ઉદ્યોગોની પરિસ્થિતિ ભયંકર બનવાની દહેશત: ફરી મજૂરોની હિજરત થશે?

મોટી ફેકટરીઓમાં હજારોની સંખ્યામાં શ્રમિકો વસવાટ કરતા હોય ત્યાં સંક્રમણનું મોટું જોખમ 

કોરોનાના બીજા કાળમાં ઉદ્યોગોની પરિસ્થિતિ ફરી ભયંકર બનવાની દહેશત સેવાઈ રહી છે. જો કે, હાલ સુધી ઉદ્યોગો કોરોનાના સંક્રમણની ઝપટે આવ્યા ન હોય હાલ સ્થિતિ કાબુમાં હોવાનું જણાય રહ્યું છે પણ ફેકટરીઓમાં હજારોની સંખ્યામાં શ્રમિકો વસવાટ કરતા હોય ત્યાં કોરોનાના સંક્રમણનું જોખમ સૌથી વધુ રહેલું છે. હાલ એ વાત પર પણ પ્રશ્ર્નાર્થ સર્જાય છે કે, શું ફરી મજૂરોની હિજરત શરૂ થઈ જશે. જો હિજરત શરૂ થશે તો ફરી અંધાધૂંધી જેવો માહોલ સર્જાઈ શકે છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં રાજકોટ અને મોરબી સૌરાષ્ટ્રના ઈન્ડસ્ટ્રી હબ માનવામાં આવે છે. આ બે જિલ્લામાં કોરોનાનો આતંક સૌથી વધુ છે. રાજકોટમાં પણ મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવેલા છે. ઉપરાંત મોરબી તો સિરામીક સિટી તરીકે ઓળખાય છે. અહીં ક્લોક, સિરામીક ટાઈલ્સ, પેકેજીંગ સહિતના ઉદ્યોગો છે. જિલ્લામાં કુલ 3 હજાર જેટલી ફેકટરીઓ આવેલી છે. જો આ બન્ને જિલ્લાઓમાં ફેકટીઓમાં સંક્રમણ ફેલાવવાનું શરૂ થયું તો તે કોઈ કાળે અટકવાનું નામ લેશે નહીં.

રાજકોટ અને મોરબીમાં કોરોનાના કેસો દરરોજ નવો વિક્રમ સર્જી રહ્યાં છે. તેવામાં ઉદ્યોગોની પરિસ્થિતિ ભયંકર બનવાની દહેશત સેવાઈ રહી છે. મોટા ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં શ્રમિકો વસવાટ કરતા હોય જો ત્યાં સંક્રમણની ચેઈન શરૂ થઈ તો તે ઉદ્યોગોનું ધનોત-પનોત કાઢી નાખશે તે નક્કી છે. આ ઉપરાંત હાલ સ્વૈચ્છીક લોકડાઉનનો દૌર પણ ચાલી રહ્યો છે તેવામાં વેપાર-ધંધાઓ સ્વયંભૂ બંધ થઈ રહ્યાં છે. જેના કારણે ઉદ્યોગોના ઉત્પાદનમાં ઘટાડો પણ નોંધાયો છે.

બીજી તરફ શ્રમિકોની હિજરતનું જોખમ પણ વધી રહ્યું છે. જો શ્રમિકોમાં સંક્રમણ ફેલાવાનું શરૂ થયું તો શ્રમિકો હિજરત પર ઉતરી આવશે અને જો હિજરત શરૂ થઈ તો ફરી કોરોનાના પ્રથમ કાળ જેવી અંધાધૂંધી શરૂ થશે અને અનેકવિધ પ્રશ્ર્નો સર્જાવાનું શરૂ થશે. માટે હાલ તંત્રએ ઉદ્યોગો ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી છે. ઉદ્યોગોની સ્થિતિ સારી રહે તે માટે જરૂરી પગલાઓ લેવાની તંત્રએ કાર્યવાહી કરવી જોઈએ.

જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે. ખાસકરીને આજે સૌરાષ્ટ્રમાં એક હજાર જેટલા કોરોનાના કેસો આવ્યા છે. જેથી અંધાધૂંધી મચી ગઇ છે. જો કે સૌરાષ્ટ્રમાં જે મહાનગરપાલિકા છે ત્યાં વધુ કેસો જોવા મળ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં જ પર0 કેસ નોંધાયા છે અને 30 થી વધુનાં મોત નિપજયા છે ત્યારે હવે ડર એ છે કે જો શ્રમિકોમાં સંક્રમણ ફેલાવાનું શરૂ થશે તો આ કેસો હજુપણ વધતા જ જશે. એટલે તંત્ર દ્વારા ત્વરીત જ કોઇ પગલાં લેવા અનિવાર્ય છે. કોરોનાના વધતા કેસોની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવ સહિતનાઓ રાજકોટ અને મોરબીની મુલાકાતે આવનાર છે અને જયાં શ્રમિકો વસવાટ કરતા હોય ત્યાં સંક્રમણનું મોટું જોખમ હોય તેની પણ સમીક્ષા કરવામાં આવશે. રાજકોટમાં મેટોડા જીઆઇડીસી, આઇજી જીઆઇડીસી તેમજ શહેરમાં અનેક એવા વિસ્તારો છે કે જયાં શ્રમિકો મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે અને હવે આ શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની તકેદારી અત્યારથી જ તંત્રએ રાખવાની જરૂર છે. જો શ્રમિકોમાં આ સંક્રમણ ફેલાશે તો પ00ની બદલે દરરોજના 1000થી વધુ કેસ નોંધાશે જે સમાજ માટે ચિંતાજનક આંકડો છે.