રાજકોટ આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શનનો શુભારંભ, 75થી વધુ પ્રકારના અદ્ભુત ચિત્રોનો ખજાનો

રવિવાર સુધી ચાલનારા આ પ્રદર્શન આખો દિવસ કલા રસિકો માટે ખૂલ્લુ રહેશે: યુવા કલાકારો માટે નિષ્ણાંતો લાઈવ આર્ટનો બે દિવસ ડેમો આપશે

રંગીલા રાજકોટમાં વિવિધ કલા સાથે ચિત્ર કલાકારો વર્ષોથી કાર્યરત છે. બદલતા નવા યુગ સાથે યુવા કલાકારો ડિઝીટલ માધ્યમ વડે સુંદર ચિત્રો નિર્માણ કરી ને પ્રદર્શનો યોજતા હોય છે.

80થી વધુ કલાકારોનું આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા આજથી ચિત્ર પ્રદર્શન આર્ટ ગેલેરી ખાતે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રદર્શનમાં શહેરનાં 34 કલાકારોનાં 75 જેટલા સુંદર ચિત્રો કલા રસીકોને જોવા મળશે. આ પ્રદર્શન રવિવાર સુધી સવારે 10 થી સાંજના 8 સુધી જાહેર જનતા માટે વિનામૂલ્યે ખુલ્લુ રહેશે.

પ્રદર્શનમાં રાજકોટના નામાંકિત કલાકારોના પેન્સિલ સ્કેચ ઓઈલ પેઈન્ટ, મંડળ આર્ટ, થ્રેડવર્ક, ઈસ્યુશન-નેચરલ-ઓઈલ પેસ્ટ, હેન્ડમેડ સ્ટફ જેવા વિવિધ આર્ટવર્ક ચિત્રો જોવા મળશે. સમગ્ર આયોજન જાણિતા ચિત્રકારો અમીત જાદવ જયદિપ પરમાર તથા અંજના પડિયા દ્વારા યોજવામાં આવેલ છે.

આજના ઉદઘાટન સમારોહમાં સૌરાષ્ટ્ર ચિત્ર શાળાના ઉદય ત્રિવેદી-જાણીતા કાર્ટુનિસ્ટ સંજય કોરીયા સાથે નામાંકિત આર્ટીસ્ટ અશ્ર્વિન ચૌહાણ,સુરેશ રાવલ, ભગીરથ બારહટ જેવા મહાનુભાવો હાજર રહીને આકૃતિ આર્ટ ગ્રુપને પ્રોત્સાહન સાથે સુંદર આયોજનની પ્રશંસા કરી હતી.

આજે યુવા કલાકારોના માર્ગદર્શન માટે જાણીતા કલાકાર સુરેશ રાવલે લાઈવ ડેમો આપીને માર્ગદર્શન આપેલ હતુ. કાલે તુષાર પટેલ પોતાના આર્ટનો લાઈવ ડેમો આપશે. આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા છેલ્લા બે માસમાં આ બીજુ પ્રદર્શન યોજેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ચિત્રકારો જલ્પા ખેરડીયા, સોનુબેન (કુવૈત) પુજા કામાણી તથા હાર્દી વાસાણીએ જહેમત ઉઠાવી હતી.

યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાનો મુખ્ય હેતુ છે: આર્ટીસ્ટ-અમીત જાદવ

આકૃતિ આર્ટ ગ્રુપના કલાકાર અમીત જાદવે અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું કે આવા પ્રદર્શનથી અમારો મુખ્ય હેતુ યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાનું છે. આજના પ્રદર્શનમાં પણ 34થી વધુ કલાકારોના 75 થી વધુ ચિત્રો મૂકવામાં આવ્યા છે.