- પ્રમુખના નામો જાહેર થવાની ગણાતી ઘડીઓ: અમિત શાહે નામ ફાઇનલ કરી લીધા માત્ર નજર કરવા માટે નરેન્દ્રભાઇ સમક્ષ મુક્યા હોવાની ચર્ચા
રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોના અધ્યક્ષોના નામો જાહેર કરવામાં ભાજપ બરાબરનું ગુંચવાઇ ગયું છે. મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં વ્યાપક વિરોધ વંટોળ અને જૂથવાદ જોવા મળી રહ્યો છે. જેના કારણે પ્રદેશ કક્ષાએથી જે નિર્ણય થવો જોઇએ. તે હજુ સુધી દિલ્હીથી પણ નિર્ણય થઇ શક્યો નથી. હવે પક્ષ એવી સ્થિતિમાં મૂકાઇ ગયો છે કે પહેલા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર કરી દેવું ત્યારબાદ પ્રદેશ પ્રમુખને પોતાની રીતે ટીમ બનાવવાની પૂરી છૂટ આપી દેવી. દરમિયાન ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે ગઇકાલે પ્રમુખોની યાદી ફાઇનલ કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ યાદી આજે દિલ્હી દરબારમાં મોદી સમક્ષ રજૂ કરી દેવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. હવે કોઇપણ ઘડીએ પ્રમુખના નામો જાહેર થવાની સંભાવના જણાઇ રહી છે.
આગામી રવિવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સંગઠન ચૂંટણી અધિકારી ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં હોય આગામી એકાદ-બે દિવસમાં જિલ્લા અને મહાનગરોના પ્રમુખના નામ જાહેર કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ અમિતભાઇ શાહને ગુજરાતના તમામ જિલ્લા અને મહાનગરના પ્રમુખો નક્કી કરવા માટે છૂટ આપવામાં આવી હતી. પરંતુ એવી સૂચના પણ હતી કે તેઓ ભલે તેમની રીતે નામો ફાઇનલ કરે પરંતુ નામ જાહેર કરતા પહેલા એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ રજૂ કરવા કારણ કે પીએમના હોમ સ્ટેટમાં ભાજપ કોઇપણ જાતનો વિવાદ કે જૂથવાદ ઇચ્છતું નથી. ગઇકાલે દિલ્હી પહોંચ્યા બાદ અમિતભાઇ શાહે તમામ 33 જિલ્લા અને આઠ મહાનગરોના પ્રમુખોની જે યાદી ફાઇનલ કરી છે. તે વડાપ્રધાનના ટેબલ પર રજૂ કરી દીધી છે. આજે નરેન્દ્રભાઇ દ્વારા યાદીને ફાઇનલ કરી દેવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે.
ભાજપ તમામ 41 જિલ્લા – મહાનગરોના પ્રમુખના નામ હાલ જાહેર કરશે નહિં. જે જિલ્લા કે મહાનગરોમાં કોઇ જ વિવાદ નથી ત્યાં તે જિલ્લા કે મહાનગરના નામ પ્રથમ યાદીમાં જાહેર કરી દેવામાં આવશે. જ્યારે બાકી રહેતા નામો નવા પ્રદેશ અધ્યક્ષ જાહેર કરે તેવું લાગી રહ્યું છે. પ્રદેશ પ્રમુખની નિયુક્તી માટે પણ ભાજપ દ્વારા હવે ગમે ત્યારે પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે. આગામી રવિવારે જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ નવા પ્રદેશ અધ્યક્ષ ફાઇનલ કરી લેશે. તેવી પણ પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. હાલ ગુજરાત ભાજપની સ્થિતિ ખૂબ જ તરલ બની ગઇ છે. કોઇ કશું કહેવા કે કડવા તૈયાર નથી. હવે પ્રમુખના નામ જાહેર થવાની ઘડીઓ ગણાય રહી છે. જો રિપીટ કરવામાં આવશે તો એવા 17 જિલ્લા અને મહાનગરોમાં વર્તમાન પ્રમુખને રિપીટ કરાશે. જેઓની મુદ્ત પૂરી થઇ નથી. માત્ર દોઢ વર્ષનો સમયગાળો પૂરો થયો છે. માત્ર રાજકોટ નહિં પરંતુ મોટાભાગના જિલ્લાઓ અને મહાનગરોમાં ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ ખૂબ જ ખેંચતાણ અને જૂથવાદ ચાલી રહ્યો છે.