Abtak Media Google News

સોમવારે કણકોટ એન્જી કોલેજ ખાતે યોજાનાર વિધાનસભા ચુંટણીની મતગણના માટે ચૂસ્ત બંદોબસ્ત સાથે વિવિધ વ્યવસ્થાઓ ગોઠવાઇ

આગામી સોમવારે કણકોટ ખાતે આવેલી સરકારી એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાનારી રાજકોટ જીલ્લાની આઠેય બેઠકોની મત ગણતરી માટેના તૈયારીઓને તંત્ર દ્વારા આખરી ઓપ અપાઇ રહ્યો છે. વધુમાં આજે જીલ્લા ચુંટણી અધિકારે અંતિમ બેઠક બોલાવી તૈયારીઓની સમિક્ષા કરી હતી.

સોમવારે જીલ્લાની આઠેય બેઠકોની મત ગણતરી સવારે ૮ કલાકે અલગ અલગ હોલમા શરુ થશે મતગણતરીની કામગીરીમાં કુલ એક હજારનો સ્ટાફ ખડેપગે રહેશે. જેમાનો ૪૪૮ નો સ્ટાફ ઇવીએમમાં પડેલા મતોની ગણતરી માટે રોકાશે. ર૦ ટકા સ્ટાફ રિઝર્વ રાખવામાં આવ્યો છે.

જીલ્લાની આઠેય બેઠકોના ૨૧૫૮ ઇવીએમમાંથી મત ગણતરી કુલ ૧૫૭ રાઉન્ડમાં થશે. એક રાઉન્ડ ૧૦ થી ૧પ મીનીટમાં પૂર્ણ થાય તેવી શકયતા છે. દરેક બેઠકમાં ૧૪ ટેબલ રાખવામાં આવ્યા છે. આઠેય બેઠકોમાં મતગણતરી માટે ૧૧ર ટેબલ ગોઠવાયા છે.

આ વખતે સૌ પ્રથમ વખત મતગણતરી પ્રક્રિયાનું વેબકાસ્ટીંગ કરવામાં આવશે. ચુંટણી કમિશન સહીત ઉચ્ચ અધિકારીઓ ઓફીસમાં બેઠા મતગણતરીની પ્રક્રિયા નિહાળી શકશે. વેબકાસ્ટીંગ માટે કોલેજ ખાતે ૬ થી ૭ કેમેરા મુકવામાં આવ્યા છે.

૬૮-રાજકોટ પૂર્વના ૨૪૪ ઇવીએમમાં પડેલા મત ગણવા ૧૮ રાઉન્ડ તેમજ ૬૯-રાજકોટ પશ્ર્ચિમનાં ૩૦૦ ઇવીએમમાં ટેબરલ ૨૨ રાઉન્ડ, ૭૦-રાજકોટ દક્ષીણના ૨૨૦ ઇવીએમ માટે ૧૬ રાઉન્ડ, ૭૧-રાજકોટ ગ્રામ્યના ૩૪૬ ઇવીએમ માટે રપ રાઉન્ડ, ૭૨- જસદણના ૨૫૬ ઇવીએમ માટે ૧૯ રાઉન્ડ, ૭૩-ગોંડલના ૨૩૫ ઇવીએમ માટે ૧૭ રાઉન્ડ, ૭૪-જીતપુરના ર૯૨ ઇવીએમ માટે ૨૧ રાઉન્ડ, ૭૫-ધોરાજીના ૨૬૫ ઇવીએમ માટે ૧૯ રાઉન્ડમાં મત ગણતરી થશે.આજરોજ જીલ્લા ચુંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેએ આઠેય રીટનીંગ ઓફીસરો પ્રજ્ઞેશ જાની, પ્રભવ જોષી, એમ.કે. પટેલ, એ.ટી.પટેલ, એ.એચ.ચૌધરી,  આર.એમ. રાયજાદા, ધર્મેશ મકવાણા, ટી.એચ.જોશી તથા નાયબ જીલ્લા ચુંટણી અધિકારી મિતેષ પંડયા સાથે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.