- પોલીસની ઉદાસીનતા?… લુખ્ખા-ગંજેરીઓ બેફામ…
- જંગલેશ્વરના તૌસીફ અને સોહેલ નામના શખ્સો પર પરેશે કરેલા હુમલાનો બદલો લેવા વહેલી સવારે કાર લઈને ધસી આવેલા શખ્સોએ ગોળીબાર કર્યો : ગેંગવોર વકરશે?
રાજકોટ શહેરમાં દિન પ્રતિદિન જાણે ખાખીનો ખૌફ ઓસરી રહ્યો તેવા બનાવો સામે આવી રહ્યા છે. બેફામ બનેલા લુખ્ખા તત્વોએ એક પખાવડીયામાં અગાઉ ગુંદાવાડી પોલીસ ચોકીમાં ધસી જઈ બુટલેગરે ધમાલ મચાવી હતી. જે બાદ રૂખડીયાપરાના મકાન પર સોદા બોટલના ઘા કરનાર ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલી પોલીસ પર માજીદ ભાણુ આણી ટોળકીએ હુમલો કર્યો હતો. હજુ આ ઘટનાઓની શાહી સુકાઈ નથી ત્યારે પુનિતનગર વિસ્તારમાં આજે વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. કુખ્યાત પેંડા ગેંગના સાગરીત પરેશ ગઢવી પર જંગલેશ્વરના શખ્સોએ ફાયરીંગ કર્યાના બનાવને પગલે પોલીસબેડામાં દોડધામ મચી જવા પામી છે.
ફાયરિંગની ચકચારી ઘટનામાં પ્રાપ્ત વિગત અનુસાર આજે સવારે અંદાજિત 5:25 વાગ્યે કુખ્યાત પેંડા ગેંગનો સાગરીત પરેશ રાજુભાઈ બળદા ઉર્ફે પરેશ ગઢવી પુનિતનગર મેઈન રોડ પર મામાં સાહેબના મંદિર નજીક તેના મિત્રો સાથે હાજર હતો. ત્યારે સફેદ રંગની એક ફોર વ્હીલ ધસી આવી હતી અને ફોર વહીલમાંથી જ પરેશ ગઢવી પર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જે ગોળી ડાબા પગમાં ઘુસી જતાં પરેશ ગઢવી ત્યાં જ પડી ગયો હતો. બાદમાં ફોર વ્હીલમાં ધસી આવેલા શખ્સો નાસી ગયાં હતા. જ્યાંરે બીજી બાજુ પરેશ ગઢવીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં પીઆઈ ધવલ હરીપરા તેમજ તાલુકા પોલીસનો સ્ટાફ, એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફાયરિંગની ઘટનામાં સીસીટીવી ફૂટેજ કબ્જે કરી અજાણ્યા શખ્સોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.
મામલામાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત અનુસાર અંદાજિત પંદર દિવસ પૂર્વે પરેશ ગઢવીએ જંગલેશ્વરના તૌસીફ અને સોહેલ પર હુમલો કર્યો હતો. જે બાદ પરેશ જેલ હવાલે થતાં હજુ પાંચ દિવસ પૂર્વે જ તે જેલમાંથી છૂટ્યો હતો. અગાઉ પરેશે કરેલા હુમલાનો હિસાબ સરભર કરવા આ હુમલો કરવામાં આવ્યો હતો તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ : હુમલાખોરોની ઓળખ મેળવી ઝડપી લેવા ચક્રો ગતિમાન
સમગ્ર મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર ફાયરિંગની ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જે સીસીટીવીના આધારે પોલીસે હુમલાખોરોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા ચારથી પાંચ શખ્સોના નામ સામે આવ્યાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ પોલીસે તાત્કાલિક હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટનાની જાણ થતાં પો. કમિશનર ઝા ઘટનાસ્થળે અને ડીસીપી સિવિલ હોસ્પિટલ દોડી ગયાં
ફાયરિંગની ઘટનાની જાણ થતાં ગંભીરતાને ધ્યાને રાખી રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝા પુનિતનગર ખાતે ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને સમગ્ર મામલાની વિગતો મેળવી તાત્કાલિક ફાયરિંગ કરનારાઓને ઝડપી લેવા સૂચના આપી હતી. જયારે બીજી બાજુ આ મામલામાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસઓજી પીઆઈ સંજયસિંહ જાડેજા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયાં હતા અને પરેશ ગઢવી પાસેથી ઘટનાની તમામ વિગતો મેળવી હતી.