પાળ ગામના પેટ્રોલ પંપની લુંટનો ભેદ ઉકેલાયો: પાંચ શખ્સોની ધરપકડ

પારડી પાસેથી પાંચેય શખ્સોને ઝડપી લેવામાં એલસીબીને મળી સફળતા: ત્રણ સામે લુંટ, ચોરી અને હથિયારના ગુનામાં સંડોવણી

લોધીકા તાલુકાનાં પાળ ગામે 3 માસ પુર્વે  જય લીરબાઇ પેટ્રોલ પંપનાં કર્મચારીને માર મારી રૂ. 1.29 લાખની લુંટનો એલસીબીએ ભેદ ઉકેલી  એમપીનાં  પાંચ શખ્સોની ધરપકડ કરી  રૂ. 18400 નો મુદામાલ કબજે કર્યો છે.

વધુ વીગત મુજબ  રાજકોટ જીલ્લામાં વધતા જતા  આર્થીક ગુનાઓને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા રાજકોટ રેન્જનાં આઇજીપી સંદીપસીંઘ   અને  રાજકોટ એસપી જયપાલસીંહ રાઠૌર  આપેલી સુચનાને  પગલે એલસીબીનાં પીઆઇ વી.વી. ઓડેદરા અને પીએસઆઇ એસ.જે. રાણા  સહીતનાં સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ.

લોધીકાનાં પાળ ગામે  આવેલ જય લીરબાઇ પેટ્રોલ પંપમાં ગત 13 માર્ચનાં રોજ રૂ. 1.29 લાખની લુંટનાં ગુનામાં સંડોવાયેલો  મુળ મ.પ્ર. નાં જામવા જીલ્લાનો  મુકેશ ધીરુ ગણાવા  નામનો શખ્સ પારડી ગામ પાસે કલ્પવન વીસ્તારમાં આવેલ વ્રૃજ વીહાર એપાર્ટમેન્ટની સામે  સન ફલાવર ઇન્ટરનેશનલ સ્કુલની બાજુમાં ઝુપડામાં હોવાની કોન્સ. ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીનાં આધારે  એએસઆઇ મહેશભાઇ જાની, અમીતસીંહ જાડેજા , હેડ કોન્સ. મહીપાલસીંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી , શકિતસીંહ જાડેજા, અને બાલકૃષ્ણ  ત્રીવેદી સહીતનાં સ્ટાફે  વોચ ગોઠવી હતી.

દરોડા પાડી મુકેશ ધીરુ ગણાવાની અટકાયત કરી  તેની  પ્રાથમીક પુછપરછમાં પેવર બ્લોકનાં  કોન્ટ્રાકટર જીતુભા ની નીચે કામ કરતો હોય તેમની પાસેથી બે માસનાં મજુરીનાં રૂપીયા બાકી હોય જીતુભા  જય લીરબાઇ પેટ્રોલ પંપનાં માલીક ભીમા કેશવાલા  પાસેથી કોન્ટ્રાકટ રાખતા હોય અને મુકેશ અવાર નવાર  પેટ્રોલ પંપે  હીસાબ કરવા તેમજ  ઉપાડ લેવા માટે જતો હોય  આથી તેને ખ્યાલ હતો કે પેટ્રોલ પંપનો હીસાબ  ઓફીસની કબાટમાં રાખતા  હોય તેથી તેને સાગરીતોને બોલાવી   દીવસે રેકી કરી અને બીજા દીવસ ની  રાત્રીએ લુંટને  અંજામ  આપ્યો હતો.

તેની સાથે લુંટમાં સંડોવાયેલા દાહોદનાં ગરબાડાનાં નરેશ ઉર્ફે મડીયા નવલસીંગ પલાસ , મ.પ્ર. નો નરેશ રમેશ પલાસ , દાહોદનો અને હાલ ટંકારા ખાતે  મજુરી કરતો મોજી પ્રતાપ ભુરીયા , અને વીનોદ ઉર્ફે વીનુ ગલીયા પલાસ, સહીત પાંચેય શખ્સોની ધરપકડ કરી  રૂ. 18400 નો મુદામાલ કબજે કર્યો છે.

લુંટમાં સંડોવાયેલ નરેશ રમેશ પલાસ  પાંચ  અને નરેશ ઉર્ફે મડીયો બે ગુનામાં વોન્ટેડ છે.  નરેશ ઉર્ફે મડીયો  અને  નરેશ રમેશ પલાસ  સામે ચોરી , હથીયાર, લુંટ , ધાડ  સહીત  8 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.   પોલીસે  પાંચેય શખ્સોની  વધુ તપાસ માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.