સૌરાષ્ટ્રમાં ગુરૂવારથી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની સંભાવના

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની કાગડોળે વાટ જોઈ રહેલા જગતાત માટે રાહતરૂપ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યાં છે. બંગાળની ખાડીમાં નવું લોપ્રેશર સર્જાઈ રહ્યું છે. જેની અસર તળે આગામી ગુરૂવારથી સતત પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સાર્વત્રીક અને નોંધપાત્ર વરસાદ વરશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ચોમાસુ સક્રિય થઈ રહ્યું હોય આજે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ લોકલ ફોર્મેશનના કારણે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી અપાઈ છે. દરિયાકાંઠા વિસ્તારમાં અમુક સ્થળોએ ભારે વરસાદ પણ વરસી શકે છે.

બંગાળની ખાડીમાં સર્જાનારુ લો પ્રેશર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સારો વરસાદ આપશે: આજે છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે

ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થયા હોય તેમ સાંબેલાધારે 10 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ ઉપરાંત જેતપુર, તાલાલા, મોરબી, ભાણવડ, જામનગરમાં હળવા ઝાપટા સવારમાં પડ્યા હતા. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર બંગાળની ખાડીમાં આગામી 23મીએ એક લોપ્રેસર સર્જાશે જેની અસર સૌરાષ્ટ્રમાં 22મીથી જ જોવા મળશે. ગુરૂવારથી સતત પાંચ દિવસ સુધી સાર્વત્રીક અને નોંધપાત્ર વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. ચોમાસુ દેશભરમાં સક્રિય થઈ રહ્યું છે. મોન્સુન ટ્રફનો છેડો હાલ પશ્ર્ચિમ તરફ નોર્મલ છે.

મુંબઈમાં એકસાથે બે દુર્ઘટના: ભારે વરસાદે ભૂસ્ખલન થતા 33નાં મોત

જ્યારે પૂર્વ છેડો હિમાલયની તળેટીથી દક્ષિણ તરફ આવશે ત્યારે ચોમાસુ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી લઈ કર્ણાટક સુધી છે જેની અસરના કારણે ગુજરાત સહિત દેશભરમાં ચાલુ સપ્તાહે સારો વરસાદ પડે તેવા સંકેતો જણાય રહ્યાં છે. આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વિસ્તારમાં લોકલ ફોર્મેશનના કારણે હળવાથી લઈ 1 કે દોઢ ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. 22મીથી વરસાદનું જોર વધશે. ગુરૂવારથી સતત 5 દિવસ સુધી સૌરાષ્ટ્રમાં નોંધપાત્ર વરસાદ વરશે તેવી સંભાવના જણાય રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જુન કે જુલાઈ માસમાં અપુરતો વરસાદ હોવા છતાં ઓગષ્ટ માસમાં જળાશયો છલકાઈ જવાની ઘટના બની ચૂકી છે. આ વખતે પણ મેઘરાજા ઓગષ્ટ માસમાં વરસાદની ઘટ પૂરી કરી દે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે.

ગઈકાલે શહેરમાં સામાન્ય છાંટા પડ્યા હતા. આજે સવારથી રાજકોટમાં મેઘાડંબર વચ્ચે સવારે પણ હળવા ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ  ઝાપટાથી લઈ અડધો ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરી હેત વરસાવવાનું શરૂ કરતા જગતાતને રાહત થવા પામી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ ઉમરગામ-વાપીમાં 10 ઇંચ ખાબકયો

કામરેજ-બારડોલી-પલાસણામાં 8 ઈંચ, મહુવા-વલસાડમાં 7 ઈંચ વરસાદ: સવારે કપરાડામાં 2 કલાકમાં અઢી ઈંચ વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ

દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, નવસારી, તાપી, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ગઈકાલે જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વલસાડના ઉંમરગામમાં સવારે 6 થી 8 સુધીના 2 કલાકના સમયગાળામાં સાંબેલાધારે સાડા આઠ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી હતી. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. જો કે સમયસર મેઘરાજાએ વિરામ લઈ લેતા જળ હોનારત જેવી દુર્ઘટના અટકી હતી. દક્ષિણ ગુજરાત પર સાયકલોનિક સર્ક્યુલેશન સ્થિર થવાના કારણે ગઈકાલે સવારે મેઘરાજાનું જોર વધ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડ જિલ્લાના ઉંમરગામ અને વાપીમાં 10-10 ઈંચ જેટળો વરસાદ વરસી ગયો છે.

આ ઉપરાંત સુરતના કામરેજ, પલાસણા અને બારડોલીમાં 8 ઈંચ, મહુવા, વલસાડમાં 7 ઈંચ, ડોલવાણ, જલાલપોર, સુરત, નવસારી, વ્યારામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વ્યારા, ધરમપુર, ગણદેવી, ખેરગામ, તિલકવાડા, ચિખલીમાં 5 ઈંચ, કપરાડા, સોનગઢ, પારડી, ઉંમરપાડા, દેડીયાપાડામાં 4 ઈંચ, વાલોર, અંકલેશ્ર્વર, માંડવીમાં 3 ઈંચ, વાસંદા, નેત્રાંગ, નાડોદમાં અઢી ઈંચ, ઓલપાડ, માંગરોળ, ગરૂડેશ્ર્વર, વઘઈ, વળીયામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં ગઈકાલે મોરબી શહેરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 99 તાલુકામાં હળવા ઝાપટાથી લઈ 10 ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તાપીના ડોલવાણમાં વહેલી સવારે સાંબેલાધારે 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. બીજી તરફ આજે સવારે 6 થી 8 સુધીના બે કલાકના સમયગાળામાં કપરાડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ધરમપુર, ડાંગ, ઉંમરગામ અને સોનગઢમાં પણ ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં આજે સવારે જેતપુર, મેંદરડા, તાલાલા, મોરબી, જોડીયા, વડીયા, ભાણવડ અને જામનગર જિલ્લામાં વરસાદના ઝાપટા પડ્યા હોવાનું નોંધાયું છે. લંબો સમય વિરામ લીધા બાદ વરસાદ વરસતા દક્ષિણ ગુજરાતના  ખેડૂતોએ રાહતની લાગણી અનુભવી છે.