Abtak Media Google News

વડાપ્રધાનની દુરંદેશી હેઠળ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બની રહ્યું છે યાત્રાધામ સોમનાથ

યશસ્વી વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે અને વડાપ્રધાનની દૂરદ્રષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર આઈઆરએમ એનર્જી દ્વારા બે પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી   યોગેન્દ્રભાઈ દેસાઈ અને આઈઆરએમ એનર્જીના સીઈઓ કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આઈઆરએમ ગેસ વિતરણ કંપનીએ ટ્રસ્ટના રસોડામાં પાઇપ્ડ નેચરલ ગેસ સપ્લાય કરવાનું શરૂ કર્યુ છે. જેમાં બે પ્રસાદ બનાવવાના રસોડા અને જ્યાં યાત્રાળુઓને નિ:શુલ્ક ભોજન ઉપલબ્ધ થાય છે તે ભોજનાલયમાં પર્યાવરણ અનુકૂળ અને સુરક્ષિત ગેસ પુરવઠાની જાહેર સેવાઓ દ્વારા હજારો યાત્રીઓને જોડવામાં એક મહત્વપૂર્ણ પગલું બનશે. નોંધનીય છે કે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ટ્રસ્ટના રસોડા દ્વારા નિ:શુલ્ક ભોજનનો લાભ લે છે.

શ્રી સોમનાથ મંદિર પ્રત્યેની શ્રદ્ધા અને સેવામાં આઇઆરએમ એનર્જીએ કોઈપણ ગેસ સિક્યોરિટી ડિપોઝિટ લીધા વિના ટ્રસ્ટના તમામ 7 રસોડામાં સમગ્ર આંતરિક ગેસ પાઇપલાઈનની સંપૂર્ણ વ્યવસ્થા પણ કરેલ છે. આ તકે ટ્રસ્ટી પી.કે.લહેરીએ નેચરલ ગેસ પાઈપલાઈન દ્વારા મંદિર સંકુલને જોડવાના કંપનીના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર   વિજયસિંહ ચાવડા સહિત શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ તેમજ આઇઆરએમ એનર્જીના શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.