દિલ્લીના વાણિજ્ય સંકુલમાં આગ: 27 લોકો ભડથું 

CCTV અને રાઉટરનું મેન્યુફેક્ચરિંગ કરતી યુનિટની ઓફિસમાં વિકરાળ આગ

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં સાંજના સમયે વિકરાળ આગ ફાટી નીકળતાં ૨૭ લોકોનાં મોત નિપજ્યા છે. બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી સીસીટીવીની ઓફિસમાં આગ લાગી હતી અને બાદમાં આગે સમગ્ર બિલ્ડિંગને પોતાની ચપેટમાં લઈ લીધું હતું.
સાંજના 4:00 વાગ્યાની આસપાસ ફાયર વિભાગને આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. જે બાદ ફાયરની ૨૫ ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. બિલ્ડિંગમાં આગ ફાટી નીકળ્યા બાદ અનેક લોકોએ જીવ બચાવવા માટે બારીમાંથી કૂદકો લગાવ્યો હતો.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને  જણાવ્યું હતું કે, બિલ્ડિંગમાં આગની દુર્ઘટનામાં 27 લોકોનાં મોત નિપજ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને સીસીટીવી ઓફિસના માલિકની કસ્ટડીમાં લઈ લીધો છે.
દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, આ ખુબ જ દુઃખદ અકસ્માત છે. મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલી ચાર માળની બિલ્ડિંગમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. 27 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 8 ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવા માટે પોલીસ દ્વારા ખાસ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો છે. સાંજના સમયે લાગેલી આગ બાદ અનેક લોકો પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગમાંથી નીચે કૂદતાં જોવા મળ્યા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, મુંડકા મેટ્રો સ્ટેશન પાસે આવેલા પિલર નંબર 544 પાસે આવેલી ૩ માળની બિલ્ડિંગમાં આગ લાગી હતી. 4:45 વાગ્યે પીસીઆર પર ફોન આવ્યો હતો. પોલીસને આ મામલે જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગના કાચ તોડી દેવામાં આવ્યા હતા અને અંદર ફસાયેલાં લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક જાણકારી અનુસાર 3 માળની આ કોમર્શિયલ બિલ્ડિંગ એ કંપનીઓ માટે ઓફિસ સ્પેસ પૂરી પાડતી હતી. બિલ્ડિંગમાં આગ પ્રથમ માળે લાગી હતી. અહીં સીસીટીવી કેમેરા અને રાઉટર મેન્યુફેક્ચરિંગ કંપનીની ઓફિસ આવેલી છે. કંપનીનો માલિક અત્યારે પોલીસ કસ્ટડીમાં છે.
મુંડકા અગ્નિકાંડ પર દુઃખ વ્યક્ત કરતાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને લખ્યું હતું કે, દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં આગ લાગવાથી થયેલી દુર્ઘટનાથી દુઃખી છું. શોકાતુર પરિવારના પ્રત્યે મારી સંવેદનાઓ. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સ્વસ્થ થાય તેની પ્રાથના કરું છું. આ ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહે પણ આ દુર્ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મૃતકોના પરિવારને રૂ. 2 લાખની સહાયની જાહેરાત કરતા વડાપ્રધાન મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારને પીએમ નેશનલ રિલીફ ફંડમાં 2 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને 60 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે. પ્રથમ માળે આવેલી સીસીટીવી કંપનીના માલિક હરિશ ગોયલ અને વરુણ ગોયલને પોલીસે ઝડપી લીધા છે.
આ દરમિયાન CM કેજરીવાલે કહ્યું કે મૃતકોના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. આ સાથે તમામ ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા અને કહ્યું કે આ કેસમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈને પણ બક્ષવામાં આવશે નહીં.