રાજકોટ જિલ્લો કોરોના સહાયમાં પ્રથમ : એક જ દિવસમાં 300 લોકોના ખાતામાં દોઢ કરોડ જમા થયા

સવારે 4 વાગ્યા સુધી નોનસ્ટોપ કામગીરી કરી કલેકટરે જિલ્લાને અપાવી સિદ્ધિ

બપોર સુધીમાં 144 મૃતકોના પરિવારજનોને સહાય મળી ગઈ, બપોર બાદ બીજા દોઢ સોને સહાય અપાઈ

કલેકટર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ટીમોએ કામગીરીનો ધમધમાટ ચલાવી સરકારી સહાય વિતરણમાં જિલ્લાને અવ્વલ ક્રમે પહોંચાડ્યો

રાજકોટ : રાજકોટ જિલ્લો કોરોનાની સહાય વિતરણમાં પ્રથમ ક્રમે રહ્યો છે. એક જ દિવસમાં 300 મૃતકોના પરિવારજનોના ખાતામાં દોઢ કરોડ રૂપિયા જમા થઈ જતા પરિવારજનોએ કલેકટરની કામગીરીને બિરદાવી તેઓનો આભાર માન્યો છે. જો કે આ માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં સ્ટાફે નોન સ્ટોપ સવારે 4 વાગ્યા સુધી કામગીરીનો ધમધમાટ ચલાવ્યો હતો.

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર તરફથી રૂ. 50 હજારની સહાય આપવાની કામગીરી ચાલી રહી છે. આ માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં મામલતદાર કચેરીઓમાં ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. સાથે ભરાયેલા ફોર્મ પરત લેવામાં આવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1 હજારથી વધુ ફોર્મ વિતરણ કરી દેવામાં આવ્યા છે. જેમાંથી 450 જેટલા ફોર્મ ભરાઈને તંત્રને પરત મળી ગયા છે.

જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ દ્વારા ગઈકાલે જ જાહેરાત કરી દેવામાં આવી હતી. કે કોરોના સહાયની ગ્રાન્ટ જિલ્લા તંત્રને મળી ગઈ છે. આવતીકાલથી વિતરણ શરૂ કરી દેવાશે. તેઓએ ગઈકાલે જેમ જણાવ્યું તેમ આજથી સહાય વિતરણ શરૂ થઈ ગઈ છે. આ માટે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ટીમોએ સવારે 4 વાગ્યા સુધી નોન સ્ટોપ કામગીરી કરી હતી.

જેના પગલે આજે બપોર સુધીમાં 144 જેટલા લાભાર્થીઓના ખાતામાં કોરોના સહાયની રકમ જમા થઈ ગઈ હતી. આ ઉપરાંત બપોર બાદ પણ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા વધુ દોઢ સો જેટલા લોકોમાં ખાતામાં સહાયની રકમ જમા કરી છે. આમ એક જ દિવસમાં અંદાજે 300 જેટલા લોકોના ખાતામાં રૂ. દોઢ કરોડ જેટલી રકમ ચુકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.