલીસ વિસ્ફોટના મુળ સુધી પહોચવામાં સફળ થઇ છે. બન્ને વેપારીઓને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે વધુ રિમાન્ડના મંજુર કરી જેલ હવાલે કર્યા હતા.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં આર્મી ફાયરીંગ બર્થની પ્રતિબંધીત વસ્તુને તોડવા જતાં ભંગારમાં કામ કરતા રજાક કાણા અને રહીશ રજાક કાણા પિતા-પુત્રના ભોગ લેવાયા હતાં. આ ઘટનામાં પોલીસે ભંગારના ડેલાના વેપારી તોફીક ડોશાણી અને ભાટીયાના વેપારી મોહન જાદવની ધરપકડ કરી રિમાન્ડ પર લેતા ભાટીયાના વેપારી મોહન જાદવે આ પ્રતિબંધિત બે રોકેટ ભાટીયામાં ભંગારના ફેરા  કરતા મહેશ ઉર્ફે જાડીયો મોહન રાઠોડ પાસેથી ભંગારમાં આવેલી હતી.

પોલીસે બન્ને રેંકડી ધારકોને રિમાન્ડ પર લેતા તેને આ રોકેટ દ્વારકા તાલુકાના સુરંગ ગામના મનુભા ધનભા કેર અને તેજા પાલા મુન પાસેથી લીધી હોવાની કબુલાત આપતા પોલીસે સુરંગ ગામના બન્ને શખ્સોની પુછપરછ કરતાં તેઓ પોતાના ગામની સુરંગથી એક કી.મી. આગળ આવેલી આર્મીના ફાયરીંગ બર્ટ પાસે ઢોર ચરાવા ગયા હતા ત્યાંથી મળી આવતા તેઓએ આ બન્ને પ્રતિબંધીત રોકેટ ફેરીયાને ભંગારમાં વેચી નાખી હતી. ત્યાંથી ઉપલેટા કે.જી. એન. મેટલના ભંગારના ડેલામાં  પ્રતિબંધિત માલ પહોચ્યો હતો.

તેમાંથી એક રોકેટનો બ્લાટ થતા પિતા-પુત્રનો ભોગ લીધો હતો. જયારે બીજી રોકેટ પોલીસે કબ્જે લઇ ડિસફયુઝ કરેલ હતી. આ ઘટનામાં પોલીસે ઉપલેટા અને ભાટીયાના ભંગારના વેપારી સહિત 6 શખ્સોને ઝડપી લઇ તમામને આજે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તમામને જેલ હવાલે કરેલા હતા.

ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે ભંગાર વેપારી પાસે નિયમો અમલ કરાવવામાં આવશે

નિર્દોષ પિતા-પુત્રનો ભોગ લેનાર વિસ્ફોટ ભવિષ્યમાં ન બને તે માટે ભંગારના વેપાર કરતા વેપારી સામે આકરા નિયમો બનાવી તેનો ચુસ્તપણે પાલન તંત્ર દ્વારા કરાવવું જોઇએ.