Abtak Media Google News

1990ના વર્લ્ડકપમાં આર્જેન્ટિના પ્રથમ મેચમાં હાર્યા બાદ ફાઈનલમાં પહોંચ્યું હતું

આર્જેન્ટિનાએ અંતિમ મિનિટ સુધી મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્કોર સરભર કરી શકી ન હતી

કતારમાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં મંગળવારે મોટો અપસેટ સર્જાયો હતો. છેલ્લી 36 મેચમાં અજેય રહેલી આર્જેન્ટિનાની ટીમને ટુર્નામેન્ટમાં પોતાના પ્રથમ મુકાબલામાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો છે. આર્જેન્ટિનાને તેનાથી નીચલા રેન્કિંગવાળી સાઉદી અરબ ટીમ સામે 2-1થી પરાજયનો સામનો કરવો પડ્યો છે. આર્જેન્ટિનાએ અંતિમ મિનિટ સુધી મેચ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સ્કોર સરભર કરી શકી ન હતી. આર્જેન્ટિના માટે એકમાત્ર ગોલ સ્ટાર ફૂટબોલર લાયનલ મેસ્સીએ કર્યો હતો. મેસ્સીએ આ ગોલ પેનલ્ટી કિક દ્વારા કર્યો હતો.

ચાર વર્ષ પહેલા આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત આઈસલેન્ડ વિરુદ્ધ 1-1થી ડ્રો રમીને કરી હતી. જોકે, કતારમાં તેની સાથે મોટો ખેલ થઈ ગયો. છેલ્લા ઘણા સમયથી આર્જેન્ટિનાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તેણે 2021માં કોપા અમેરિકા કપ પણ જીત્યો હતો. છેલ્લા 28 વર્ષમાં કોઈ મોટી ટુર્નામેન્ટમાં તેનો આ પ્રથમ ટાઈટલ વિજય હતો. જોકે, સાઉદી અરબ સામે પરાજય સાથે આર્જેન્ટિનાને મોટો ઝટકો લાગ્યો છે.

પ્રથમ હાફમાં સાઉદી અરબની ટીમ 1-0થી પાછલ રહી હતી. જોકે, બીજા હાફમાં ટીમે સતત આક્રમક વલણ જાળવી રાખ્યું હતું. 48મી મિનિટમાં તેને સફળતા મળી હતી. અલ બુરેકનના શાનદાર પાસ પર સાલેહ અલશેહરીએ ગોલ નોંધાવ્યો હતો. તેની થોડી મિનિટ બાદ સાઉદી અરબની ખુશી બેવડાઈ ગઈ હતી.

53મી મિનિટે સલેમ અલસારીએ શાનદાર ગોલ નોંધાવ્યો હતો. આ સાથે જ સાઉદી અરબે 2-1ની સરસાઈ પણ મેળવી લીધી હતી. ફૂટબોલ વર્લ્ડ કપમાં પાંચ વખત ક્વોલિફાઈ થયા બાદ સાઉદી અરબની ટીમ ફક્ત એક જ વખત અંતિમ-16માં પહોંચી શકી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.