Abtak Media Google News

છેલ્લા દિવસે રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચારમાં લગાવાતું એડીચોટીનું જોર: સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર

આવતીકાલે લોકશાહીનું મહાપર્વ છે. સૌરાષ્ટ્ર- કચ્છની 54 સહિત 89 બેઠકો માટે કાલે મતદાન યોજાનાર છે. જેમાં 2.39 કરોડ મતદારો 788 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. આજે છેલ્લો દિવસ હોય રાજકીય પક્ષો દ્વારા ડોર ટુ ડોર પ્રચારમાં એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ સમગ્ર તંત્ર એલર્ટ મોડ ઉપર છે.

વિધાનસભાની ચૂંટણીની હવે છેલ્લી કલાકો ગણાય રહી છે. રાજકીય પક્ષો માટે ગઈકાલે મંગળવાર સાંજથી પ્રચાર પડઘમ શાંત થયા છે. તો બીજી તરફ વહીવટી તંત્ર માટે આગામી 24 કલાકનો સમય ખૂબ જ મહત્ત્વનો છે. તેમાં પણ કાયદો-વ્યવસ્થા જાળવવાનો મદાર જેના ઉપર છે, તે પોલીસ તંત્રને આ સમય પડકારદાયક રહેશે.

ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી યોજવાની છે. જેના પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાની 89 બેઠક માટે કાલે પહેલી ડિસેમ્બરે મતદાન યોજવાનું છે. મતદાનનો સમય સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.  આ ચૂંટણી જંગમાં 718 પુરુષ ઉમેદવારો અને 70 મહિલા ઉમેદવારો મળી કુલ 788 ઉમેદવારો છે. સામે 1,24,33,362 પુરુષ મતદારો અને 1,15,42,811 મહિલા મતદારો અને 497 થર્ડ જેન્ડર મળી કુલ 2,39,76,670 મતદારો છે. જેઓ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવાના છે.

બીજી તરફ ગુજરાતમાં શહેરી વિસ્તારોની બેઠકમાં કોંગ્રેસને ગમે તેટલી મહેનત કરે છતાં ભાજપની હિંદુત્વની વિચારસરણીની રોપણીને કારણે કોંગ્રેસ ખાસ્સું કાંઈ મેળવી શકતી નથી તેવો ઘાટ સર્જાયો છે. રાજ્યના ગ્રામીણ વિસ્તારોની બેઠક પર ભાજપ-કોંગ્રેસનો વોટ શેર સરખો રહેતો હોવા છતાં કોંગ્રેસ અહીં સારું એવું કાઠું કાઢી શકે છે અને એટલે આ વખતે તેમણે આ વિસ્તારની બેઠક ઉપર શાંત પ્રચાર કરવાની પદ્ધતિ અપનાવી છે. અને આપ પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કાઠું કાઢવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આમ આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ત્રીપાખીયો  જંગ સર્જાયો છે.

કુલ 25430 મતદાન મથકો: 89 મોડેલ, 89 ઇકોફ્રેન્ડલી અને 611 સખી બુથ

પ્રથમ તબક્કાની 89 બેઠકોમાં કુલ 25430 મતદાન મથકો છે. આ તમામ બુથ 3311 શહેરી વિસ્તારોમાં અને 11071 ગ્રામ્ય વિસ્તારોમાં મળી કુલ 14382 સ્થળોએ આવેલા છે. 9014 બુથ શહેરી વિસ્તારોમાં તથા 16416 બુથ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા છે. એક સ્થળે બેથી લઈને પાંચ સુધીના બુથ હોય શકે છે. આ મતદાન મથકોમાં 89 મોડેલ બુથ, 89 દિવ્યાંગ સંચાલિત બુથ, 89 ઇકોફ્રેન્ડલી બુથ, 611 સખી બુથ અને 18 યુવા સંચાલિત બુથ હશે.

34,324 બીયું-સીયુ અને 38,749 વિવિપેટનો થશે ઉપયોગ

પ્રથમ તબક્કાની 89 બેઠકની ચૂંટણીમાં 34,324 બીયું-સીયુ અને 38,749 વિવિપેટનો ઉપયોગ થવાનો છે. મોરબી જિલ્લાની 65 મોરબી- માળિયા બેઠકમાં 17 ઉમેદવારો હોવાથી ત્યાં 2 બેલેટ યુનિટ તથા સુરતના લીંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 3 બેલેટ યુનિટ વાપરવામાં આવશે.

