- ફાયરના સાધનોની ઉપલબ્ધીએ આગને વિકરાળ સ્વરૂપ ધારણ કરવા ન દીધું : રો-મટીરિયલ્સ અને મશીનરીને નુકશાન
રાજકોટ શહેરની ભાગોળે આવેલ મેટોડા જીઆઈડીસીમાં ગઈકાલે સીએનસી કંપની મેક પાવરના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા મેટોડા અને રાજકોટથી ફાયર ફાઇટરની ટીમો દોડી ગઈ હતી. સદનશીબે ફેક્ટરીમાં સ્થળ પર જ ફાયર સાધનો ઉપલબ્ધ હોવાથી આગ પ્રસરી નહોતી. આગ લાગી તે ગોડાઉન વિભાગ હતો. જેમાં રો મટીરીયલ્સ અને તૈયાર મશીનરીઓ પડી હોય, આગથી તેમાં નુકસાન થયું હતું. જો કે, કોઈ જાનહાની સર્જાઈ ન હતી. આગની મળતી વિગત મુજબ ગઈકાલે સાંજે મેટોડા જીઆઇડીસીમાં આવેલી મેકપાવર સીએનસી નામની ફેક્ટરીના ગોડાઉન વિભાગમાં અચાનક આગ લાગી હતી. જેની જાણ થતાં મેટોડા ઉપરાંત રાજકોટ મનપાની ફાયર બ્રિગેડની ટીમો પણ દોડી ગઈ હતી. ફેક્ટરીના ગેટ નંબર 2 પાછળના ભાગે લાગેલી આગ ઉપર ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આગની ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મેટોડા સ્થિત ફાયર બ્રિગેડનું ટેન્કર આવી ગયું હતું. તેણે આગ બુજાવવાની કામગીરી શરૂ કરી હતી. આ પછી રાજકોટથી ફાયર ટેન્કર સાથે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. તેણે પણ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ આગ બુજાવવાની કામગીરી કરી હતી. પ્રાથમિક તબક્કે આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું તારણ સામે આવ્યું છે.જોકે હજુ તે અંગે વધુ તપાસ થઈ રહી છે. ગોડાઉનમાં તૈયાર કરેલી મશીનરી અને રો મટીરીયલ્સ હતું. જેથી તેમાં નુકસાન થયું છે. નુકસાનનો આંક હજુ જાણવા મળેલ નથી. પણ આગનું સ્વરૂપ એટલું મોટુ નહોતું અને તુરંત આગ બુઝાવાની કામગીરી થઈ એટલે મોટુ નુકસાન થયું હોવાની સંભાવના ઓછી છે.