જેતપુરની સિવિલમાં ત્રીજા માળે આગ ભભૂકી: રિહર્સલમાં લીફટ પણ ખોટવાઈ

મોકડ્રીલમાં પણ ગંભીર બેદરકારી સામે આવી: દર્દીની સુવિધાના નામે ‘મીંડુ’

રાજકોટની ખાનગી હોસ્પીટલમાં આગની ઘટનામાં એક સાથે પાંચ લોકોના મોત થતા સરકાર દ્વારા જીલ્લાઓની બીજી હોસ્પીટલની ફાયરની પરિસ્થિતી શું છે તે જાણવા માટે જે તે હોસ્પીટલમાં મોકડ્રિલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેને પગલે આજે એ ગ્રેડની જેતપુરની સરકારી હોસ્પીટલમાં ત્રીજા માળે ફોગ મશીનથી ધુમાડો કરી આગ લાગવાનો ડ્રામો કરવામાં આવ્યો હતો. જેથી હોસ્પીટલ દ્વારા નગરપાલીકાના ફાયર વિભાગને તેમજ પોલીસને ફોન કરવામાં આવ્યો અને તેઓ તાત્કાલિક હોસ્પીટલ પહોંચીને આગ ઓલવવાની કામગીરી આરંભી દેતા આ બંને વિભાગ તેમની કામગીરીમાં પાસ થઈ ગયા. પરંતુ હોસ્પીટલના ત્રીજા મજલેથી દર્દીઓને નીચે લિફ્ટ દ્વારા લઈ જવાની રિહર્સલમાં લિફ્ટ ચાલુ જ ન થઈ અને લિફ્ટ જ્યાં નીચે પહોંચે છે તે બહાર જવાનો દરવાજો કાયમી બંધ રહે છે તે બંધ જ હતો. જે હોસ્પીટલની ગંભીર બેદરકારી બહાર આવી હતી.  મોકડ્રિલમાં પણ વાસ્તવિકતામાં આગની ઘટના બને તેવી જ રીતે કોઈને અગાઉથી જાણ કરવાની હોતી નથી પરંતુ હવે તો તમામ વિભાગને આજે મોકડ્રિલ છે તે જાણ હોય ત્યારે બાદ જ મોકડ્રિલ કરવામાં આવે છે. એટલે મોકડ્રિલ કરતા પણ પ્રી પ્લાન ઘટના નામ આપવું યોગ્ય કહી શકાય.