માર્ચથી ફરી કોરોના બેફામ થવાની દહેશત: ડોર ટુ ડોર સર્વે શરૂ

બહારગામથી રાજકોટ આવતા લોકોના સ્ક્રીનીંગ માટે ત્રણ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરાયા જરૂર પડશે તો ફરી શહેરના મુખ્ય વિસ્તારોમાં ટેસ્ટીંગ બુથ ઉભા કરવાની કોર્પોરેશનની તૈયારી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે રાજ્યભરમાં કોરોનાએ ફરી માથુ ઉંચકયું છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના બેકાબુ બની ગયો છે. દરમિયાન હાલ મુંબઈમાં લગ્નગાળાની સીઝન ચાલુ હોય રાજકોટ સહિત રાજ્યભરમાંથી અનેક ગુજરાતીઓ મુંબઈ અવર-જવર કરી રહ્યાં છે. જેના કારણે આગામી માર્ચ માસમાં શહેરમાં ફરી કોરોના બેકાબુ બને તેવી દહેશત ઉભી થવા પામી છે. તકેદારીના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. બહારગામથી રાજકોટમાં આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા માટે બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જરૂર જણાશે તો શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરી ટેસ્ટીંગ બુથ કાર્યરત કરવામાં આવશે.

કોર્પોરેશનની ચૂંટણીના કારણે કોરોનાની ગાઈડ લાઈનનો મોટાપાયે ભંગ થયો છે. જેના કારણે શહેરમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ જવા પામી છે. છેલ્લા આઠ દિવસથી સતત એકધારા કેસ વધી રહ્યાં હોય આવામાં તકેદારીના ભાગરૂપે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ગઈકાલે એરપોર્ટ, બસ પોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં શંકાસ્પદ જણાય તે લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ૬૦૦થી વધુ કર્મચારીઓ દ્વારા ગઈકાલ સવારથી ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જે એક સપ્તાહ સુધી ચાલશે જેમાં તાવ, શરદી, ઉધરસ, કફ કે ગળામાં દુ:ખાવા જેવા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોને શોધી તેના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. હાલ શહેરમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સને વેકસીન આપવાની કામગીરી ચાલી રહી છે.

આગામી માર્ચથી ૫૦ વર્ષથી ઉપરના લોકોને અને બિમારી ધરાવતા લોકોને વેકસીન આપવાનું શરૂ કરવામાં આવશે. શહેરમાં ૧,૭૯,૮૩૯ લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જેની ઉંમર ૫૦ વર્ષથી ઉપરની છે. જ્યારે અસાધ્ય બિમારી ધરાવતા ૨૨૨૮ લોકોની નામાંવલી હાલ કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે. સરકાર દ્વારા એક પત્રથી જાણ કરી દેવામાં આવી છે કે, જે ફ્રન્ટ લાઈન વોરીયર્સને ૩૧મી જાન્યુઆરીના રોજ કોરોનાની વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે તેને આગામી પહેલી માર્ચથી બીજો ડોઝ આપવાનું શરૂ કરી દેવામાં આવે. સીનીયર સીટીઝન અને બિમાર લોકોને માર્ચ માસથી કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. જેની તૈયારી શરૂ કરી દેવા પણ તાકીદ કરાઈ છે.

દરમિયાન આજે સાંજે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરની મહાપાલિકા સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજાશે. જેમાં સીનીયર સીટીઝનોને ક્યાંરથી વેકસીન આપવાની શરૂ કરવી તેની તારીખ જાહેર કરવામાં આવશે.

હાલ મહાપાલિકા દ્વારા ડોર ટુ ડોર સર્વેનો સાતમો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે જે સાત દિવસમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ગઈકાલે શહેરમાં કોરોનાના ૪૬ કેસો મળી આવ્યા હતા.

દરમિયાન આજે બપોર સુધીમાં વધુ ૧૬ કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં કોરોનાનું કુલ ૧૫૯૯૭ કેસ નોંધાયા છે. જે પૈકી ૧૫૬૮૬ લોકો કોરોનાને મહાત આપવામાં સફળ રહ્યાં છે અને રીકવરી રેટ ૯૮.૧૫ ટકા છે.