Abtak Media Google News
  • દુર્ઘટના સર્જાયા બાદ બાટલા રિફીલિંગ કરવા આરએન્ડબીને પત્ર લખાયો, ક્રમશ બાટલા રિફિલ થતા હજુ 20 દિવસ થવાનો અંદાજ
  • દરેક ફ્લોર ઉપર બે-બે ફાયરના રિફીલિંગ થયા વગરના બાટલા લગાવેલા, ઘોડિયા ઘર પાસે એકેય બાટલા નહિ

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડને લઈને હવે ફાયરસેફટી મોટો મુદ્દો બન્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં જ ફાયરના બાટલા આઉટડેટેડ હોવાનું સામે આવ્યું છે. ત્યારે અહીં આગ લાગે તો શું થશે તેવા પ્રશ્નો સર્જાયા છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં અંદાજે 20 જેટલા ફાયરના બાટલા છે. આ ઉપરાંત ફાયરની સેન્ટ્રલ સિસ્ટમ નાખેલ છે. પણ અત્યાર સુધી સદનસીબે તેનો ઉપયોગ કરવાની જરુર પડી નથી, પણ હાલ આ હોર્સ પાઇપ યોગ્ય ચાલતા હોય તેવું જણાતું નથી.  દરેક માળે 2 હોર્સ પાઇપ આપેલા છે. પણ કલેકટર ચેમ્બરની સામે એલિવેશન  બગડે નહિ એટલે હોર્સ પાઈપને ઢાંકી દેવામાં આવ્યા છે.

વધુમાં દરેક માળે ફાયર એક્ઝિક્યુટરના 2-2 બાટલા છે. આખી કચેરીમાં 20 બાટલા છે. નાના બાળકો માટે ઘોડિયા ઘર છે. પણ ત્યાં એક પણ બાટલો નથી. જો કે આશ્ચર્યની વાત એ છે કે બધા બાટલાની એક્સપાઈરી ડેટ 25/5/2024 છે. એટલે કે બધા બાટલા આઉટડેટેડ છે. ગત તા.25ના રોજ ગેમઝોન દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે તા.26એ રવિવાર હોય એટલે તા. 27ના રોજ જનરલ શાખાએ બાટલાની એક્સપાઈરી ડેટ પૂર્ણ થયાની જાણ આરએન્ડબી વિભાગને કરી હતી. તેવું જાણવા મળી રહ્યું છે. આરએન્ડબી વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર ક્રમશ: 20 દિવસમાં આ બાટલા બદલી જશે.

બીજી તરફ આ મામલે જનરલ શાખાના કર્મચારીને પૂછતાં તેઓએ ફાયર સેફટીના ઇકવિપમેન્ટની કામગીરી આરએન્ડબી વિભાગમાં આવતી હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ આરએન્ડબી વિભાગે કહ્યું કે અમોને 27મીએ જ પત્ર લખવામાં આવ્યો છે. આ બાટલા રિફીલિંગ કરતા થોડા દિવસો લાગે છે.

કલેકટર કચેરીમાં બે દિવસથી  પાણી આવતું બંધ!

જિલ્લા કલેકટર કચેરીમાં દરેક ફ્લોરે બે જગ્યાએ પાણી અને ટોયલેટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં ગઈકાલથી પાણી જ આવતું બંધ થઈ ગયું છે. પાણીનું સંચાલન રેકોર્ડ શાખાને સોંપવામાં આવ્યું છે. જો કે પાઇપલાઇનમાં કઈક વાંધો હોય ગઈકાલથી કર્મચારીઓ પાણીને લઈને હેરાન થઈ રહ્યા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.