Abtak Media Google News

મનુષ્ય નહીં સમજે તો ગરમી, ઠંડી અને વરસાદ સોંથ બોલાવી દેશે

રાજકોટ-જામનગરમાં ઝાકળ સાથે વરસાદી છાટા: કચ્છમાં કરા પડ્યા: માંડવી, બનાસકાંઠા, પાલનપુર અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ

જીરૂ, ઇસબગુલ, વરીયાળી, ઘઉં, રાયડો, એરંડા અને ચણા સહિતના પાકોમાં માવઠાથી નુકશાન થવાની ભીતિ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 80 હજાર ગુણી પર તાલપત્રી પાથરી સુરક્ષિત કરાઈ

મનુષ્ય નહીં સમજે તો ગરમી, ઠંડી અને વરસાદ પાકનો સોથ બોલાવી દેશે તે નક્કી જ છે. ગ્લોબલ વોર્મિગની અસર તળે હવે વરસાદની પેટર્ન પણ જાણે બદલાઈ ગઇ હોય તેમ ગમે ત્યારે વર્ષા થઈ રહી છે. વાતાવરણ ઝાકળમાંથી વરસાદમાં પલટાતા પાકને ભંયકર નુકશાન થવાની દહેશત છે. ગઇકાલ રાતથી જ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો.

જેને પગલે ઉત્તર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં માવઠા પડ્યા હતા અને સૌરાષ્ટ્રમાં સવારથી જ ક્યાંક ધુમ્મસ તો ક્યાંક છાટા જોવા મળ્યા હતા. રાજકોટમાં ગઈકાલે રાતે 10 વાગ્યાથી વરસાદી છાટા જોવા મળ્યા હતા અને આજે વહેલી સવારથી જ ઝાકળ સાથે વર્ષાનો નજારો જોવા મળ્યો હતો. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકમાં નુકશાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

રાજકોટના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન ખાતા દ્વારા આગાહી, પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યા હતા. ખેડૂતોમાં ચિંતાફેલાઇ ગઇ હતી, સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ઠંડો પવન ફૂંકાવાની સાથે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ ગયું હતું અને છ વાગે વરસાદી છાંટા પડ્યા હતા. શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે. જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ઠંડો પવન ફૂંકાતાં ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો.

કમોસમી વરસાદને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડિયા પાકોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

વરસાદની સાથે-સાથે ફરી એકવાર ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય ધૂમ્મસવાળું હવામાન રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. આજના તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નથી નોંધાયો. સૌથી નીચું ઘણા શહેરોનું તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે.

સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અનેન કચ્છ સહિત દાહોદ, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લીમાં વરસાદ થવાની આગાહી સાચી ઠરી હતી અને 1 ઈંચથી લઈને 1 મીમી સુધીનો વરસાદ નોંધાયો હતો. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા હળવો કમોસમી વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

ચાલુ વર્ષે કમોસમી વરસાદ રાજ્યનો પીછો નથી છોડી રહ્યો, આ અગાઉ પાછલા બે મહિનાઓમાં પણ સાઈક્લોનિક સર્ક્યુલેશનના લીધે હવામાનમાં પલ્ટો આવ્યો હતો અને રાજ્યના સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ નોંધાયો હતો.આવતીકાલથી રાજ્યમાં હવામાન સાફ રહેવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.

ખેતરમાં ઊભા પાક દિવેલા, કપાસ, રાઈ, વરિયાળી, જીરું, ચણા સહિતના પાકોની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. એની સાથે ખેડૂતો દ્વારા કાપણી કરેલી શાકભાજી પાક ભીંજાય નહિ એ માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મૂકવા જો કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલા પાણીનો સત્વર નિકાલ કરવો તથા આગાહીને ધ્યાનમાં રાખી અગમ ચેતીનાં પગલાં ખેડૂતોએ ભરવા, એવી ખેતીવાડી વિભાગ દ્વારા સલાહ અપાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.