ચાલુ વર્ષે ફી ઘટાડો નહીં કરાય: રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

શાળા ઓફલાઈન શરૂ થતાંની સાથે જ ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે ત્યારે વાલીઓ દ્વારા ફરી વખત ફીમાં 25 ટકા માફીની માંગ કરવામાં આવી છે. તો બીજી બાજુ સંચાલકો દ્વારા 10 ટકા ફીમાં વધારો કરવા માંગ કરવામાં આવી હતી. જો કે આજે ન્યુએરા સ્કૂલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ચાલુ વર્ષે ફી ઘટાડો કરવામાં નહીં આવે કેમ કે બીજી લહેર દરમિયાન મોટુ લોકડાઉન આવ્યું નથી.

તો આ વર્ષે ફી માફીની જરૂરીયાત નથી પણ હા જે વિદ્યાર્થીઓએ કોરોના દરમિયાન માતા-પિતા કે, ઘરના કમાનાર સભ્ય ગુમાવ્યા હશે તેને નિ:શુલ્ક શિક્ષણ આપવામાં આવશે. જિલ્લામાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓ કે જેના માતા-પિતા કોરોનાથી મૃત્યુ પામ્યા છે તેને ફ્રી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

જો કે ચાલુ વર્ષે એક પણ પ્રકારનો ફીમાં ઘટાડો કરવામાં નહીં આવે તેમ રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, બાળકોનું શિક્ષણ મહત્વનું છે, ઓફલાઈન કે ઓનલાઈન માટે અમે ઓફલાઈનની સાથો સાથ ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ રાખશું જેથી કરીને જે વાલીઓ હાલમાં સહમતી નથી આપી તેના બાળકોને પણ યોગ્ય શિક્ષણ મળી રહે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ જણાવ્યું કે, ધો.12 પછી ધો.9 થી 11ના વર્ગોને ઓફલાઈન શિક્ષણ માટે મંજૂરી મળી છે માટે અમે સરકારનો આભાર માનીએ છીએ.

સાથો સાથ દરેક સંચાલક પોતાના સ્ટાફને વેક્સિનેટેડ કરી દે તે જરૂરી છે. જે સ્ટાફે હજુ વેક્સિન ન લીધી હોય તેને ત્વરીત વેક્સિન લેવા સુચના આપવામાં આવી છે અને આગામી દિવસોમાં હવે ધો.6 થી 8ની પણ સ્કૂલો શરૂ થાય તેવી અમને આશા છે.