મતદાન મથકો ઉપર 1.06 લાખ સ્ટાફ ફરજ બજાવશે

મતદાન મથકો ઉપર કુલ 1,06,963 કર્મચારીઓ તથા અધિકારીઓ ફરજ બજાવશે. જેમાં 27,978 પ્રિસાઈડિંગ ઓફિસર્સ અને 78985 પોલિંગ સ્ટાફ હશે. આ તમામ સ્ટાફ આજે બપોરે સ્ટ્રોંગ રૂમ ખાતેથી ઇવીએમ અને વિવિપેટ સહિતની જરૂરી સાધન સામગ્રી લઈને રવાના થશે. તેઓ સાંજ સુધીમાં મતદાન મથકોનો કબ્જો સંભાળી લેશે.

5.74 લાખ યુવા મતદારો, 4945 મતદારો 99 વર્ષથી વધુ ઉંમરના

પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકો ઉપર કુલ 2,39,76,670 મતદારો છે. જેમાં 18થી 19 વર્ષના 5,74,560 મતદારો છે જેઓ પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ ઉપરાંત 4945 મતદારો એવા છે કે જેમની ઉપર 99 વર્ષથી વધુની છે. વધુમાં 9371 પુરુષ અને 235 મહિલા મળી કુલ 9606 મતદારો સર્વિસ વોટર છે. જયારે 125 પુરુષ અને 38 મહિલા મતદારો એનઆરઆઈ મતદારો છે.

દિવ્યાંગ અને સિનિયર સીટીઝન મતદારો માટે હેલ્પલાઇન નંબર 1950 જાહેર

કેન્દ્રના ચૂંટણી પંચ તથા ગુજરાત રાજ્ય નિર્વાચન આયોગ દ્વારા  દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદારો માટે સુગમ તથા સગવડતાસભર મતદાન કરી શકે તે માટે અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત દિવ્યાંગ અને સિનિયર સિટિઝનની મદદ અર્થે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ હેલ્પલાઇન નંબર 1950 પર સંપર્ક કરી શકશે. સિનિયર સીટીઝન અને દિવ્યાંગોને ધ્યાનમાં લઈ  મતદાન મથકે વ્હીલ ચેર, રેમ્પ, ટોયલેટ જેવી અનેક સુવિધા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે. તદ્ઉપરાંત મતદાન સમયે જરૂરીયાતમંદ દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદાતાને મતદાન મથક સુધી પહોંચાડવા વાહનસેવા તથા સહાયક સેવા આપવા માટે પણ પુરતી તૈયારીઓ કરવામાં આવી છે.

તમામ મતદાન મથકો ઉપર સવારે 6:30 વાગ્યે મોકપોલ

તમામ મતદાન મથકો ઉપર આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજનાર છે. જેમાં મતદારો સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકે છે. આ મતદાન પૂર્વે સવારે 6:30 કલાકે ચૂંટણી તંત્ર દ્વારા મોકપોલ કરવામાં આવશે. જેમાં તમામ બુથ ઉપર રાજકીય પ્રતિનિધિઓની હાજરીમાં અંદાજે  50-50 જેટલા મત નાખી ઇવીએમ અને વિવિપેટની ખરાઈ કરવામાં આવશે.

ગોંડલ બેઠકને લઈને તંત્ર સતર્ક : મતદાનને એક દિવસ પૂર્વે પાસા અને તડીપારના ઓર્ડર

ગોંડલ બેઠક હાઈ વોલ્ટેજ ગણવામાં આવી રહી છે. સીધા ચૂંટણી પંચે જ આ બેઠક ઉપર સૌથી સઘન સુરક્ષા ગોઠવવાના આદેશ આપ્યા હોય સ્થાનિક તંત્રએ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બીજી તરફ પ્રથમ વખત એવું બન્યું છે કે મતદાનના એક દિવસ અગાઉ જિલ્લા કલેકટર દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી પાસા અને તડીપારના હુકમો કરવામાં આવ્યા છે. કલેકટરે આજે 3 પાસાના મળી કુલ 12 પાસાના અને 10 તડીપારના હુકમ કર્યા છે.

કયાં જિલ્લાની કેટલી બેઠકો માટે થશે મતદાન

Screenshot 1 55

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.