Abtak Media Google News

જિલ્લાની 8 વિધાનસભા બેઠકોમાં 11.96 લાખ પુરુષો, 11.95 લાખ સ્ત્રીઓ તથા 34 અન્ય મતદારો

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેને પગલે તંત્રએ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આજે જિલ્લાની મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં જિલ્લામાં 23.05 લાખ મતદારો નોંધાયા હોવાનું જાહેર થયું છે.

રાજકોટ જિલ્લાની આજે મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે.  ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા.12 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અરુણ મહેશબાબુના માર્ગદર્શન હેઠળ તા.21 ઓગસ્ટ, 28 ઓગસ્ટ, 4 સપ્ટેમ્બર, 11 સપ્ટેમ્બરના રવિવારના રોજ તમામ મતદાન મથકો ઉપર બીએલઓને હાજર રાખી નવા ચૂંટણી કાર્ડ, સુધારા વધારા સહિતની કામગીરી કરવામાં આવી હતી. જેના આધારે તા.10 ઓક્ટોબરની સ્થિતિએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જેમાં 68 રાજકોટ પૂર્વમાં 156315 પુરુષ, 140889 સ્ત્રીઓ અને 2 અન્ય મળી કુલ 297206 મતદારો નોંધાયા છે. 69 રાજકોટ પશ્ચિમમાં 179559 પુરુષ, 174382 સ્ત્રીઓ, 6 અન્ય મળી 353957 મતદારો નોંધાયા છે. 70 રાજકોટ દક્ષિણમાં 132933 પુરુષ, 125736 સ્ત્રીઓ અને 4 અન્ય મળી 258673 મતદારો નોંધાયા છે.

71 રાજકોટ ગ્રામ્યમાં 192763 પુરુષ, 174186 સ્ત્રીઓ અને 7 અન્ય મળી 366956 મતદારો નોંધાયા છે. 72 જસદણમાં 134011 પુરુષો, 122277 સ્ત્રીઓ અને 1 અન્ય મળી 256289 મતદારો નોંધાયા છે. 73 ગોંડલ બેઠકમાં 118218 પુરુષો, 110212 સ્ત્રીઓ અને 8 અન્ય મળી 228438 મતદારો નોંધાયા છે. 74 જેતપુર બેઠકમાં 143504 પુરુષ, 132108 સ્ત્રીઓ અને 5 અન્ય મળી 275617 મતદારો નોંધાયા છે. જ્યારે 75 ધોરાજી બેઠકમાં 138708 પુરુષો, 129766 સ્ત્રીઓ અને 1 અન્ય મળી 268475 મતદારો નોંધાયા છે. આમ જિલ્લામાં કુલ 1196011 પુરુષ, 1109556 સ્ત્રીઓ અને 34 અન્ય મળી 2305701 મતદારો નોંધાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોનું એલાન કેન્દ્રીય ચૂંટણી પંચ  ગમે ત્યારે કરી દેવામાં આવે તેવી સંભાવના છે ત્યારે આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર 24 લાખથી વધુ મતદાતાઓ પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે.પ્રથમ વખત મતદાનનો અધિકાર જે યુવા મતદારોને પ્રાપ્ત થયો છે તે લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે સ્વયંભૂ આગળ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર રાજ્યની 182 વિધાનસભા બેઠકો માટેની આખરી મતદાર યાદી જાહેર કરી દેવામાં આવશે સામાન્ય રીતે મતદાર યાદી પ્રસિદ્ધ થયાના ત્રણ સપ્તાહમાં ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવતી હોય છે જે ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે.

27,881 મતદારો પ્રથમ વખત કરશે મતાધિકારનો ઉપયોગ

રાજકોટ જિલ્લામાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવી છે. જેમાં 27,881 નવા મતદારોને મતદારયાદીમાં સમાવવામાં આવ્યા છે. એટલે કે આ યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કરવાના છે.

18-19 વર્ષના 10,978 મતદારો

રાજકોટ જિલ્લાની આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થઈ છે. જેમાં 18થી 19 વર્ષના 10,978 મતદારો નોંધાયા છે. આ તમામ યુવા મતદારો મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત તેઓને જાગૃત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.