Abtak Media Google News
  • અગાઉથી જ છેતરપિંડીના કેસમાં ભુજ જેલમાં બંધ ફિલ્મ પ્રોડ્યુસરનો કબ્જો લેશે પ્રધ્યુમનનગર પોલીસ

Rajkot : રાજકોટનાં રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર શ્યામજી ટાઉનશીપમાં રહેતા અને સરકારી કોન્ટ્રાકટ રાખતાં દંપતિ સાથે અમદાવાદના ફિલ્મ પ્રોડયુસરે સરકારમાં ફુડ પેકેટ મોકલવાના કોન્ટ્રાકટમાં રૂપિયા મળશે તેવી લાલચ આપી રૂ. 14.41 લાખ એડવાન્સ પેટે લઇ રૂ.21.42 લાખની નુકસાની કરાવતાં અને કોન્ટ્રાકટ ચાલુ નહીં થતાં આ મામલે સરકારી કોન્ટ્રાકટર મહિલાએ રાજકોટના પ્રધ્યુમનનગર પોલીસ મથકમાં ફિલ્મ પ્રોડયુસર સામે ફરિયાદ નોંધાવી છે. આ ફિલ્મ પ્રોડયુસર હાલ છેતરપીંડી કેસમાં ભૂજ જેલમાં હોય તેનો રાજકોટ પોલીસ આગામી દિવસોમાં જેલમાંથી કબજો લેશે.

મળતી વિગતો મુજબ, રાજકોટના રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપમાં રહેતા અને અલગ અલગ સરકારી કોન્ટ્રાકટનું કામ કરતાં ભદંત મનોહરભાઈ બુચ અને તેમના પત્ની શિતલબેન ભદંતભાઈ બુચ બન્ને છેલ્લા ઘણા વખતથી રાજકોટ તેમજ ગુજરાતમાં અલગ અલગ સરકારી કામોના કોન્ટ્રાકટ રાખે છેે. તેમનો પરિચય અમદાવાદના ફિલ્મ પ્રોડયુસર અમદાવાદમાં વાસણામાં જયદીપ ટાવર ધરણીધરમાં રહેતા હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈદ સાથે થયો હતો અમદાવાદ મહાનગરપાલિકા તેમજ અલગ અલગ શહેરના પોલીસ મથકમાં તેમજ સરકારી લેબોરેટરીમાં ફુડ પેકેટ મોકલવા માટેનો ઓર્ડર અપાવવાના લાલચ ફિલ્મ પ્રોડયુસર હિરેને રાજકોટના આ દંપતિનો સંપર્ક કર્યો હતો.

વર્ષ 2019માં શિતલબેને પી.ડી.યુ.મેડીકલ કોલેજ ખાતે કેન્ટીન રાખી હોય તે સમયે રાજકોટનાં એમ.જે.સોલંકીમાં એચ.આર.તરીકે નોકરી કરતાં રેખાબેન પટેલ મારફતે હિરેન વૈદનો સંપર્ક થયા બાદ કોન્ટ્રાકટ માટે વાતચીત કરી હતી.

હિરેને રાજકોટ, જૂનાગઢ, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર અને ચોટીલા સહિતના અલગ અલગ શહેરોમાં બે વર્ષ માટે ફુડ પેકેટ મોકલવાનો કોન્ટ્રાકટની લાલચ આપી એક ડીસના રૂ.90 લેખે કોન્ટ્રાકટ નક્કી કર્યો હતો અને અમદાવાદ સ્થિત તેની ઓફિસે શિતલબેન સાથે લખાણ કરી કોન્ટ્રાકટ શરૂ કરવાની વાત કરી હતી. જેમાં કંપનીના ખાતામાં હિરેનના કહેવાથી અલગ અલગ ખાતામાં રૂા.14.21 લાખ ડીપોઝીટ ચુકવી હતી. તેમજ આ કોન્ટ્રાકટ શરૂ કરતાં પહેલા એડવાન્સ પેટે રૂ.10.50 લાખના ચેક ‘ધ રીલ એન્ટરટેઈનમેન્ટ અને હિપસ્ટર મીડિયા’ના નામે આપ્યા હતાં.

શિતલબેન અને તેમના પતિ ભદંતભાઈ બુચે આ કોન્ટ્રાકટ શરૂ થાય તે પૂર્વે જ આઠ અલગ અલગ સેન્ટરો ભાડે રાખી ફુડ પેકેટ તૈયાર કરવા માટે માણસોને પણ નોકરીએ રાખી લીધી હતાં અને કરિયાણુ પણ ખરીદી લીધું હતું. આમ કુલ 21.42 લાખનો ખર્ચ થયો હતો. આ કોન્ટ્રાકટ શરૂ કરવા માટે દંપતિએ હિરેનનો સંપર્ક કર્યો પરંતુ તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું અને ઓફિસ જઈને તપાસ કરતાં આ ફિલ્મ પ્રોડયુસર હિરેન વૈદ તેના મિત્ર સાથે કરેલી છેતરપીંડીના ગુનામાં હાલ ભુજ જેલમાં હોવાનું માલુમ પડતાં આ મામલે હિરેનના મામાનો સંપર્ક કર્યો હતો અને આ સરકારી કોન્ટ્રાકટર દંપતિને રકમ ચુકવી દેવાનો વાયદો કર્યો હતો પરંતુ આ રકમ તેમને પરત નહીં મળતાં અંતે પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ફિલ્મ પ્રોડયુસર હિરેન વૈદનો હવે ભુજ જેલમાંથી કબજો લઈ વધુ તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.