Abtak Media Google News

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને દિલ્હીની ત્રણ બેઠક જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને યુપી અને ઉતરાખંડની પાંચ બેઠકો જીતાડવાની જવાબદારી

લોકસભાની સામાન્ય ચૂંટણીનાં આડે હવે માત્ર  ગણતરીના મહિનાઓ  બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  કેન્દ્રમાં ફરી ભાજપ પ્રેરિત   એનડીએની સરકાર પૂર્ણ બહુમતી સાથે બને તે માટે ભાજપ દ્વારા   તૈયારીઓ  શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતના પૂર્વ   મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ  પટેલ સહિત  ગુજરાતના પાંચ નેતાઓને લોકસભાની ચૂંટણી માટે અલગ અલગ   પાંચ રાજયોની બેઠકોની  જવાબદારી  સોંપવામા આવી છે.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા દેશભરમાં 300થી વધુ નેતાઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામા આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે  તાજેતરમાં   એવું નિવેદન આપ્યું હતુકે, ભાજપ લોકસભાની આગામી ચૂંટણી 300થી વધુ બેઠકો જીતશે. તેઓનાં આ નિવેદનને   યથાર્થ કરવા ભાજપના  રાષ્ટ્રીય  અધ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા   તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  ગુજરાતનાં  પાંચ નેતાઓને  લોકસભાની ચૂંટણીની જવાબદારી  સોંપવામાં આવી છે.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને  પંજાબના  પ્રભારી  વિજયભાઈ રૂપાણીને   દિલ્હીની  લોકસભાની  ત્રણ બેઠકની જવાબદારી  સોંપવામાં આવી છે.  જેમાં ચાંદની ચોક, દિલ્હી નોર્થ, વેસ્ટ અને  દિલ્હી સેન્ટ્રલ એમ ત્રણ બેઠકનો સમાવેશ થાય છે. જયારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલને   ઉતરાખંડની  ટેહરી ગઢવાલ, હરિદ્વાર,  ગઢવાલ અને ઉતર પ્રદેશની મુઝફરનગર અને કૈરાના એમ પાંચ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને  પૂર્વ કેબીનેટ મંત્રી જીતુભાઈ  વાઘાણી, કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપ  મહામંત્રી વિનોદભાઈ ચાવડા ઉપરાંત  ભાવનગરનાં સાંસદ અને  ભાજપના રાષ્ટ્રીય  ઉપાધ્યક્ષ  ભારતીબેન શિયાળને પણ લોકસવભાની ચૂંટણી માટે અલગ અલગ રાજયોની  બેઠક માટે  જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા અલગઅલગ રાજયોના નેતાઓને જવાબદારી  સોાપવામાં  આવી છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના વડપણ વાળી કેન્દ્રની એનડીએ સરકાર આજે નવ વર્ષ પૂર્ણ  કરી રહી છે. ત્યારે ભાજપ   દ્વારા આ  ઐતિહાસીક અવસરની  દેશભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. આજથી ભાજપ દ્વારા ગુજરાતમાં  મહાસંપર્ક અભિયાન   શરૂ કરી દેવામાં આવ્યું છે. જે એક વર્ષ   સુધી ચાલશે જેમાં છેવાડાના  માનવી સુધી રાજય અને કેન્દ્ર સરકારની  વિવિધ યોજનાઓ પહોચાડવામાં આવશે. ભાજપ  ફુલફલેજમાં ઈલેકશન  મોડમાં આવી ગયું છે.  લોકસભાની   543 બેઠકો માટે ભાજપના  300થી વધુ નેતાઓને  જવાબદારી  સોંપવામાં આવી છે. આગામી દિવસોમાં જે નેતાઓને  જે બેઠકની  જવાબદારી  સોંપવામાં આવી છે. તેઓ અલગ અલગ બેઠકોનાં  પોતાનો પ્રવાસ શરૂ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.