Abtak Media Google News

જામનગરના અલગ-અલગ વિસ્તારમાં સડકછાપ લૂખ્ખાઓના આતંકથી પ્રજા ત્રાહિ-ત્રાહિ પોકારી રહી છે, માસૂમ બાળાઓથી માંડીને પરિણીતાઓની પણ નિર્લજ્જતાથી છેડતી કરતાં આ લૂખ્ખાઓ પૈસા પડાવવાથી માંડીને અનેક પ્રકારના ગુનાઓને બેખૌફ રીતે અંજામ આપી રહ્યાં છે. જાણે કે, કહેવાતા ઝાંબાઝ પોલીસ અધિકારીને પડકાર ન ફેંકતા હોય!

થોડાં જ સમય પહેલાં દીવલા ડોને પોતાના લખ્ખણ ઝળકાવ્યા હતાં અને મહિલા સહિતનાઓ ઉપર હિચકારો હુમલો કર્યો હતો. પટેલ કોલોની જેવા પોશ વિસ્તારથી માંડીને ગાંધીનગર અને રામેશ્ર્વરનગર સહિતના વિસ્તારમાં આવા લૂખ્ખાઓનો આતંક કોઈ નવી વાત નથી ત્યારે લૂખ્ખા દિવલા સામે પાસા સહિતના પગલા ભરવામાં આવ્યા છે. પરંતુ પોલીસ દ્વારા લુખ્ખાઓને જે નસીહત આપવાની હોય છે તે નસીહત ન આપવામાં આવતા ફરી મુકત થઇ દિવલો એ જ ગુન્હીત પ્રવૃત્તિઓમાં રત બની જતા આ વિસ્તારના નાગરિકોમાં ભયનું મોજુ ઉભુ થાય છે.

વધુમાં અહીં બાઇકર્સ ગેંગનો પણ ખૂબ જ ત્રાસ છે. સાંજ પડતા જ આ વિસ્તારના માર્ગ બાઇકર્સ ગેંગથી ધમધમી ઉઠે છે. પોલીસની મીઠી નજર હેઠળ આવુ ન બનતુ હોય તો બાઇકર્સ ગેંગનો ત્રાસ ખતમ થઇ જવો જોઇએ પરંતુ દિવસે ને દિવસે આ લુખ્ખા શખ્સોનો ત્રાસ પ્રબળ બનતા પોલીસની કાર્યવાહી સામે પણ શંકાઓ સેવાઇ રહી છે. પી.એન.માર્ગ અને તેની આજુબાજુના વિસ્તારમાં આ બાઇકર્સ ગેંગ દ્વારા જાણી જોઇને અકસ્માત નિપજાવવામાં આવે છે ત્યારબાદ સામે વાળા વાહન ચાલકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો શરૂ થાય છે. ગાડીમાં નુકશાની, પોલીસમાં ફરિયાદ અને મેડીકલ સારવારના નામે સીધા સાદા વાહન ચાલક પાસેથી આ ગેંગ દ્વારા એનકેન પ્રકારે નાણા પડાવી લેવામાં આવે છે.

સામાન્ય નાગરિકો પોલીસમાં પડવાના બદલે સ્થળ પર જ પૈસા આપી પ્રકરણને પુરૂ કરતા હોય તેવી પણ અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની છે. એક-બે ઘટનાઓ બાદ આ લુખ્ખા શખ્સોનો જાણે ધંધો બની ગયો હોય તેમ છાશવારે અકસ્માત નિપજાવી પૈસા પડાવી લેતા હોવાની ચર્ચાઓ આમ બની છે.

એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં પણ રાત પડતા જ લુખ્ખાઓ બેફામ બનતા હોવાની અવાર-નવાર ફરિયાદો ઉઠવા પામી છે. જો કે, પોલીસ ખાતાને આ લૂખ્ખા તત્વોથી જાણે બીક લાગે છે કે, શરમ આવે છે? એ જ સમજાતું નહીં હોવાનું શહેરના લોકો ચર્ચી રહ્યાં છે.

અત્રેએ ઉલ્લેખનિય છે કે, લૂખ્ખાવાદના અહેવાલો સંવેદનશીલ મુખ્યમંત્રી સુધી જે તે વખતે પહોંચાડાયા છે. જો કે, ઉપલા લેવલેથી આવા સડકછાપ લૂખ્ખાઓ પ્રત્યે થોડી અસંવેદનશીલતા દાખવવી જરૂરી છે અને નિર્દોષ અને ગભરૂ પ્રજાને આવા ગુંડાઓના ત્રાસથી છોડાવવા લોક માંગણી ઉઠવા પામી છે. કહેવાતા ઝાંબાઝ અધિકારીએ થોડી આળસ ખંખેરી આ પ્રકારના છાનગપતિયા કરનારાઓ ઉપર પણ ધ્યાન આપવાની જરૂર હોવાનું ચૌરને ચૌટે ચર્ચાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.