Abtak Media Google News

અઢાર સો પાદરના ધણી ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે. તે વખતે તેમને અન્નદાતા –  જય માતાજી એવા શબ્દો કાનમાં અથડાયા. મહારાજા પાછું ફરી જુવે તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો.

શું નામ છે તારું? રાજાએ પુછ્યું.

મુબારક, અન્નદાતા યુવાને જવાબ આપ્યો.

ફરી મહારાજાએ પૂછ્યું, કે ભાવનગર માટે કામ કરીશ ?

જરૂર મહારાજ, કેમ નહી!

તેમને નિલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી. ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઇને તેમને નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોપવામાં આવી. રાજખજાનામાં મહારાણીના મોંઘા ઘરેણાં પણ રહેતા. મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એજ પટારાઓ ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે, આ નિત્યક્રમ હતો, આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો.

એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો, મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ. મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં. થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી. કારણ પૂછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી. ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો. નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકએ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું. ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો, પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા “આણ”થી બેચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમાલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાતાલાને એક જ અરજ કરી કે “જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો ક્યાં તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજે ને ક્યાં તો મને મારા શરીરથી જીવને “બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો.

કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે. “સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય” એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતો. તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો.

રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી. બંનેને ખુબ પસ્તાવો થયો કે “મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્શાનનો આત્મો દુભાવ્યો “સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મો દુભાયો હોય તો માફી માગી.

હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકના જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ “આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે “હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી” બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી. ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી” ચોકીદાર” તરીકે નોકરીએ રહેવા સહમત થયો. વર્ષો સુધી મુબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો રહ્યો. મુબારકની ઈમાનદારી – વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ શક ન કરી શકે એવી છાપ અને ધાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી.

વર્ષો બાદ એક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે “નિલમબાગ પેલેસનો ચોકીદાર “મુબારક” આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે. મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા. પોતાના સેવકોને આદેશ કર્યો કે “મુબારક” નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે.

મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતાં મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવા માણસોને મોકલ્યા ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુબારકના પરિવાર પાસે પૈસા નથી. ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે “નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ” જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે “ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવે” અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો.

નીલમબાગના ચોકીદાર “મુબારક” નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પુરી પણ કરી કે “મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ “ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી. આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં “મુબારક” ની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે “ધ લોક ઓફ નિલમબાગ”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.