ગર્ભની ‘ચિંતા’માં કેન્સર સમાયેલ છે..!!

ગર્ભની ‘ચિંતા’માં કેન્સર સમાયેલ છે..!! ગર્ભવતી મહિલાઓનું ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ ધ્યાન રાખવું એ દરેકને ખબર છે. આ સમયમાં ખાસ કાળજી અતિજરૂરી છે. પણ સમજ્યા વગરની કાળજી જ ચિંતા ઉભી કરનારી બની જાય છે. ખાસ તો સૌ કોઈને એ ઉપાધિ હોય છે કે ગર્ભ મિસકેરેજ એટલે કે કસુવાવડ ન થઈ જાય..!! કસુવાવડ ને ટાળવા મહિલાઓ ઘણાં ટિકડાઓ પીવે છે. તાજેતરમાં ડોક્ટરોના એક અભ્યાસમાં એ ખુલાસો થયો છે કે કસુવાવડને અટકાવવા પીવામાં આવતા દવાઓના ટિકડા જ જોખમી છે. તે બાળકને જન્મ્યા પહેલા જ કેન્સર કરાવી શકે છે. કસુવાવડ તો નહીં થાય પણ કેન્સર થાય તેવું જોખમ વધુ વધી જાય છે..!!

સાવધાન…. કસુવાવડને અટકાવવા પીવામાં આવતા ટિકડાથી
જન્મ પહેલાં જ બાળકને કેન્સર થવાનું જોખમ..!! 

વોશિંગ્ટનના હ્યુસ્ટન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ હેલ્થ સાયન્સ સેન્ટરના સંશોધકોના જણાવ્યા અનુસાર, કસુવાવડ અટકાવવા માટે ઉપયોગમાં લેવાતી દવાના ગર્ભાશયના સંપર્કમાં આવવાથી કેન્સર થવાનું જોખમ વધી શકે છે. અભ્યાસના તારણો ‘અમેરિકન જર્નલ ઑફ ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી’માં પ્રકાશિત થયા હતા. કસુવાવડને અટકાવવા મોટે ભાગે 17-OHPC દવાનો ઉપયોગ થાય છે જે એક કૃત્રિમ પ્રોજેસ્ટોજેન છે જેનો ઉપયોગ વર્ષ 1950 અને 1960ના દાયકામાં સ્ત્રીઓ દ્વારા વારંવાર કરવામાં આવતો હતો અને તે આજે પણ મહિલાઓ ગર્ભના અકાળ જન્મને રોકવામાં મદદ કરવા માટે સૂચવવામાં આવે છે. પ્રોજેસ્ટેરોન ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભાશયની વૃદ્ધિમાં મદદ કરે છે અને સ્ત્રીને પ્રારંભિક સંકોચનથી અટકાવે છે જે કસુવાવડ તરફ દોરી શકે છે.

ગર્ભાવસ્થા દરમિયાન મિસકેરેજ વિરુદ્ધની દવા લેનાર મહિલાઓના જન્મેલા બાળકોમાં,
આ દવા ન લીધી હોય તેવી મહિલાઓના જન્મેલા બાળકોની તુલનામાં કેન્સર થવાનો દર બમણો- અમેરિકી નિષ્ણાંતો

હ્યુસ્ટનની ટેક્સાસ યુનિવર્સિટીના સાયન્સ વિભાગના સહયોગી પ્રોફેસર પીએચડી, એમપીએચ, કેટલિન સી. મર્ફીએ જણાવ્યું કે સગર્ભાવસ્થા દરમિયાન દવા લેનાર મહિલાઓના જન્મેલા બાળકોમાં આ દવા ન લીધી હોય તેવી મહિલાઓના જન્મેલા બાળકોની તુલનામાં તેમના જીવનકાળ દરમિયાન કેન્સર થવાનો દર બમણો હોય છે. અમે કોલોરેક્ટલ કેન્સર, સ્વાદુપિંડનું કેન્સર, થાઇરોઇડ કેન્સર અને અન્ય ઘણા કેન્સર કે જે 1960ના દાયકામાં અને પછી જન્મેલા લોકોમાં વધતા જોયા છે.

આ દવા સાથે, અમે સિન્થેટીક હોર્મોનની અસરો જોઈ અને તેના પર અભ્યાસ કર્યો. તેમણે એમ પણ જણાવ્યું કે નવી રેન્ડમાઇઝ્ડ ટ્રાયલ બતાવે છે કે 17-OHPC લેવાનો કોઈ ફાયદો નથી, અને તે કસુવાવડનું જોખમ ઘટાડતું નથી પણ ઉલટાનું કેન્સરનું જોખમ વધારી દે છે.