Abtak Media Google News

રાજકોટમાં ડ્રગ્સ સપ્લાય કરવાના ગુનામાં સાત મહિનાથી ફરાર નામચીન મહિલાની બાતમી મળતા તેને પકડવા પોલીસ ખાનગી કાર લઇ ગઈ હતી પરંતુ તેમની કાર મહિલા ઓળખી જતા તે તેનું એક્ટિવા પુરપાટ ઝડપે હંકારી શેરી-ગલીમાં ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બે મહિલા કોન્સ્ટેબલે તેની કારમાંથી ઉતરી એક્ટિવા ચાલકનું એક્ટિવા લઇ તેનો પીછો કર્યો હતો અને મહિલા બંધ શેરીમાં પહોંચતા તેને ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ બી.ડિવિઝને પોલીસે સાત મહિના પૂર્વે એમ.ડી.ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો તેમાં સપ્લાયર તરીકે રૈયાધાર સ્લમ ક્વાટર્સમાં રહેતી સુધા સુનિલ ધામેલિયા (ઉ.વ.39)નું નામ ખુલ્યું હતું.અને મહિલા ત્યારથી ફરાર થઈ હતી.પણ શનિવારે સાંજે ફરાર સુધા ગવલીવાડમાં તેની પૌત્રીને મળવા આવ્યાની માહિતી એસઓજીના પીએસઆઇ અન્સારીને મળતા  કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા અને બે મહિલા કોન્સ્ટેબલ સોનાબેન મુળિયા અને શાંતુબેન મુળિયા સહિતનો સ્ટાફ સ્વિફ્ટ કારમાં ગવલીવાડ પહોંચ્યા હતા અને તેના ઘરની બહાર એક્ટિવામાં ઊભેલી સુધાએ સ્વિફ્ટ કાર જોતા જ કાર પોલીસની હોવાની તેને ભનક લાગી ગઇ હતી.અને સુધાએ તેનું એક્ટીવામાં શેરી-ગલીઓમાં ભગાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પીએસઆઇ અંસારીએ બે શેરી સુધી તો એક્ટિવાનો કારમાં પીછો કર્યો હતો પરંતુ સાંકડી શેરીમાં કાર લઇ જવાનું મુશ્કેલ બનતા બંને મહિલા કોન્સ્ટેબલ કારમાંથી ઉતરી ગયા હતા અને ત્યાં નજીકમાં રહેતા રહીશનું એક્ટીવા લઇ સુધાનો પીછો શરૂ કર્યો હતો. સુધા શેરી-ગલ્લીઓ બદલાવીને ભાગી રહી હતી અને પાછળ બંને મહિલા કોન્સ્ટેબલ ફિલ્મીઢબે પીછો કરી રહી હતી.

સુધા બંધ શેરીમાં પહોંચી હતી અને ત્યાંથી ભાગવું તેના માટે મુશ્કેલ બનતા તે ઉભી રહી ગઈ હતી અને મહિલા પોલીસના સ્ટાફે તેને દબોચી લીધી છે.  આરોપી સુધા ધામેલીયા અગાઉ મારામારી અને જુગારના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે.તેવું પોલીસ માંથી જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.